Jul 1, 2020

ભાગવત રહસ્ય -૩૨૧

ગર્ગાચાર્યે,લાલાજીના નામકરણની વિધિ કરી, અને લાલાજીનું નામ “કૃષ્ણ” પાડ્યું.
યશોદાજી ગર્ગાચાર્યને કહે છે-કે-મહારાજ મોડું થયું છે,ભોજનનો સમય થયો છે,હવે તમને ભૂખ લાગી હશે,હુ તમારા માટે રસોઈ બનાવું છું,એક વખત આપ ભોજન કરો –તે પછી બીજી વાત.ગર્ગાચાર્ય કહે છે-કે- હુ સ્વયંપાકી બ્રાહ્મણ છું,મને કોઈના હાથનું પાણી પણ ચાલે નહિ. મારી રસોઈ હું મારી જાતે જ બનાવીશ,યમુનામાંથી જળ પણ હું જ લઇ આવીશ.

ગર્ગાચાર્ય યમુનામાં સ્નાન કરી પાણી ભરીને આવ્યા છે.ગર્ગાચાર્યના ઇષ્ટદેવ –ચતુર્ભુજ નારાયણ છે.
ગર્ગાચાર્યે કહ્યું -આજે નારાયણ માટે ખીર બનાવી,તેમને અર્પણ કરી પ્રસાદ લઈશ.
ગર્ગાચાર્ય ખીર બનાવે છે.યશોદાએ વિચાર કર્યો કે ખીર ભગવાનને અર્પણ કર્યા વગર ગર્ગાચાર્ય ખાશે નહિ.એથી તેમણે સોનાની થાળી ખીર ઠંડી કરવા આપી છે. ગરમ ગરમ ખીર પ્રભુને ધરાવાય નહિ.
ગર્ગાચાર્યે ખીર થાળીમાં કાઢી,ઠંડી થયા પછી તેના પર તુલસીપત્ર પધરાવ્યું અને નારાયણની સ્તુતિ
કરવા લાગ્યા.નારાયણનું ધ્યાન કરે છે,ને કહે છે-હે લક્ષ્મીપતે નારાયણ,ખીર આરોગો.

લાલાના કાને આ શબ્દ આવ્યો,કનૈયો વિચારે છે-કે-લક્ષ્મીનો પતિ તો હું છું.મને કોઈ બોલાવે અને ના જઈએ તો ખોટું દેખાય. ગુરુજી મને બોલાવે છે,એટલે મારે જવું પડશે.લાલો દોડતો આવ્યો અને ખીર ખાવા લાગ્યો છે.ગર્ગાચાર્યની આંખો બંધ છે,નારાયણનું સ્મરણ પછી તેમનું નિયમ હતો કે બાર માળા પુરી ન થાય ત્યાં સુધી થાળી પ્રભુની સમક્ષ રાખી તેમને મનાવવા.ગર્ગાચાર્ય બોલે છે-ઓમ નમો નારાયણ.
લાલાજી કહે છે-કે- મહારાજ આંખો ઉઘાડશો નહિ,મારું ભોજન ચાલુ છે.

બાર માળા પુરી થઇ,જળ મુકવા ગર્ગાચાર્યે આંખ ઉઘાડી,તો લાલજીને આરામથી ખીર ખાતા જોયાં.
ગર્ગાચાર્ય કહે છે-કે- આ વૈશ્યનો છોકરો મારી ખીરને અડકી ગયો,હવે મારાથી ખીર ખવાય નહિ.
તેઓ બુમ મારે છે-કે-યશોદા,તારો લાલો મારી ખીર ખાય છે.
કનૈયો ગભરાય છે,એક પળ મા ને જુએ છે અને બીજી પળે બ્રાહ્મણને.
યશોદા પૂછે છે-કે-લાલો ખીરને અડકી ગયો ?
ગર્ગાચાર્ય કહે છે-કે- અડકી શું ગયો,અડધી ખીર ખાઈ ગયો. કનૈયાનું મોઢું ખીરથી ખરડાયેલું હતું.

મા ના આવવાથી કનૈયો થોડો ગભરાણો, મારી મા મને મારશે કે શું ?
યશોદા કનૈયાને ધમકાવવા લાગ્યાં.”ઘરમાં ક્યાં થોડું છે ?તું મહારાજની ખીર ખાવા કેમ ગયો?
કનૈયો કહે છે-કે-મહારાજે મને બોલાવેલો તેથી હું ખીર ખાવા આવ્યો.
યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે-કે-તમે આને બોલાવેલો ?
ગર્ગાચાર્ય કહે છે-કે-હું તો મારા ઇષ્ટદેવ નારાયણને બોલાવતો હતો.
કનૈયો કહે છે-મા, એ વૈકુંઠનો નારાયણ હું જ છું.

યશોદા કહે છે-બેટા આવું ના બોલાય,તું શાનો નારાયણ ?તું તો મારો દીકરો છે.વૈકુંઠના નારાયણને તો ચાર હાથ છે,તારે ક્યાં ચાર હાથ છે ? કનૈયો કહે –કે-મા હું ચાર હાથ બતાવું ? 
યશોદા વિચારે છે,આ લાલો છે તો ચમત્કારી,અત્યારથી ચાર હાથવાળો થશે તો લોકો માનશે કે આ યશોદાનો છોકરો નથી.એટલે કહે છે-કે-ના,ના,ચાર હાથવાળા નારાયણ કરતાં મારો બે હાથવાળો મુરલીધર અતિ સુંદર છે.બેટા,તું બે હાથવાળો જ રહેજે,મારા દેખતાં કદી ચાર હાથવાળો થઈશ નહિ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE