Sep 14, 2020

ભાગવત રહસ્ય -૩૯૧

શ્રીકૃષ્ણે કરેલી એક એક લીલામાં તેમણે એક એક દેવનો પરાભવ કર્યો છે.
શ્રીકૃષ્ણ એ દેવ નથી પણ દેવોના પણ દેવ છે એમ બતાવવા 
બ્રહ્મા,ઇન્દ્ર,વરુણ –વગેરે દેવોનો પરાભવ કરી તેમનું અભિમાન ઉતાર્યું છે.
૨૮ મા અધ્યાય માં વરુણદેવના પરાભવ ની કથા છે.
૨૯ માં અધ્યાય થી રાસ-પંચાધ્યાયી ની કથા છે.રાસ-લીલાની કથા પહેલાં અને ગોવર્ધનલીલા પછી આ વરુણદેવના પરાજયની કથા મહત્વની છે.

વ્રજવાસીઓ ગાયોની સેવા કરતા,કૃષ્ણકિર્તન કરતા,એકાદશી જેવાં વ્રતો કરતા-એટલે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય ભલે મથુરામાં થયું પણ ત્યાંથી તે ગોકુલમાં આવ્યા છે.વ્રજવાસીઓ બહુ ભોળા હતા,બહુ ભણેલા નહોતા કે કોઈ યોગવિદ્યા જાણતા નહોતા –તેમ છતાં તેમને ભગવાન મળ્યા છે.

એક વખત નંદજીને ખબર નહિ કે મધ્યરાત્રિ છે,તેમને થયું કે પ્રાતઃકાળ થઇ ગયો છે 
એટલે તેઓએ આસુરી સમયે (રાતના અગિયાર થી સાડા ત્રણનો સમય આસુરી સમય કહેવાય છે)
જળમાં ડૂબકી મારી,જેથી જળના દેવતા વરુણનું અપમાન થયું.
એટલે વરુણદેવના સેવકો નંદબાબાને પકડીને વરુણ-દેવ પાસે લઇ ગયા છે.
નંદબાબા સવારે દેખાણા નહિ એટલે વ્રજવાસીઓ વ્યાકુળ થયા છે.
શ્રીકૃષ્ણને આ વાતની ખબર પડી.પ્રભુએ લીલા કરી.અલૌકિક રથનું પ્રાગટ્ય કર્યું અને વરૂણલોકમાં ગયા.વરુણદેવે માફી માગી અને કહ્યું-કે મારા સેવકો ભૂલથી આપના પિતાને લઇ આવ્યા છે.
આમ શ્રીકૃષ્ણ નંદજીને વરુણદેવ પાસેથી છોડાવી લાવ્યા.

વરુણદેવની કથા પાછળનું રહસ્ય એવું છે કે-
વરુણદેવ એ જળ-તત્વના અભિમાની દેવતા છે.વરુણદેવ જીભના માલિક છે.
પ્રત્યેકની જીભ પર વરુણદેવતા જળ તત્વ સાથે વિરાજે છે તેથી જીભ ભીની રહે છે.
તેમના દૂતો એટલે ષડ-રસો. ષડરસો (જીભના વિષયો) પર વિજય મળે તો રાસ-રસ મળે.

નંદ એ જીવાત્મા છે.નંદ એટલે કે જીવ જયારે ભક્તિરૂપી યમુનામાં સ્નાન કરવા જાય છે,
(ભક્તિમાં તરબોળ બને છે) ત્યારે વરુણના સેવકો (ષડરસો) તેને પકડે છે,પજવે છે.
અને જેનું મન તેમાં (ષડરસોમાં) ફસાય તેને ભક્તિરસ મળતો નથી.
લૌકિક રસ ને જે આધીન છે તેને અલૌકિક રસ મળતો નથી.

કેટલાક તો વૃદ્ધ થાય છે,પણ અથાણાં-પાપડ વગર ચાલતું નથી.જિંદગીભર લૂલીનાં લાડ લડાવે જાય છે.
આનંદ કોઈ વસ્તુમાં નથી,આનંદ મનની એકાગ્રતામાં છે.
લૂલીનાં લાડ કરે અને લૂલીનો જે ગુલામ છે તે ભક્તિ કરી શકતો નથી.
લૂલી જે માગે તે આપવાથી શાંતિ મળતી નથી પણ લૂલીને સમજાવવાથી શાંતિ મળે છે.
આજ સુધી કેટલું ખાધું ? તેનો કોઈ હિસાબ નથી.મનુષ્યનો મોટો સમય આ લૂલીનાં લાડ કરવામાં 
જાય છે. પણ મનુષ્યે -કાળ સમીપ છે-મૃત્યુ માથે છે- તેનો વિચાર કરવો જોઈએ.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE