Aug 20, 2020

ભાગવત રહસ્ય -૩૬૬

મધુમંગલ જુએ છે કે-બીજાં બાળકો સુંદર સુંદર મીઠાઈઓ લઇ આવ્યા છે.એટલે છાશ ની હાંડલી લાલાને આપતાં તેને સંકોચ થયો છે.તે વિચારે છે કે-ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જ લાલાને અપાય.આ છાશ આપું તે ઠીક નથી.આ છાશ કનૈયાને આપવા જેવી નથી.
કનૈયાને છાશ આપીશ તો આખો જન્મારો મારે છાશ પીવી પડશે.ખાટી છાશ પી ને કદાચ કનૈયો મારી મશ્કરી કરશે.આમ સમજી મધુમંગલ તે છાશ પી જવા લાગ્યો. તે જ વખતે શ્રીકૃષ્ણની નજર મધુમંગલ પર પડી.

કનૈયો કહે છે-એય,મધુમંગલ,તારી મા એ છાશ મારા માટે આપી છે અને તું એકલો પી જાય છે ? છાશ મને આપ,પૂર્ણમાસીએ છાશ પ્રેમથી મારા માટે આપી છે.પણ મધુમંગલ સાંભળતો નથી,છાશ આપતો નથી.
કહે છે કે-“આજે હું છાશ નહિ આપું,આવતી કાલે મીઠાઈ આપીશ” મધુમંગલ ઉતાવળથી છાશ પીવા લાગ્યો,
કનૈયો ત્યાં દોડતો આવ્યો છે.તે પહેલાં -મધુમંગલે હાંડલી ખાલી કરી પણ મોઢામાંથી છાશનો રેલો નીકળ્યો.
અને આશ્ચર્યની વચ્ચે કનૈયો,મધુમંગલના મોઢા પરનો તે છાશનો રેલો ચાટવા માંડ્યો.શ્રીકૃષ્ણ મધુમંગલનું મોઢું ચાટતા હતા,તે જ વખતે બ્રહ્માજીએ આકાશમાંથી આ દૃશ્ય જોયું અને તેમને પણ અતિ આશ્ચર્ય થયું અને તેમને 'આવા સામાન્ય વર્તન વાળા- શ્રીકૃષ્ણ શું ખરેખર ભગવાન છે?' એવી શંકા થઇ છે.

મધુમંગલ કનૈયાને કહે છે-કે અરે કનૈયા આ તું શું કરે છે ?
કનૈયો તો મધુમંગલ ને કહે છે કે-તારી એંઠી છાશ મળે તો મારી બુદ્ધિ સુધરે.તારા પિતા અતિ તપસ્વી,
પવિત્ર બ્રાહ્મણ છે. તારી છાશ પીઉં તો મારી બુદ્ધિ પવિત્ર થશે.
શાસ્ત્રમાં એવું લખ્યું છે કે-જે બ્રાહ્મણ ગાયત્રીનાં ત્રણ પુરર્શ્ચ્રરણ કરે છે તેના ઘરનું માગીને ખાજો.
“યાચયેત શ્રોત્રીયાન અન્નમ” તો - બુદ્ધિ પવિત્ર થશે.તપસ્વી,પવિત્ર બ્રાહ્મણના ઘરનું ખાવાથી બુદ્ધિ સુધરે છે.

શ્રીકૃષ્ણ બાળક સાથે બાળક,યોગી સાથે યોગી,જ્ઞાની સાથે જ્ઞાની અને ભોગી સાથે ભોગી છે.
બાળક આગળ બ્રહ્મજ્ઞાનની વાતો કરે કે-“બ્રહ્મ સત્ય,જગત મિથ્યા” તો તેઓ કશું સમજી શકે નહિ.
એટલે કોઈ પણ નિમિત્તથી ભગવાન ગોપબાળકોનું મન હરે છે,તેમના મિત્ર બને છે,અને અનાયાસે બ્રહ્માનુભવ કરાવે છે.

શ્રીકૃષ્ણ ને મધુમંગલનું મોઢું ચાટતા જોઈ બ્રહ્માજીને શંકા થઇ છે કે-આ શ્રીકૃષ્ણ ઈશ્વર છે કે કોઈ સાધારણ દેવ છે? લોકો માને છે કે શ્રીકૃષ્ણ ઈશ્વર છે પણ આ તો ગોપબાળનાં મોઢાં ચાટે છે.શ્રીકૃષ્ણ પરમાત્મા હોય તો શું આવું વર્તન કરે ? આ એ જ બ્રહ્માજી છે કે-જે ક્ષીરસાગરમાં ભગવાનને અવતાર લેવાનું કહેવા ગયા હતા.
આ એજ બ્રહ્માજી છે કે –જે પ્રભુ જયારે દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભ-સ્તુતિ કરવા ગયા હતા.
આવા બ્રહ્માજી પણ શ્રીકૃષ્ણની સગુણ લીલા જોઈ મોહમાં પડ્યા છે,પ્રેમલીલાનું રહસ્ય સમજી શકતા નથી.
“સગુણ બ્રહ્મ” (સાકાર પરમાત્મા) ની અટપટી લીલા જોતાં જો બ્રહ્માજીને મોહ થાય તો –પછી-
આજકાલના વિષયી લોકોને મોહ થાય અને શ્રીકૃષ્ણ વિષે શંકા થાય તેમાં શું આશ્ચર્ય ?!!!

બ્રહ્માજીને શંકા થાય એ સ્વાભાવિક છે.નિર્ગુણ બ્રહ્મ (નિરાકાર પરમાત્મા) ને જાણવું સહેલું છે,
પણ સગુણ બ્રહ્મ (સાકાર પરમાત્મા) ને જાણવા-સમજવા મુશ્કેલ છે.
બ્રહ્માજી જેવા જો શ્રીકૃષ્ણની લીલા સમજવામાં ભુલા પડે તો પછી સામાન્ય જીવની શું હેસિયત ??
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE