Sep 21, 2020

ભાગવત રહસ્ય -૩૯૭

ચીરહરણલીલા વખતે શ્રીકૃષ્ણે ગોપીઓને કહ્યું હતું કે-યોગ્ય સમયે હું તમને રાસલીલામાં મળીશ.
જેને ભગવાન અપનાવે છે,જેનો ભગવાન અંગીકાર કરે છે તેને જ રાસમાં પ્રવેશ મળે છે.
ગોકુલની બધી જ ગોપીઓ રાસમાં ગઈ નથી.જેનો અધિકાર સિદ્ધ થયો હતો,જેનો છેલ્લો જન્મ હતો,માત્ર તે ગોપીઓને જ રાસલીલામાં પ્રવેશ મળ્યો છે.રાસલીલામાં ધ્યાન માં રાખવું બહુ જ જરૂરી છે કે-ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી.ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે-શ્રીકૃષ્ણે ગોપીઓના શરીરને સ્પર્શ પણ કર્યો નથી.

સાહિત્યની દૃષ્ટિએ જોઈએ તો-શૃંગારરસ અને કરુણરસ એ એકતાનતા લાવવાના પ્રધાન રસ છે.
પતિના વિયોગમાં જેવી રીતે પત્નીના પ્રાણ ઝૂરે છે,તેવી રીતે,
ઈશ્વરના વિયોગમાં જીવના પ્રાણ કેવાં ઝૂરે છે તે જ બતાવવાનો રાસલીલાનો હેતુ છે.
ઈશ્વરના વિરહમાં,ઈશ્વરને મળવાની આતુરતા કેવી હોય ?
તે બતાવવા સ્ત્રી-પુરુષના દૃષ્ટાંતનો આશરો લીધો છે,શૃંગારરસનો આશરો લીધો છે.

અલૌકિક સિદ્ધાંત સમજાવવા અલૌકિક દૃષ્ટાંત મળતું નથી,એટલે
લૌકિક દૃષ્ટાંતથી અલૌકિક સિદ્ધાંત સમજાવવા નો મહાત્માઓનો આ પ્રયત્ન છે.
પણ તેમ છતાં મનુષ્યોને ગોપી-એટલે સ્ત્રી શરીર અને સ્ત્રીપુરુષના મિલનની કલ્પના આવી જાય છે.

શરીરની-અને-શરીર સુંદર છે એવી કલ્પના કરવાથી-તથા-શરીરનો સ્પર્શ કરવાથી કામભાવ જાગે છે.
પણ આવા પંચભૌતિક (પાંચ મહાભૂતોથી બનેલા) શરીર સાથે પરમાત્માનું મિલન થઇ શકે જ નહિ.
શાસ્ત્રમાં એવું વર્ણન  આવે છે કે-આ પંચભૌતિક શરીરમાં થી એટલી દુર્ગંધ આવે છે કે-દેવો પણ
આ શરીરથી માઈલો દૂર ઉભા રહે છે.

અમુક ગોપીઓએ હજારો વર્ષની આરાધના કરીને ગોપીભાવને પ્રાપ્ત કર્યો છે.
એટલે કે તેમણે પંચભૌતિક શરીર છોડી દીધેલું છે.તેમનું શરીર રસમય છે,(તે શરીર આપણા જેવું નથી)
આનંદરૂપ છે.અને માત્ર આવી ગોપીઓને જ રાસલીલામાં પ્રવેશ મળ્યો છે.
ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે-ગોપીઓએ પંચભૌતિક શરીર છોડ્યા પછી જ આ લીલા થઇ છે.
કોઈ ને શંકા થાય કે-તો પછી ગોપીઓનું પંચભૌતિક શરીર છે ક્યાં ?

શ્રીકૃષ્ણ (ઈશ્વર)નો વિયોગ (વિરહ) એ અગ્નિ છે.
જે રીતે ઘરમાં સંતતિ-સંપત્તિ હોવાં છતાં પતિનો વિયોગ પતિવ્રતા સ્ત્રીને બાળે છે,
તેમ પરમાત્માનો વિયોગ આ જીવને બાળે છે.
ગોપીઓ નું પંચભૌતિક શરીર - કૃષ્ણ-વિરહના અગ્નિમાં (વિરહાગ્નિ માં) બળી ગયું છે અને
શ્રીકૃષ્ણના જેવું અપ્રાકૃત રસાત્મક-ભાવાત્મક પ્રાપ્ત કર્યું છે.શ્રીકૃષ્ણ માટે તેમના પ્રાણ તલસે છે.

શ્રીકૃષ્ણના દર્શનથી તેમણે હવે તૃપ્તિ થતી નથી,તેમને હવે પરમાત્મામાં મળી જવું છે,એક થવું છે.
દર્શનમાં દ્વૈત છે.(હું અને કૃષ્ણ) અને જ્યાં થોડું પણ દ્વૈત છે-ત્યાં પૂર્ણ આનંદ (પરમાનંદ) નથી.

ગોપીઓના પ્રેમની પરાકાષ્ઠા છે,કે પરમાત્મા સાથે એક થઇ જવું છે.(હું મટી ને તું થઇ જવું છે)
શુદ્ધ પ્રેમ-ભક્તિમય અદ્વૈત (હું ને કૃષ્ણ એક જ છીએ) નું વર્ણન એટલે રાસલીલા.

જે જીવ કૃષ્ણને મળે છે તેને શ્રીકૃષ્ણ, કૃષ્ણમય બનાવે છે,રાસલીલામાં ગોપી કૃષ્ણમય થવાની છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE