Sep 15, 2020

ભાગવત રહસ્ય -૩૯૨

વ્રજ ની કેટલીક કુમારિકાઓ (કુમારિકા ગોપીઓ) ગૌરીવ્રત કરે છે.પાંચ વર્ષની કન્યાને કુમારિકા કહે છે.ગોપી માટે અહીં કુમારિકા શબ્દ વાપર્યો છે.સારો પતિ મળે તે માટે આ કુમારિકાઓ ગૌરીવ્રત કરે છે.કુમારિકાઓ યમુના કિનારે આવે,રેતીમાંથી પાર્વતી ની મૂર્તિ બનાવે અને પાર્વતીમાની આરાધના કરે.જરા વિચાર કરવામાં આવે તો-સમજાશે કે-પાંચ વર્ષ ની કન્યા ને ખબર શું હોય ?- કે- પતિ એટલે શું ? અને લગ્ન એટલે શું ? પણ આ ઋષિરૂપા કુમારિકા-ગોપીઓ કામનો નાશ કરવા કાત્યાયની (પાર્વતી) દેવીની આરાધના કરે છે.

હવે શ્રીકૃષ્ણની ચીર-હરણ લીલા નું વર્ણન આવે છે.
આ લૌકિક કથા નથી,ભાષા લૌકિક છે પણ એની પાછળ નો સિદ્ધાંત અલૌકિક છે.
અત્રે એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે-
શ્રીકૃષ્ણ જયારે ચીરહરણલીલા અને રાસલીલા કરે છે ત્યારે તેમની ઉંમર આઠ-દશ વર્ષ ની છે.
(હવે પછી આવશે કે-જયારે શ્રીકૃષ્ણ ગોકુલ છોડી મથુરા ગયા ત્યારે તેમની ઉંમર અગિયાર વર્ષની હતી)અને કુમારિકા-ઋષિરૂપા ગોપીઓની ઉંમર પાંચ વર્ષની છે.
લૌકિક રીતે જોઈએ તો પણ આ ઉંમરે “કામ શું છે ?” તેની આ બંનેમાંથી કોઈને પણ ખબર ના હોઈ શકે.

એક વખત વ્રજની આ કુમારિકા ગોપીઓ યમુના કિનારે આવી છે અને કિનારે વસ્ત્રો કાઢીને યમુનાના જળ માં સ્નાન કરે છે.તે સમયે કનૈયો ત્યાં આવ્યો અને તેમનાં વસ્ત્રો લઇ નજીકના કદંબના ઝાડ પર ચઢી ગયો. કુમારિકા-ગોપીઓ અનેક રૂપે કનૈયાને મનાવે છે પણ કનૈયો માનતો નથી.
શ્રીકૃષ્ણ કહે છે કે –તમે જળમાં નિરાવરણ થઇ નહાઈને જળ-દેવતાનો અપરાધ કરો છો.એટલે બે હાથ જોડી નમસ્કાર કરી ને તમારાં વસ્ત્રો લઇ લો.વ્રજ-કુમારિકા-ગોપીઓ એ આમ કર્યું અને શ્રીકૃષ્ણે વસ્ત્રો પાછાં આપ્યાં.

કેટલાક અતિ-બુદ્ધિ (!!!) જીવોને શ્રીકૃષ્ણની આ લીલામાં અશ્લીલતા ભાસે છે.
પણ જો જરા વિચાર કરવામાં આવે તો-સમજાશે-કે-
શ્રીકૃષ્ણે જયારે આ ચીરહરણલીલા કરી ત્યારે તેમની ઉંમર આઠ-દશ વર્ષ ની હતી.અને આઠ-દશ વર્ષના 
બાળકમાં કામ ઉદ્ભવી શકે જ નહિ. શ્રીકૃષ્ણ શું આ નિરાવરણ ગોપીઓની કાયા જોવા આવ્યા છે ?
જે જળમાં ગોપીઓ ઉભી છે તે જળમાં જ શું શ્રીકૃષ્ણ નથી ?

ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે-“જળમાં હું રસરૂપે રહેલો છું”
તેવી રીતે...ગોપીઓ જે જળમાં નહાય છે,તે યમુનાજીના જળમાં પણ શ્રીકૃષ્ણ રસ રૂપે રહેલા છે.
બીજી રીતે – જોઈએ- તો પણ-ભગવાન શ્રીકૃષ્ણ સર્વવ્યાપક હોવાથી,
જળમાં પણ શ્રીકૃષ્ણ છે ને ગોપીઓમાં પણ શ્રીકૃષ્ણ છે.

શરીરને જેમ વસ્ત્ર ઢાંકે છે,સૂર્યને જેમ વાદળ ઢાંકે છે,તેમ વાસનાનો પડદો પરમાત્માને ઢાંકી રાખે છે.
ભગવાન પાસે છે પણ દેખાતા નથી,ભગવાનનો અનુભવ થતો નથી,કારણકે આત્મા અને પરમાત્મા વચ્ચે 
વાસનાનો પડદો છે.સ્થૂળ વાસનાનો ક્ષય જપ,તપ,તીર્થયાત્રા વગેરે થી થાય છે,પણ સૂક્ષ્મ વાસના –કે-જે 
બુદ્ધિમાં રહેલી છે તે વાસનાનો ક્ષય કોઈ સદગુરૂ અથવા તો પરમાત્મા કૃપા કરે તો જ થાય છે.

ગોપીઓના ગુરૂ બીજું કોઈ થઇ શકે નહિ,ગોપીઓના ગુરૂ શ્રી કૃષ્ણ છે.
ગોપીઓના લૌકિક વસ્ત્રોની ચોરી નહિ પણ તેમની બુદ્ધિગત વાસનાની ચોરી શ્રીકૃષ્ણ કરે છે.
ગોપીઓમાંથી “હું સ્ત્રી છું” એવું “હું પણું” (અહમ) જાય એટલે તેમના “આત્મા” નું મિલન “પરમાત્મા”
સાથે થાય. અને આ આત્મા અને પરમાત્માનું રમણ-મિલન તે રાસ...તે રાસલીલા......

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE