Aug 22, 2020

ભાગવત રહસ્ય -૩૬૮

ભક્તો “અવિકૃત બ્રહ્મપરિણામ-વાદ” માં માને છે.સોનામાંથી સોનાના દાગીના બનાવો –એ અવિકૃત પરિણામ-વાદ છે.વેદાંતીઓ “વિકૃત બ્રહ્મપરિણામ-વાદ” માં માને છે.
દૂધનું દહીં થાય –એ વિકૃત બ્રહ્મપરિણામ-વાદ છે.વેદાંતમાં એક બ્રહ્મની સત્તા માની છે. માયા (અવિદ્યા)ને લીધે વૈવિધ્ય(અનેક) ભાસે છે.પણ અનેકમાં એક-જ બ્રહ્મ-તત્વ વિલસે છે.ભાગવતમાં આ બંને (ભક્તિ અને જ્ઞાન) નો સમન્વય કર્યો છે. શ્રીમહાપ્રભુજી કહે છે કે-બ્રહ્મ નિર્વિકાર છે,તેમ છતાં બ્રહ્મનું પરિણામ થાય છે.આ જે આંખને દેખાય છે તે બ્રહ્મનું પરિણામ છે.બ્રહ્મ જ અનેક રૂપે પરિણમે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે.

શ્રીકૃષ્ણ જ લાકડી બને છે,અને શ્રીકૃષ્ણ જ સત્ય છે, એટલે લાકડીમાં પણ શ્રીકૃષ્ણ હોવાથી,
તે લાકડી દેખાય છે (ભાસે છે) બ્રહ્મ નિર્વિકાર રહી ને વિકારવાળું થાય છે.

(૧) ગાયોને ઈચ્છા હતી કે મારે પરમાત્માને મળવું છે,પરમાત્માને સ્તનપાન કરાવવું છે.
એથી આજે શ્રીકૃષ્ણે વાછડાંઓનું સ્વરૂપ ધારણ કર્યું છે.(સાચાં વાછડાં તો બ્રહ્મલોકમાં હતાં)
જે વાછડાં એ ગાયોનું સ્તનપાન છોડ્યું હતું તે આજે ગાયોને ધાવવા લાગ્યા છે.
ગાયો પણ આજે આ મોટાં વાછડાંને પ્રેમથી ધવડાવે છે.રોજના કરતાં ગાયોનો વાછડાં પ્રત્યેનો 
આજનો અધિક પ્રેમ જોઈ બલરામને આશ્ચર્ય થયું છે.
અંતર્મુખ દૃષ્ટિ કરીને જોયું તો એક એક વાછડાંમાં શ્રીકૃષ્ણ દેખાય છે.

(૨) શ્રીકૃષ્ણ જે ગોપબાળો બન્યા છે, તે દોડતા દાદીમા પાસે આવ્યા છે.વૃદ્ધા ગોપીઓ જેમને શ્રીકૃષ્ણને 
મળવાની ઈચ્છા છે,તેઓ આજ ગોપબાળને ઉઠાવી આલિંગન આપે છે.અતિ આનંદ થયો છે.
આમ આજે શ્રીકૃષ્ણે ગાયોને બ્રહ્મ-સંબંધ નો લાભ આપ્યો 
અને સાથો સાથ વૃદ્ધા ગોપીઓને પણ બ્રહ્મ-સંબંધનો લાભ આપ્યો છે.
પ્રસિદ્ધ વેદ વાક્ય-“સર્વ વિષ્ણુમયમ જગત” (સર્વ જગત વિષ્ણુરૂપ છે) ને આજે શ્રીકૃષ્ણે પ્રત્યક્ષ સાચું કર્યું છે.

આ બાજુ બ્રહ્માજી વૃંદાવનમાં ફરીથી જોવા આવ્યા કે –વાછડાં અને ગોપબાળો વગર શું પરિસ્થિતિ છે ?
અને તેમના આશ્ચર્યની વચ્ચે અહીં તો બધું પૂર્વવત જ ચાલતું જોયું એ જ ગોપબાળો અને એ જ વાછડાંઓ.બ્રહ્માજી વિચારે છે કે આ સાચાં કે મારી જોડે બ્રહ્મલોકમાં છે તે સાચાં? 
શ્રીકૃષ્ણને ગમ્મત કરવાની ઈચ્છા થઇ.એક સ્વરૂપે તે થયા બ્રહ્મા અને બ્રહ્મલોકમાં ગયા.
ત્યાં જઈ નોકરો ને કહ્યું કે –હાલ એક નકલી બ્રહ્મા બધે ફરે છે,તે અહીં આવે તો તેને મારજો.
અને પોતે બ્રહ્માજીની ગાદી પર જઈ આરામ કરવા લાગ્યા.

ત્યાં જ સાચાં બ્રહ્માજી વિચારોમાં મગ્ન પાછા બ્રહ્મલોકમાં આવ્યા.નોકરોએ તેમને જોયા.
નોકરો વિચારે છે કે અસલી બ્રહ્મા (શ્રીકૃષ્ણ જે બ્રહ્મા બની ને આવ્યા હતા તે) તો અંદર આરામ કરે છે,
એટલે આ જ નકલી બ્રહ્માજી હોવા જોઈએ.એટલે નોકરો બ્રહ્માજીને મારે છે.
મનુષ્ય ને પણ જયારે માર પડે છે,ત્યારે અંદરની આંખ ઉઘડે છે,અને તેનામાં સાચું ડહાપણ આવે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE