Jul 16, 2020

ભાગવત રહસ્ય -૩૩૩

પ્રભાવતીના આ દ્રષ્ટાંત પાછળ રહસ્ય છે.પ્રભાવતી અભિમાની છે,હાથમાં શ્રીકૃષ્ણ છે,અને અક્કડમાં ચાલે છે.ઘમંડવાળી બુદ્ધિ પ્રભાવતી છે.એવી સકામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી,બુદ્ધિ નિષ્કામ બને તો જ ઈશ્વરને પકડી શકે છે.
હાથમાં પરમાત્મા આવ્યા પછી,પણ ભક્તિ ચાલુ રાખવી જોઈએ.લાલાને પકડ્યા પછી લાલાનું ચિંતન કરવાનું. પોતાનું નહિ.પ્રભાવતીએ પોતાનું ચિંતન કર્યું.ઈશ્વર હાથમાં આવ્યા પછી અભિમાન થાય કે ઈશ્વર મારા હાથમાં છે,તો ઈશ્વર છટકી જાય છે.પરમાત્મા મળે,છતાં સંત માને છે કે હજુ ભગવાન મળ્યા નથી,મારે હજુ ખૂબ ભજન કરવાનું છે.

સાધકને સાધન દરમ્યાન સિદ્ધીઓ મળે છે,ઘણી વખતે તે જે બોલે તે સાચું પડે છે,એટલે સાધકને થાય છે કે.હું બહુ મોટો સિદ્ધ થઇ ગયો છું.સિદ્ધિ આવે એટલે પ્રસિદ્ધિ આવે છે,ચેલા,ચેલી વખાણ કરે એટલે ગુરુને થાય છે કે હું બ્રહ્મરૂપ થયો છું.માનની પાછળ અભિમાન ઉભું જ છે.જેને માન નથી મળતું તેને અભિમાન ત્રાસ આપતું નથીજેને માન મળે તેને અભિમાન આવે છે.સાધુ સિદ્ધોને પણ માયા -આ સિદ્ધિઓમાં ફસાવે છે.

ગૃહસ્થને જેટલો પૈસો છોડવો,કામ છોડવો કઠણ છે તેનાથી પણ વધુ કઠણ આ સિદ્ધિઓનો મોહ છોડવો ,
એ સાધુ સંતો માટે કઠણ હોય છે.સાધુ સંતોને પણ મને ભગવાન મળ્યા છે,તેની ઠસક આવે છે,
અને સાધના માં ઉપેક્ષા થાય છે,સાધનામાં ઉપેક્ષા આવી એટલે માયા જોરથી ધક્કો મારે છે,
સિદ્ધિઓ જગતને બતાવવા જાય છે તેથી તેનું પતન થાય છે,અને પરમાત્મા છટકી જાય છે.

મહાપુરુષોએ લાલાની બાળલીલા બહુ વર્ણવી છે.લાલાએ બાળલીલામાં અનેક ગમ્મત કરી છે.
બાળલીલા સાંભળવાથી શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.અને ભક્તિ વ્યસનરૂપ થાય છે.
ગોકુલ માં એક લલિતા નામની ગોપી રહેતી હતી.તે વિચારે છે કે-લાલો મારા ઘરમાં આવતો નથી ,પણ જો આવે તો તેણે મારા ઘરમાં જ પુરી રાખું અને પછી યશોદાજી અને બધાને બોલાવી લાવું અને બતાવું.

એક વખત તે જળ ભરવા ગઈ હતી અને ઘેર આવી ને જોયું તો લાલો તેની મંડળી સાથે માખણ ખાય છે.
તેણે વિચાર્યું આ તક સારી છે,એટલે તેણે બહારથી દરવાજો બંધ કર્યો,લાલો દોડતો આવ્યો અને કહે છે-કે-
દરવાજો ઉઘાડ.ત્યારે લલિતા કહે છે-કે આજે હું તારી ફજેતી કરીશ.તે બધાંને બોલાવવા ગઈ,પણ ઉતાવળમાં તે ભૂલી ગઈ કે તેનો પતિ પણ ઘરની અંદર આજે રજા હોવાથી જમીને સૂતેલો છે.

લલિતાએ લાલાને ઘરમાં પૂર્યો તેનો વાંધો નહિ પણ જગત ને કહેવા ગઈ તે ખોટું હતું.જે જાહેર કરે છે,કે 
મે લાલાને પકડ્યો છે,તેની જ ફજેતી થાય છે.મનુષ્ય કરે છે ઓછું અને જગતને બતાવે છે વધુ. 
અંદરથી કંચન-કામિનીમાં ફસાયેલો હોય પણ બહારથી ભક્તિનું નાટક કરે છે.
સંતો ભક્તિને ગુપ્ત રાખે છે,જગતને એવું બતાવે છે કે પોતે સંસારમાં ફસાયેલા છે.

લાલાએ વિચાર્યું કે હવે શું કરીશું?રસોડાની બારી ખુલ્લી હતી તે ઠેકીને યશોદાજી પાસે આવ્યા છે અને 
મા ને કહે છે-કે-મા આજે કોઈ ઘેર કહેવા આવે તો કહેતી નહિ કે લાલો ઘરમાં છે,તું જાતે જઈને જોઈ આવજે.કે કોણ તોફાન કરે છે,અને કોણ સાચું છે.આ બાજુ લલિતાનો ધણી ઊંઘમાંથી જાગ્યો,તેને બેકી લાગેલી,બહારથી બારણું બંધ. તેનુ મગજ ગયું છે.લલિતા બધાને બોલાવીને ઘેર આવી અને બારણું ખોલ્યું,કે તેનો ધણી લાકડી લઇ તૈયાર જ ઉભો હતો,અને લલિતાનું તેણે સ્વાગત કર્યું.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE