Aug 21, 2020

ભાગવત રહસ્ય -૩૬૭

બ્રહ્માજીએ વિચાર્યું કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે કે સાધારણ દેવ છે, તેની આજે પરીક્ષા કરું.
મારા જેવી સૃષ્ટિ બનાવતાં જો તેમને આવડે તો હું માનીશ કે –શ્રીકૃષ્ણ ઈશ્વર છે.
બાળકોનું ભોજન ચાલતું હતું તે વખતે બ્રહ્માજીએ બધાં વાછડાંઓને માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ ગયા છે.ગોપ બાળકોને ભોજન વખતે વાછડાં યાદ આવ્યાં,અને જુએ તો વાછડાં ના મળે.બાળકો કનૈયાને કહે છે કે –કનૈયા આપણાં વાછડાં દેખાતાં નથી.
એટલે શ્રીકૃષ્ણે કહ્યું કે તમે ભોજન કરો,હું વાછડાંને લઇ આવીશ.શ્રીકૃષ્ણ વાછડાંને શોધવા જાય છે.તે જ વખતે બ્રહ્માજી બધાં ગોપબાળકોને પણ માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ જાય છે.

આ કથા પાછળ બીજું પણ થોડું રહસ્ય છે.શ્રીકૃષ્ણમાં દૃષ્ટિ રાખી બાળકો ભોજન કરતાં હતાં ત્યાં સુધી આનંદ હતો.પણ જેવી તેઓ વાછડાંની ચિંતા કરવા લાગ્યા,અને વાછડાં તરફ દૃષ્ટિ ગઈ કે બ્રહ્માજીએ તેઓને ઉઠાવી 
બ્રહ્મલોકમાં મૂક્યા.એટલે કે-ગોપ બાળકો “કાળ” ને આધીન થયાં. બ્રહ્માની માયાને આધીન થયાં.
બ્રહ્માજી એ કાળનું (સમયનું) રૂપ છે. સંસારના વિષયોમાં નજર જાય એટલે કાળ=બ્રહ્મા જીવને પકડે છે.
જીવ જયારે ઈશ્વરથી વિમુખ બને છે,ત્યારે કાળ જીવને પકડે છે.

ઘર ઘંટીમાં (જુના જમાનાની હાથ ઘંટીમાં) વચ્ચે ખીલા આગળ દાણા ઓરવામાં (નાખવામાં) આવે છે,
જે દાણા ખીલાથી દૂર જાય છે તે દળાઈ જાય છે.પણ જે દાણા ખીલાની પાસે રહે છે તે બચી જાય છે.
તેવી રીતે જ આ સંસારની ઘંટી ચાલી રહી છે.
જે ઈશ્વરપરાયણ છે તે બચી જાય છે,જે ઈશ્વરથી દૂર થાય છે તે દળાઈ જાય છે.

શ્રીકૃષ્ણે વાછડાં શોધ્યાં પણ વાછડાં ના મળ્યાં એટલે પાછા ફર્યા અને આવી ને જુએ છે તો અહીં બાળકો પણ ના મળે. શ્રીકૃષ્ણ બ્રહ્માજીની આ બધી રમત સમજી ગયા.અને વિચારે છે-કે-આ ડોસો (બ્રહ્માજી) વિના કારણ મારી પાછળ પડ્યો છે.પણ તેને (બ્રહ્માજીને) ખબર નથી કે હું તેનો દાદો લાગુ છું.
કોઈ ઠેકાણે વિષ્ણુને બ્રહ્માજીના દાદા કહ્યા છે તો કોઈ જગ્યાએ બ્રહ્માજીના પિતા કહ્યા છે.

દેવી ભાગવતના નવમાં સ્કંધમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે.
સૃષ્ટિ ની ઉત્પત્તિ વિષે સર્વ શાસ્ત્રો સંમત નથી. થોડો થોડો મતભેદ છે.
મહાત્માઓએ જગતનો બહુ વિચાર કર્યો નથી,પણ ઈશ્વરના સ્વરૂપ વિષે બહુ વિચાર કર્યો,
અને ઈશ્વરના સ્વરૂપ વિષે સર્વ મહાત્માઓ એક છે. ઈશ્વરના સ્વરૂપ વિષે મતભેદ નથી.
ભાગવત મુજબ-વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ વિરાજ્યા હતા.તેમની ડુંટીમાંથી કમળ ઉત્પન્ન થયું,અને કમળમાંથી બ્રહ્મા થયા.એટલે અહીં વિષ્ણુને બ્રહ્માના પિતા ગણી શકાય.

શુકદેવજી વર્ણન કરે છે-કે રાજન, પરમ આશ્ચર્ય થયું છે.પ્રભુએ લીલા કરી અને જેટલાં ગોપબાળકો અને વાછડાં હતાં તેટલાં સ્વરૂપ ધારણ કર્યાં.બ્રહ્મા પંચમહાભૂતની મદદથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે-જયારે ભગવાન શ્રીકૃષ્ણ (વિષ્ણુ) કહે છે કે-હું પંચમહાભૂતની મદદ વગર સૃષ્ટિ ઉત્પન્ન કરું છું.મારે કોઈ વસ્તુ ની જરૂર નથી.
હું જ પંચમહાભૂતને ઉત્પન્ન કરું છું, હું કેવળ સંકલ્પથી સૃષ્ટિ ઉત્પન્ન કરું છું.
ચિર હરણ વખતની-દ્રૌપદીની સાડી કઈ મિલમાં બનેલી હતી ? તે શ્રીકૃષ્ણના માત્ર સંકલ્પથી બનેલી.
શ્રીકૃષ્ણ પોતે જ સાડી રૂપે થયા હતા.તે શ્રીકૃષ્ણનો સંકલ્પ હતો. શ્રીકૃષ્ણની એ લીલા હતી.
ગોપબાળકોની કામળી શ્રીકૃષ્ણ,લાકડી શ્રીકૃષ્ણ,-એમ અનેક પ્રકારે,શ્રીકૃષ્ણે અનેક રૂપો ધારણ કર્યા છે.
ભાગવતમાં તો લખ્યું છે કે-જે ગોપ બાળકનો જેવો સ્વભાવ હતો,તેના જેવો સ્વભાવ પણ કર્યો છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE