Sep 18, 2020

ભાગવત રહસ્ય -૩૯૫

રાધાજી શ્રીકૃષ્ણને કહે છે કે-આ પોપટ (શુકદેવજી) મને બહુ ગમે છે,અને પોપટ શ્રીકૃષ્ણના હાથમાં આપ્યો છે.આ રીતે રાધાજી શુકદેવજીના ગુરૂ છે,કે જેમણે પરમાત્મા સાથે શુકદેવજીનો સંબંધ ગોઠવી આપ્યો.પરમાત્મા સાથે જે સંબંધ જોડી આપે તે મહાપ્રભુ-તેનું નામ પ્રગટરૂપે લેવાય નહિ.-તેથી ભાગવતમાં રાધાજી નું નામ પ્રગટ-રૂપે શુકદેવજી એ લીધું નથી.રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ પણ ગોપીનું પણ પ્રગટ નામ મળતું નથી.
કાશ્ચિત,અન્યા,અપરા-શબ્દો ગોપી માટે વાપર્યા છે.પણ કોઈ પ્રગટ નામ નથી.

ગોપી-પ્રેમને સમજવાનો છે,તે બહુ પ્રગટ કરવાનો (જાહેર કરવાનો) વિષય નથી.
શુકદેવજી બહુ વિવેકથી કથા કરે છે,રાજા પરીક્ષિત ને સાત દિવસમાં મોક્ષ અપાવવો છે,
જો રાધે-રાધે બોલે તો ગુરૂનું નામ લેતાં શુકદેવજીને સમાધિ લાગે.તો રાજાનું શું થાય?
કથા વિયોગમાં થાય છે,પૂર્ણ સંયોગમાં વાતો થતી નથી કે કથા થતી નથી.

આ રાસલીલા એ અંતરંગ લીલા છે.સ્ત્રી-પુરુષના મિલનની કથા નથી.
ભાગવત એ પરમહંસોની સંહિતા છે.પરમહંસો કામસુખને તુચ્છ માને છે.આમાં કામની ગંધ નથી.
જરા વિચાર કરવામાં આવે તો સમજાશે કે-
ગંગાજીનો પવિત્ર કિનારો છે,ઋષિઓ,મહાત્માઓ,સિદ્ધ પુરુષો –આ કથા સાંભળવા બેઠા છે.
શુકદેવજીની બ્રહ્મદૃષ્ટિ છે,શુકદેવજી કેવળ મહાજ્ઞાની જ નથી પણ જગતને બ્રહ્મભાવથી જુએ છે.
જેના મન માં આ સ્ત્રી-છે-આ પુરુષ છે-તેવો ભેદભાવ નથી-એવા મહાપુરુષ (પરમહંસ) આ કથા કરે છે.

રાસલીલામાં જો કામની કથા હોય તો શુકદેવજી આ રાસલીલાનું વર્ણન કરી શકે જ નહિ.
શુકદેવજી –એક બાળકના જેવા-પૂર્ણ નિર્વિકાર છે,પૂર્ણ નિર્વિકારી (બાળક) કામની કથા કરી શકે નહિ.
શુકદેવજી એ શંકરાચાર્યના ગુરૂ,તેના ગુરૂ,અને તેમના પણ ગુરૂ છે.
શંકરાચાર્યના ગુરૂ-ગોવિંદ ભગવતપાદ,તેમના ગુરુના ગુરૂ ગૌડપાદ અને ગૌડપાદ ના ગુરૂ છે-શુકદેવજી. 
આમ શુકદેવજી એ અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય છે.
આવા મહાયોગી શુકદેવજી કોઈ સ્ત્રી-પુરુષના મિલનની કથા કરે નહિ.

પણ કેટલાક એવા હોય છે કે-જે “ગોપી” શબ્દ સાંભળે એટલે તેને “સ્ત્રી-શરીર” દેખાય છે.
“ગોપી” એટલે કોઈ “સ્ત્રી” છે તેવી કલ્પના બિલકુલ ખોટી છે
ગોપી એ સ્ત્રી નથી,પુરુષ નથી,પણ જેના હૃદય માં શ્રીકૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે-
પરમાત્માના સ્વરૂપ માં જેને સ્ત્રીત્વ-પુરુષત્વની વિસ્મૃતિ થઇ છે,
જેનો દેહાધ્યાસ (હું શરીર છું તેવો ભાવ) છૂટી ગયો છે,તેને “ગોપી” કહે છે.

ગોપી એ શુદ્ધ જીવ છે,ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે.ગોપી નામની કોઈ સ્ત્રી નથી.
જે પરમાત્મા ને હૃદયની અંદર છુપાવી રાખે છે,જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે,
અને ભક્તિરસ નું પાન કરતાં જે વિશુદ્ધ જીવ દેહભાન ભૂલ્યો છે-તે “ગોપી” છે.
તેને “ગોપીભાવ” પ્રાપ્ત થયો છે એમ કહી શકાય.

“ગોપીભાવ” એ સર્વોચ્ચ ભાવ છે. જેનું “મન” મરે છે તેને જ “ગોપીભાવ” જાગે છે.
સ્થૂળ શરીર બદલાય છે-નાશ પામે છે.,પણ સૂક્ષ્મ શરીર બદલાતું નથી-નાશ પામતું નથી.
સૂક્ષ્મ શરીરનો નાશ મુક્તિ વખતે થાય છે.સત્તર તત્વના સૂક્ષ્મ શરીર માં “મન” મુખ્ય છે.
અને આ મન મર્યા પછી જ “ગોપીભાવ” જાગે છે.
“ગોપી” તેને કહે છે જેના “મન” માં શ્રીકૃષ્ણ (ઈશ્વર) સિવાય બીજું કંઇ જ નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE