Jul 17, 2020

ભાગવત રહસ્ય -૩૩૪

કનૈયા ના આવા તોફાનો જોઈને છેવટે ગોપીઓએ યશોદાજીને કહ્યું કે-મા.તમે ગણપતિની બાધા રાખો,ગણપતિ બુદ્ધિ-સિદ્ધિના માલિક દેવ છે.તે કનૈયાની બુદ્ધિ સુધારશે.એટલે યશોદાજીએ ગણપતિ ની બાધા રાખી છે.કનૈયાએ વિચાર્યું કે મારે ગણપતિનો મહિમા વધારવો છે.એટલે મંડળીના બધાં બાળકોને કહ્યું કે-આપણે હમણાં કોઈ પ્રવૃત્તિ કરવી નથી.લાલો હવે ઘરની બહાર પણ નીકળતો નથી.યશોદા માને છે કે ગણપતિ દાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી છે.

એક દિવસ સખાઓથી શ્રીકૃષ્ણ છૂટા પડ્યા અને યમુનાજી ના કિનારે આવ્યા.યમુનાજીની સુંદર ચીકણી માટી જોઈને .તે માટી ખાવાનું તેમને મન થયું.અને તે માટી ખાવા લાગ્યા.બળદેવજી તે જોઈ ગયા અને યશોદાજી ને ફરિયાદ કરી કે લાલાએ માટી ખાધી છે.કૃષ્ણ કહે છે-કે-મા આ બધા જુઠ્ઠું કહે છે,મે માટી ખાધી નથી.
લાલાએ માટી ખાધી નથી,પણ વ્રજ-રજ ખાધી છે.વ્રજ-રજ એ માટી નથી,જેમ ગંગાજીએ પાણી નથી કે-
તુલસી એ ઝાડ નથી. એટલે લાલાએ ખોટું કહ્યું નથી.

યશોદાજી કહે છે-કે- મોઢું ખોલીને બતાવ. લાલાજીએ મોઢું ખોલ્યું ,તો યશોદાજીને લાલાના મોઢામાં વિશ્વ-બ્રહમાંડના દર્શન થયાં છે.લાલાએ ફરી યોગમાયાને આજ્ઞા કરી અને જેથી-યશોદાજીને કૃષ્ણના સાચા સ્વરૂપ નું ભાન થતું નથી.અને તેમનો પુત્ર સ્નેહ કાયમ રહે છે.લાલાજીએ ફરી એકવાર પોતાનું ઐશ્વર્ય છુપાવ્યું છે.

શ્રીકૃષ્ણે માટી કેમ ખાધી? તો કહે છે કે-પુતનાએ અનેક બાળકોને મારેલાં.પૂતનાના વધ સમયે તે અનેક બાળકો તેના સ્તનપાન ને લીધે કૃષ્ણના પેટમાં આવેલા.અવિદ્યા (પૂતના)ના સંસર્ગમાં આવેલા જીવોનો ઉદ્ધાર સંતની ચરણરજ વગર થતો નથી.ગોકુલમાં અનેક ઋષિઓ ગાયો થઇને આવેલા.શ્રીકૃષ્ણે વિચાર્યું કે –
“જો આ ઋષિઓના ચરણની રજ હું પેટમાં ઉતારું તો મારા ઉદરમાંના જીવોનો ઉદ્ધાર થશે”
એટલે તે જીવોનો ઉદ્ધાર કરવા તેમણે માટી ખાધી.

ગોકુળની પાસે યમુના કિનારે જ્યાં શ્રીકૃષ્ણે માટી ખાધી હતી અને માતાજીને મુખમાં બ્રહ્માંડનાં દર્શન 
કરાવેલાં.તે ઘાટનું નામ પડ્યું-બ્રહ્માંડ-ઘાટ.કહે છે-કે-આ બ્રહ્માંડ-ઘાટની માટી મીઠ્ઠી હોય છે.
યાત્રાળુઓને આ માટી જ ચરણામૃત તરીકે આપવામાં આવે છે.

ભાગવતની કથા મરતાં પહેલાં મનુષ્યને આનંદ(મુક્તિ) આપે છે.ભાગવત શાસ્ત્ર એવું નથી કે જે મર્યા પછી મુક્તિ આપે.મર્યા પછી મુક્તિ મળી છે,તેનું પ્રમાણ (સાબિતી) શું ?જેને મુક્તિ મળી છે તે કંઈ કહેવા આવતો નથી,કે તેને મુક્તિ મળી છે.તેથી મહાપુરુષો ભાગવતની આ મર્યા પહેલાની મુક્તિને જીવન મુક્તિ કહે છે.
શરીર અને ઇન્દ્રિયોની હયાતીમાં જ મુક્તિ મળે તેને જીવન મુક્તિ કહે છે.
જેને મર્યા પછી મુક્તિ મળે તેને કૈવલ્ય-મુક્તિ કહે છે.
વ્રજવાસીઓને જીવન મુક્તિ મળી છે,વ્રજવાસીઓ પરમાનંદમાં તરબોળ થયા છે.

જ્ઞાની પુરુષોની અંદર સંસાર રહેતો નથી,કમળ જેમ પાણીથી અલિપ્ત રહે છે,તેમ તે સંસારથી અલિપ્ત છે.
નાવડી રહે છે જળમાં પણ જો નાવડીની અંદર પાણી આવે તો તે નાવડી ડૂબે છે,તેમ જ્ઞાની પુરુષો સંસારમાં રહે છે,પણ સાવધ રહે છે કે-બહારનો સંસાર મનમાં અંદર આવે નહિ.સંસાર એ બાધક નથી,પણ વિષયોનું ચિંતન કરતાં તેના પ્રત્યે જે આસક્તિ ઉત્પન્ન થાય છે,તે બાધક થાય છે.સંસાર સુખ આપે છે,તેવી કલ્પના માત્ર બાધક થાય છે.એટલે જ્ઞાની પુરુષો,શરીરને આવશ્યક વસ્તુનો સ્વીકાર કરે છે,પણ “સંસારસુખ એ સાચું સુખ નથી,પણ તે કેવળ એક ભાસ માત્ર છે”-એવું સતત ધ્યાન રાખે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE