Jun 30, 2020

ભાગવત રહસ્ય -૩૨૦

શ્રીકૃષ્ણની લીલા-માધુરી દિવ્ય છે.તેથી શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે.હવે લાલા ની વેણુ-માધુરી વિષે અને લાલા ની શ્રેષ્ઠતા વિષે ગોપી કહે છે-કે-વૈકુંઠના નારાયણ તો હાથમાં શંખ રાખે છે,ત્યારે કનૈયો તો હાથમાં વાંસળી રાખે છે.અરી,સખી,તું વિચાર કર કે-મધુર વાંસળી વગાડનાર શ્રેષ્ઠ કે-શંખ વગાડનાર શ્રેષ્ઠ ? આ બીજા દેવો હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈને બેઠા છે.કોઈના હાથમાં સુદર્શન,કોઈના હાથમાં ધનુષ્ય-બાણ,કોઈના હાથમાં ગદા,તો કોઈના હાથમાં ત્રિશુલ છે. મને લાગે છે-કે-આ બીજા દેવોને દુનિયાના લોકોની બીક લાગતી હશે,તેથી તેઓ હાથ માં શસ્ત્રો લઈને ઉભા છે.

મારો લાલો તો હાથમાં શસ્ત્ર રાખતો નથી,પણ એક હાથમાં માખણ અને એક હાથમાં વાંસળી રાખે છે.
એ આંખથી ઘાયલ કરે છે,એ પ્રેમથી વશ કરે છે, એ પ્રેમનું સ્વરૂપ છે.શસ્ત્રથી ઘાયલ કરનાર દેવ શ્રેષ્ઠ કે વાંસળીથી ઘાયલ કરનાર શ્રેષ્ઠ ? મારો કનૈયો શ્રેષ્ઠ છે.લાલો રોજ વાંસળી વગાડે છે,લાલાની વાંસળીનો સૂર જેના કાનમાં ગયો તેને સંસાર ઉપરથી વૈરાગ્ય આવે છે.લાલાની વાંસળી સાંભળ્યા પછી,મોટા મોટા યોગીઓ સમાધિમાંથી જાગે છે,અને બ્રહ્માનંદને છોડીને લાલા ને મળવા દોડે છે. લાલાની વાંસળી સાંભળ્યા પછી,મોટા મોટા ઋષિઓ,મહાત્માઓ,રાજાઓ –પાગલ થાય છે.રાજાઓ રાજગાદીનો ત્યાગ કરી વ્રંદાવનમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ-કરતા ફરે છે.

ભ્રમર ગીત (ભાગવત-૧૦-૪૭-૧૮)માં રાધિકાજી કહે છે-કે-શ્રીકૃષ્ણની લીલા-રૂપ અમૃતના એક કણનો પણ જે રસાસ્વાદ કરી લે છે,તેના દ્વંદો (રાગ-દ્વેષ,સુખ-દુઃખ)છૂટી જાય છે.ઘણા લોકો તો પોતાની દુઃખમય ઘર જંજાળ છોડીને ભિખારી બની જાય છે.કોઈ પણ જાતનો સંગ્રહ રાખતા નથી અને ભીખ માગી પોતાનું પેટ ભરે છે.
અને આ દુનિયાને છોડી જાય પણ શ્રીકૃષ્ણની લીલા-કથા છોડતા નથી.
વાસ્તવ માં એ રસનો ચટકો જ એવો છે. અને અમારી પણ એવી જ દશા છે,

એકવાર જો વાંસળીનો સૂર કાને સંભળાય તો –સાંભળનાર કૃષ્ણ-પ્રેમમાં પાગલ બને છે.
શ્રીકૃષ્ણ ની વેણુ માધુરી દિવ્ય છે.એટલે શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે.“મુરલી બજાકે મેરો મન હરી લીન્હો” ગોપી લાલાને પ્રેમ ભર્યો ઠપકો આપતાં કહે છે કે-હે મુરારિ, ભોજન બનાવવાના સમયે તો કૃપા કરીને આ મધુર મુરલીની તાન ન છેડો. તમારી મુરલીનો ધ્વનિ સાંભળી મારા ચુલામાંના સૂકાં લાકડાં રસભીનાં બની રસ વહેવડાવવા લાગે છે,તેથી અગ્નિ બુઝાઈ જાય છે,તો હું રસોઈ કેવી રીતે કરું ? 

લાલા ની રૂપ-માધુરીએ તો અનેકો ને આકર્ષ્યા છે.નિર્ગુણ બ્રહ્મના ઉપાસક –મધુસુદન સ્વામી –શ્રીકૃષ્ણની મનોહર રૂપ-છટા પાછળ પાગલ થયેલા.તેઓએ કહ્યું છે-કે-અદ્વૈતમાર્ગના અનુનાયીઓ દ્વારા પૂજનીય બનેલા ( એવો-હું) અને સ્વ-રાજ્ય રૂપી સિંહાસન ઉપર પ્રતિષ્ઠિત થવાનો અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલા એવા અમને (મને)-ગોપીઓ ની પાછળ ફરવા વાળા કોઈ “શઠે”(શ્રીકૃષ્ણે) જબરજસ્તીથી (ઈચ્છા ના હોવાં છતાં પણ)
પોતાના ચરણોમાં અમને ગુલામ બનાવી દીધા છે.

“રસખાન” પણ એ રૂપ માધુરી ઉપર પાગલ બન્યા હતા. તેઓએ કહ્યું છે-કે-
યા લકુટી અરુ કામરિયાપર,રાજ તિહું પુરકો તજિ ડારો.
આઠહુ સિદ્ધિ નવો નિધીકો સુખ,નંદકી ગાય ચરાઈ બીસારો.
શ્રીકૃષ્ણ ની રૂપ-માધુરી પણ દિવ્ય છે, એટલે શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે.

(રસખાન ૧૫ મી સદીમાં થઇ ગયા.તેમનું મૂળ નામ સૈયદ ઈબ્રાહીમ હતું, ગોસ્વામી વિઠ્ઠલનાથ પાસે હિંદુ ધર્મ વિષે શીખ્યા બાદ,વૃંદાવન માં જ રહ્યા હતા,હિન્દી અને પર્સિયન ભાષા પર કાબુ હોવાને લીધે ભાગવતનો પર્સિયનમાં અનુવાદ કર્યો હતો, ગોકુલની નજીક યમુના નદીના બ્રહ્માંડઘાટ આગળ તેમની કબર છે.
તે પ્રખ્યાત કવિ હતા.મોટા ભાગની કવિતાઓ કૃષ્ણલીલા ઉપર છે.
“સુજન રસખાન” “પ્રેમ વાટિકા” “રસખાન રચનાવલી” એ એમનો કવિતા સંગ્રહ છે.)
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE