Sep 17, 2020

ભાગવત રહસ્ય -૩૯૪

વાસનારૂપી વસ્ત્ર જીવ અને પરમાત્માનું મિલન થતાં અટકાવે છે. ઇન્દ્રિયોમાંથી કામને કાઢવો કદાચ સહેલો હશે,પણ બુદ્ધિમાં રહેલા કામ ને કાઢવો મુશ્કેલ છે.પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય છે.પ્રકૃતિ (માયા) પર વિજય મેળવવો ઘણો મુશ્કેલ છે.યોગીના શરીરમાંથી કામ જાય છે,પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.વૃદ્ધાવસ્થા માં શરીર શિથિલ થતાં ઇન્દ્રિયોમાંથી કામ જાય છે,પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.ઋષિઓ પણ કામ થી હારેલા,તેથી તેઓ ગોપીઓ થઇ આવેલા અને તેઓએ નિશ્ચય કરેલો કે- આ કામભાવ શ્રીકૃષ્ણને અર્પણ કરી અને નિષ્કામ થઈશું.. 

મહાપ્રભુજીએ કહ્યું છે કે-દશમ સ્કંધ એ ગોવર્ધનનાથનું હૃદય છે,અને રાસલીલા પ્રાણ છે.
ગોપીઓને પરમાનંદનું દાન કરવા આ રાસ લીલા છે.
શ્રીધર સ્વામીએ કહ્યું છે કે-રાસલીલા એ નિવૃત્તિ ધર્મનું પરમ ફળ છે,અને તે નિવૃત્તિધર્મ નું ફળ છે--
આત્મા-પરમાત્મા નું મિલન.---રાસલીલા માં જીવ અને ઈશ્વરના મિલનનું વર્ણન છે.પરમાત્માને તે જ મળી શકે છે કે જે પરમાત્માના નામમાં દેહભાન ભૂલી જાય છે.દેહસંબંધ છૂટે-ત્યારે જ બ્રહ્મસંબંધ થાય છે. 

રાસલીલાની કથા અતિ મધુર અને દિવ્ય છે,પણ તેનું વર્ણન કરવું કે તેને સમજવી પણ એટલી જ કઠણ છે.
રાસલીલાની કથા કહેતાં શુકદેવજીને સંકોચ થયો છે.
સમાજમાં કેટલાક જ આ કથાના અધિકારી છે બાકીના અનધિકારી છે.
જે અનધિકારી જીવો છે,જેને સાચી સમજ નથી-- તેને મોટે ભાગે આ લીલામાં કામ દેખાશે.
શ્રી રાધાજી શુકદેવજીના ગુરૂ છે.શ્રીરાધાજીએ શુકદેવજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે.
શ્રીરાધાજીની કૃપા વગર રાસલીલામાં પ્રવેશ મળતો નથી,કેરાસલીલાનું રહસ્ય સમજાતું નથી.
આ રાસલીલા નું રહસ્ય (તત્વ) ગૂઢ છે અને તેને સમજવું સામાન્ય જીવ માટે મુશ્કેલ છે.

શુકદેવજીએ રાધાજીનું સ્મરણ કર્યું “તમે આજ્ઞા આપો તો હું કથા કરું”
રાધાજીએ એ પ્રગટ થઇ કહ્યું “બેટા,કથા કરજે પણ વિવેકથી કરજે”
રાધાજીનું નામ પ્રગટ રીતે ભાગવતમાં નથી.(ભાગવતમાં રાધાજીનું નામ જોવા મળતું નથી)
કારણ રાધાજી એ શુકદેવજી ના ગુરૂ છે અને ગુરૂનું નામ નહિ લેવાની પરંપરા છે.

શુકદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા.
લીલાનિકુંજમાં આખો દિવસ “રાધે રાધે” બોલે છે.અખંડ કિર્તન કરે છે.રાધાજી એ દયાની મૂર્તિ છે,
તેમને દયા આવી અને એક દિવસ પધાર્યા. પોપટને હથેળી માં રાખ્યો છે અને કહે છે કે-
“બેટા કૃષ્ણ-કૃષ્ણ કહો,તું મારું નામ લે છે પણ તારા સાચા પિતા શ્રીકૃષ્ણ છે” આ પ્રમાણે મંત્ર દીક્ષા આપી છે.

શ્રી રાધાજી એ –આદ્યશક્તિ-સંયોજીકા શક્તિ-આહલાદિકા શક્તિ છે.
ઈશ્વરથી વિખુટા પડેલા જીવને ઈશ્વર સાથે સંયોજીત કરી આપનાર “શક્તિ” તે શ્રીરાધાજી છે.
શ્રીકૃષ્ણ એ સર્વના આધાર છે પણ શ્રીકૃષ્ણના આધાર(શક્તિ) શ્રીરાધાજી છે.
આધાર ના “ર” શબ્દ માં “આ” શબ્દ મેળવો અને ઉલટો કરો-તો થશે “રાધા”
શ્રીરાધાજીની કૃપા થાય તો તે જીવને પ્રભુ પાસે લઇ જઈ તેમનાં દર્શન કરાવે છે.

ભાગવતમાં “શુકદેવજી ઉવાચ” ને બદલે “શ્રીશુક ઉવાચ” એમ લખ્યું છે.
“શ્રી” શબ્દ નો અર્થ થાય છે “રાધાજી”.એટલે “શ્રીશુક” એ ગુરૂ-શિષ્યનું નામ છે.
ભાગવત માં બીજા કોઈના નામ સાથે “શ્રી” વિશેષણ લગાવવામાં આવ્યું નથી.(શ્રીકૃષ્ણ સિવાય)
વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ વાપર્યું નથી.”વ્યાસ ઉવાચ” એમ લખ્યું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE