Sep 25, 2020

ભાગવત રહસ્ય -૪૦૧

સંસારનાં સર્વ સંસારિક સુખોનો મનથી ત્યાગ કરી ઈશ્વરને માટે વ્યાકુળતાથી (ગોપીઓની જેમ જ) ઈશ્વરને મળવા નીકળી પડે છે તે ધન્ય છે.ઈશ્વર તેમનું સ્વાગત કરે છે.તેથી તો ભગવાન એકએક ગોપીઓનું સ્વાગત કરતાં કહે છે કે-“સ્વાગતમ મહાભાગા” “હે મહાભાગ્યશાળી સ્ત્રીઓ આવો!!” ભગવાને ગોપીઓ ને (મહાભાગ્યશાળી) આ બહુ મોટું સંબોધન કર્યું છે.

મોટા બંગલામાં રહે,મોટર કે વિમાનમાં ફરે તે બહુ ભાગ્યશાળી નથી.જેને માથે કાળ છે તે ભાગ્યશાળી શાનો? તે તો અભાગિયો છે.
જેને કાળની બીક લાગતી નથી,અને પરમાત્માના પ્રેમમાં પાગલ બની,પરમાત્માને મળવા દોડે છે તે ભાગ્યશાળી છે.
ભલે દોડતા ના જવાય,તો ધીરે ધીરે ચાલી,સંયમથી ધીરેધીરે ભક્તિ અને પ્રભુપ્રેમને વધારવો જોઈએ.

શ્રીકૃષ્ણ ગોપીઓને પૂછે છે કે-તમે દોડતાં કેમ આવ્યા છો ? ગોકુલ માં સર્વ કુશળ તો છે ને ?કોઈ
આપત્તિ તો આવી નથી ને ? બતાવો હું શું મદદ કરી શકું ? બાકી આ રાતનો સમય છે અને રાતના સમયે
આવા ઘોર જંગલ માં સ્ત્રીઓએ ના રહેવું જોઈએ.કદાચ તમે જો વૃંદાવનની રળિયામણી રાત જોવા આવ્યા હોવ,
તો તે જોઈને હવે જલ્દી તમે તમારા ઘેર જાવ.ઘેર જાવ.તમારા પતિ-પુત્રો તમારી રાહ જોતાં હશે.

મનુષ્ય આ સંસારની પરોજણમાંથી કદીક સમય કાઢી,અંતર્મુખ દૃષ્ટિ કરી ભગવાનનું ધ્યાન કરે છે,
ત્યારે અંદર વિરાજેલા ભગવાન (આત્મા-પરમાત્મા) કહે છે કે-તું મારી પાસે શું કામ આવે છે?
તું સંસાર માં જ રત રહે , તે જ તને “સુખ” આપશે, મારી પાસે “સુખ” નથી,હું કોઈ ને “સુખ” આપતો નથી,
હું તો “આનંદ” આપું છું.

અહીં શ્રીકૃષ્ણ “તમારે ઘેર પાછા જાવ” તેનો,---
એક અર્થ આવો છે,કે-જીવ ઈશ્વરની પાસે જાય ત્યારે તેની પરીક્ષા કરવા ઈશ્વર તેને સંસાર તરફ ધકેલે .
પરમાત્મા જોવા માગે છે કે-ગોપીઓ ને તેમના પર પરિપૂર્ણ રીતે પ્રેમ છે કે નહિ ?
બીજો અર્થ એવો નીકળે છે કે-જે જીવ પરમાત્મા ને મળવા જાય તે પરમાત્મા માં મળી ગયા પછી 
તેને માટે સંસાર રહેતો જ નથી.પછી તે ઘેર (સંસારમાં) જઈ શકતો જ નથી.
ત્રીજો અર્થ એવો છે કે-ભગવાન ગોપીઓને આદર્શ સ્ત્રી ધર્મ બતાવે છે.પતિની અને કુટુંબની સેવા કરવી 
એ સ્ત્રીનો ધર્મ છે.ઘરની એક એક વ્યક્તિમાં પરમાત્મા ની ભાવના કરી ને જો સતત ઈશ્વરનું સ્મરણ કરે તો તેને
મંદિરમાં જવાની જરૂર નથી.યોગીઓને જે મુક્તિ મળે છે,તે સ્ત્રીઓને અનાયાસ મળે છે.

દરેક વ્યક્તિમાં અને પતિમાં પણ પરમાત્મા ચૈતન્ય રૂપે રહેલા છે.પતિવ્રતા ધર્મ બહુ મોટો છે.
પ્રભુ ગોપીઓને પતિવ્રતાધર્મ સમજાવે છે અને કહે છે કે-સ્ત્રીઓમાં એવી શક્તિ છે કે-તે તે ભગવાનને બાળક બનાવે છે,મહાસતી અનસૂયા તેનું ઉદાહરણ છે.સ્ત્રીએ ઘરમાં રહી,ગૃહિણી ધર્મ બજાવી,ઘરનાં સર્વમાં
ઈશ્વરની ભાવના કરી તેમના માટે તન અને મન ઘસી જો મનથી,પરમાત્મા નું સ્મરણ કરે –તો-
સ્ત્રીઓને મુક્તિ સુલભ છે.તેમને અનાયાસે મુક્તિ મળે છે.

શ્રીકૃષ્ણ કહે છે કે-મારા સંયોગ કરતાં મારા વિયોગમાં અનેકગણું સુખ મળે છે.વિયોગમાં મારું ધ્યાન થશે,
વિયોગમાં પ્રેમ પુષ્ટ થશે. કારણકે વિયોગમાં ગુણ દેખાય છે,સંયોગમાં દોષ દેખાય છે.
તમારો પ્રેમ શુદ્ધ હશે તો મારું ધ્યાન કરતાં તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો.
માટે તમારા પતિને અને ઘરને છોડીને આવ્યાં છે તે યોગ્ય નથી.

સાધક જયારે પરમાત્માનું ધ્યાન કરવાનો આરંભ કરે છે-ત્યારે શરૂઆતમાં તેનું મન ચંચળ હોવાથી તેને
સર્વ અંધારમય લાગે છે,તેને ઈશ્વરનું દર્શન તરત થતું નથી,પણ જો તે નિરાશ ના થાય અને પ્રયત્ન 
ચાલુ રાખે તો,તે અંધારું દૂર થઇ પ્રકાશ મળે  છે.ઈશ્વરની કૃપા થાય છે.ઇશ્વરનાં દર્શન થાય છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE