Sep 16, 2020

ભાગવત રહસ્ય -૩૯૩

સર્વનો આધાર એકમાત્ર ભગવાન જ હોવાથી,સર્વને ભગવાન તો મળેલા જ છે.
ભગવાનને ક્યાંય શોધવા જવાના નથી,પણ આ જે ભગવાન મળેલા છે તેનો અનુભવ કરવાનો છે.જે પ્રાપ્ય (મળેલું છે-જે ભગવાન મળેલા છે) તેની જ પ્રાપ્તિ કરવાની છે.
પ્રભુ નો સાક્ષાત્કાર થાય એટલે શું ભગવાન બહારથી આવે છે ? ના.....
આ જીવ માં જે ભગવાન છે (આત્મા) તેનો જ અનુભવ થાય છે.પણ જીવને અજ્ઞાનને લીધે,વાસનાને લીધે,અહમને લીધે તે પરમાત્માનો અનુભવ થતો નથી.

બુદ્ધિમાં રહેલી વાસનાના વસ્ત્રનો પડદો પ્રભુ “કૃપા” કરે તો જ દૂર થાય છે.
અને પ્રભુ “કૃપા” ક્યારે કરે ? તો કહે છે કે-“જયારે પ્રભુના બનીએ ત્યારે” 
ભાગવત માં ભગવાન કહે છે કે-(ભાગવત-૧૦-૨૨-૨૬)
“જેણે પોતાની બુદ્ધિ ને મારામય કરી હોય (મારામાં જ સ્થાપી હોય) –તેઓને સંસારિક “વિષયભોગ” 
માટેનો સંકલ્પ (ઈચ્છા) થતો નથી,પણ માત્ર મોક્ષ મેળવવાનો જ સંકલ્પ (ઈચ્છા) થાય છે.
કારણ કે જેવી રીતે શેકેલું ધાન્ય ફરીથી અંકુરિત થઇ શકતું નથી,તેવી રીતે જેમની બુદ્ધિમાંથી 
વાસનારૂપી અંકુર નષ્ટ થયો તેમની બુદ્ધિમાં કામવાસના ફરીથી અંકુરિત થતી નથી. (સ્ફુરતી નથી)”

જીવનું ઈશ્વર સાથે મિલન (રાસ) ક્યારે થાય ?
કનૈયાની અગાઉ ની લીલા નો સંક્ષિપ્ત સાર જોતાં તેનું રહસ્ય સમજાશે.
--પહેલાં પૂતના વધ-એટલે અવિદ્યા (અજ્ઞાન) નો નાશ થવો જોઈએ.
--અવિદ્યા જાય એટલે સંસારનું ગાડું સુધરે છે. (શકટાસૂર વધ)
--સંસારનું ગાડું સુધરે એટલે તૃણાવર્ત મર્યો,એટલે કે રજોગુણનો નાશ થયો.સત્વગુણ વધ્યો.
--રજોગુણ મર્યો,એટલે માખણચોરીની લીલા આવી.શ્રીકૃષ્ણ મનની ચોરી કરે છે,જીવન સાત્વિક બને છે.
--જીવન સાત્વિક બને તો સંસારની આસક્તિ નષ્ટ થાય તે બતાવવા દહીની ગોળી ફોડી.

--સંસારની આસક્તિ જાય તો પ્રભુ બંધાય.(દામોદર લીલા)
--પ્રભુ બંધાયા એટલે દંભ મર્યો,પાપ-તાપ દૂર થયાં એટલે આવી બકાસુર-અઘાસુર વધની લીલા.
--સંસારનો તાપ દૂર થયો,સંસાર-દાવાગ્નિ શાંત થયો એટલે ઇન્દ્રિયોની શુદ્ધિ થઇ,અને
--અંતઃકરણની વાસનાનો નાશ થયો તે બતાવવા નાગદમન લીલા અને પ્રલંબાસુરની લીલા.
--જીવ ઈશ્વરને મળવાને લાયક થતો ગયો એટલે વેણુગીતની વાંસળી (નાદબ્રહ્મ) સંભળાઈ.
--નાદબ્રહ્મની ઉપાસના થઇ એટલે આવી ગોવર્ધનલીલા.ગો એટલે ઇન્દ્રિયો,ઇન્દ્રિયોનું વર્ધન થયું 
    એટલે  ઇન્દ્રિયો પુષ્ટ બની,ભક્તિરસથી ઇન્દ્રિયો પુષ્ટ બને છે. ઇન્દ્રિયો પુષ્ટ થાય તો 
     ષડરસનો પરાભવ થાય. (વરુણદેવનો પરાભવની લીલા)

--ષડરસનો પરાભવ થયો,જીવ શુદ્ધ થયો,કોઈ વાસનાનું આવરણ ના રહ્યું,એટલે થઇ ચીરહરણ લીલા.
   વાસના નિર્મૂળ થાય ત્યારે રાસલીલા થઇ. જીવ અને બ્રહ્મ ની એકતા થઇ.
રાસલીલા માં સ્ત્રી અને પુરુષનું મિલન નથી પણ પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવનું મિલન છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE