Jul 15, 2020

ભાગવત રહસ્ય -૩૩૨

શ્રીકૃષ્ણ (પરમાત્મા) હાથમાં આવ્યા પછી,શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ.પણ અહીં પ્રભાવતીના મનમાં અભિમાન આવ્યું છે.પ્રભાવતીને ઠસક છે કે-લાલાને મેં પકડ્યો છે.બીજું કોઈ તેને - પકડી શકે નહિ.પ્રભાવતી શ્રીકૃષ્ણનું સ્મરણ કરતી નથી,પણ પોતાનું સ્મરણ કરે છે.મનુષ્ય સાધના કરે એટલે ઈશ્વર હાથમાં આવે છે.પછી તે સાધનામાં નિષ્ઠા ન રહે તો ઈશ્વર છટકી જાય છે.

કનૈયો પકડાઈ ગયો,એટલે,કનૈયાના મિત્રો રડવા લાગ્યા,ત્યારે તે કહે છે-કે- તમે ચિંતા ના કરો,હું ગમ્મત કરું છું.પ્રભાવતી કનૈયાને પકડીને જાય છે,તેવામાં સામેથી વૃદ્ધ વ્રજવાસી આવતાં પ્રભાવતીએ લાજ કાઢી છે.
કનૈયો તે વખતે પ્રભાવતીને કહે છે-કે તે મારો હાથ બહુ જોરથી પકડ્યો છે,મારા હાથમાં દુઃખ થાય છે,
તું મારો બીજો હાથ પકડ,તે પછી કનૈયાએ પ્રભાવતી ના હાથ પર ઝીણા નખથી ચૂંટી ખણી.
પ્રભાવતીને થયું કે હાથે મંકોડો કરડ્યો કે શું ? લાલાએ પૂછ્યું કે- શું કરડ્યું ? લે મારો બીજો હાથ પકડ.

હાથ બદલતાં કનૈયાએ તેના ચેલકા ને ઈશારો કર્યો,આવી જા આ બાજુ.અને ચેલકાનો હાથ,પ્રભાવતીનાહાથ માં પધરાવી લાલાજી છટકી ગયા.અને દોડતા દોડતા મા પાસે આવીને કહે છે-કે-માઆ ગોપીઓ ખોટું ખોટું મારું નામ લે છે,એક ગોપી મને મારવા આવવાની છે,પણ મા,મેં કંઈ કર્યું નથી.
મા એ કહ્યું કે તું અંદરના ઓરડામાં બેસ.આજે કોઈ ગોપી ફરિયાદ કરવા આવે તો તેને હું ખંખેરી નાખીશ.

પ્રભાવતી બહુ ઉમંગમાં બુમ પાડતી આવી છે.”મા,જુઓ આ તમારો લાલો,તે મારા ઘરે ચોરી કરવા આવેલો,
તેનું મોઢું માખણથી ખરડાયેલું છે,હવે તો તમને ખાત્રી થશે.તેને હું પકડીને લાવી છું.મેં લાલાને પકડ્યો છે.,તમે બહાર આવો અને જુઓ.યશોદા કહે છે-કે- અરી સખી,મારો લાલો તો ઘરની અંદર છે.

ઈશ્વર (પરમાત્મા) ઘરની (શરીરની) અંદર (આત્મા-રૂપે) છે.જે અંદર છે તેને મનુષ્ય બહાર શોધે છે અને દુઃખી થાય છે.ઈશ્વરને બહાર શોધે છે તેની ફજેતી થાય છે.ગોપી (ઇન્દ્રિયો) કહે છે કે આનંદ બહાર છે,જયારે યશોદા (નિષ્કામ-બુદ્ધિ) કહે છે કે આનંદ અંદર છે.આનંદ અંદર છે,નિષ્કામ-બુદ્ધિ યશોદા આનંદને (ઈશ્વરને) હૃદયમાં (ઘરની અંદર) નિહાળે છે,તેથી તેને આનંદ મળે છે,ઇન્દ્રિયો આનંદને બહાર શોધે છે,તેથી આનંદ મળતો નથી.

ઈશ્વર એટલે આનંદ.એ આનંદને બહાર પકડવા જાય તેને આનંદ મળતો નથી.આનંદ બહાર નથી,
આનંદ કોઈ સ્ત્રીમાં,પુરુષમાં,મોટરમાં,બંગલામાં,કે કોઈ પદાર્થમાં નથી. આનંદ આપણામાં અંદર છે.
આપણી અંદર રહેલો આનંદ જ આપણને મળે છે.આનંદ આત્માનું સ્વરૂપ છે,આનંદ બહારથી આવતો નથી,આનંદ આત્મામાંથી નીકળે છે.જે આનંદ ને બહાર વિષયોમાં શોધવા જાય તેની-આ અભિમાન વાળી પ્રભાવતી ગોપીના જેવી ફજેતી થાય છે.

યશોદાજી કહે છે-કે-અરી સખી,તું ભાંગ પી ને આવી છે કે શું ?તું તારો ઘૂંઘટ ઉઠાવી ને જો તો ખરી ?
તું કોને પકડી લાવી છે ? પ્રભાવતી જુએ છે-તો પોતાનો જ છોકરો,પોતાની આંગળીએ છે.તે છોકરાને મારે છે,પણ છોકરાને આનંદ થાય છે,લાલાને માટે માર ખાવામાં પણ તેને આનંદ આવે છે.
ભગવાન માટે,ધર્મના માટે,પરોપકારના માટે,જે માર ખાય છે,તે મારમાં પણ પ્યાર હોય છે.
માર પાડવા છતાં તે દુઃખી થતો નથી.પ્રભાવતી વિચારમાં પડી ગઈ છે,કહે છે-કે- મા રસ્તામાં કંઈ ગરબડ થઇ લાગે છે,બાકી કનૈયાને જ મેં પકડેલો,તેને જ પકડી ને હું આવતી હતી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE