Aug 23, 2020

ભાગવત રહસ્ય -૩૬૯

બ્રહ્માજી વિચારે છે-કે આ બધું છે શું ? મારા જ ઘરમાં મને નકલી બ્રહ્મા કહીને મારા જ નોકરો મને મારે છે !!! મારા ઘરમાં છે કોણ ? બ્રહ્માજીએ આંખ બંધ કરીને (ધ્યાનમાં) જોયું તો-ગાદી પર શ્રીકૃષ્ણ લાલજી આરામથી વિરાજ્યા છે.આજુ બાજુ સર્વ ગોપબાળકો અને વાછડાં છે.બ્રહ્માજી ને પોતાની ભૂલ સમજાઈ.બ્રહ્માજીને ખાત્રી થઇ કે- શ્રીકૃષ્ણ સાધારણ દેવ નથી પણ સર્વ દેવોના પણ દેવ છે.બ્રહ્માજી વિચારે છે કે-
“મારા નારાયણ જ શ્રીકૃષ્ણ બન્યા છે. તેમની પરીક્ષા લેવા જતાં મારી જ પરીક્ષા થઇ ગઈ. મેં પ્રભુનો અપરાધ કર્યો છે,તેમના ભોજનમાં ભંગ કર્યો છે.એટલે હું હવે તેમની ક્ષમા માંગીશ”

બ્રહ્માજી શ્રીકૃષ્ણ પાસે આવી ને વંદન કરે છે.ક્ષમા માગે છે અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે.
“પોતાના ગર્ભમાંનો બાળક પોતાને પેટમાં લાત મારે તો શું માતા બાળક પર ગુસ્સે થશે? પણ ગુસ્સે થવાને બદલે તે માતા આનંદ પામે છે –એ ન્યાયે મારો કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો.મારું શરીર તો પંચતત્વનું બનેલું છે,પણ તમારું શરીર તો પંચ તત્વોનું બનેલું નથી. તે તો કેવળ આનંદસ્વરૂપ જ છે.”

ભગવાન આનંદમય છે.એક ઉદાહરણ છે.રાતે બાર વાગ્યા હતા અને એક ભાઈ પથારીમાં આળોટે છે,ઊંઘ આવતી નથી.વિચાર કરતા જણાયું કે આજે ગરમ પાણી (ચા) મળી નથી. એટલે રાતે ચા બનાવવાની તૈયારી કરી.પણ યોગ એવો-કે ઘરમાં ખાંડ જ ના મળે.રાતે બાર વાગે ખાંડ કોણ આપે?
ત્યાં યાદ આવ્યું કે મકરસંક્રાંત (ઉત્તરાયણ) માં બાળકો માટે ખાંડનાં રમકડાં લાવ્યા છે તે મળી જાય તો કામ થઇ જાય. રાતે બાર વાગે તે ખાંડનાં રમકડાં શોધે છે.રમકડાનો ડબ્બો મળ્યો.ડબ્બામાં ખાંડનો હાથી હતો –તેનો પગ તોડીને ચામાં નાખ્યો.

વિચાર કરો કે ચા માં ખાંડ નાંખી કે હાથીનો પગ નાખ્યો? ખાંડના રમકડાં (હાથી) ખાંડ-મય છે.
તેમ નિર્ગુણમાંથી સગુણ થયેલા પરમાત્મા પણ આનંદરૂપ છે.
શ્રીકૃષ્ણનું શરીર પૂર્ણ આનંદમય છે.શ્રીકૃષ્ણથી આનંદ જુદો નથી.
બ્રહ્માજી ને અભિમાન થયું હતું કે –જગતને હું ઉત્પન્ન કરું છું. તે અભિમાન નષ્ટ થયું છે.

કેટલાક મહાત્માઓ આ લીલાને “બ્રહ્મા-મોહ નિવારણ લીલા” કહે છે.
ત્યારે શ્રીધરસ્વામી એ આ લીલાનું નામ “સર્વોદય લીલા” રાખ્યું છે.જે આનંદ નંદ-યશોદાને આપ્યો તેવો આનંદ ગાયોને,વાછડાંઓને,ગોપીઓને,ગોપબાળકોને આપ્યો.માટે આ સર્વોદય લીલા છે.
ભગવાનના બીજા અવતારો એ અંશાવતારો છે.જયારે રામ અને કૃષ્ણ –એ પૂર્ણ અવતારો છે.
અનેક શક્તિઓ સાથે અનંત જીવો નું કલ્યાણ કરવા માટે જે અવતાર થાય તે ભગવાનનો પૂર્ણ અવતાર છે.
થોડા જીવોનું કલ્યાણ કરવા થોડી શક્તિ સાથે પધાર્યા તે અંશાવતાર.

નૃસિંહ અવતારમાં માત્ર ક્રિયા-શક્તિ જ પ્રગટ કરેલી.તે અવતારમાં જ્ઞાન-શક્તિ ગુપ્ત હતી.
એવી રીતે બીજા અવતારોમાં એક શક્તિ દેખાય છે બાકીની શક્તિઓ ગુપ્ત છે.
શ્રીકૃષ્ણે એક એક લીલામાં એક એક દેવનો પરાભવ કર્યો છે.
વત્સ-લીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું, બ્રહ્માનો પરાભવ કર્યો. ગોવર્ધન-લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતારી તેનો પરાભવ કર્યો.
રાસ-લીલામાં કામ નું અભિમાન ઉતાર્યું અને કામ નો પરાભવ કર્યો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE