Sep 26, 2020

ભાગવત રહસ્ય -૪૦૨

ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને ઘેર જવાની આજ્ઞા કરે છે.તેથી ગોપીઓને ઘણું દુઃખ થયું છે.ગોપીઓ વિચારે છે કે-આજે ભગવાન અમારો તિરસ્કાર કેમ કરે છે? 
શ્રીકૃષ્ણ આજે નિષ્ઠુર થયા છે અને ગોપીઓને “દેહધર્મ” નો ઉપદેશ કર્યો છે.
પણ હવે ગોપીઓ “આત્મધર્મ” થી ભગવાનને જવાબ આપે છે કે-પતિ એ તો દેહનો પતિ છે,
આ શરીરનો કોઈ પતિ હશે-પિતા હશે પણ આત્માનો કોઈ પતિ કે પિતા નથી.

“આત્મા” નો “ધર્મ” છે પરમાત્માને મળવાનો.સ્ત્રીનો દેહધર્મ છે કે પતિની અને કુટુંબીજનોની સેવા કરે પણ 
જે “સ્ત્રી નથી”,જે શુદ્ધ ચેતન આત્મા છે તે કોની સેવા કરે ?
શરીરના અને આત્માના ધર્મ જુદા છે.આપે દેહધર્મ બતાવ્યો પણ આત્મધર્મનું શું ?
જ્યાં સ્ત્રીત્વ નથી,પુરુષત્વ નથી તેવો શુદ્ધ ચેતન આત્મા,એ  પરમાત્માને છોડીને ક્યાં જાય ?

દેહધર્મ અને આત્મધર્મનો જ્યાં વિરોધ થાય ત્યાં-મહાત્માઓ દેહધર્મને છોડી દે છે.
શાસ્ત્રમાં આજ્ઞા છે –કે “માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ”
પણ માતા-પિતા તો-આ શરીરનાં માતા-પિતા છે,આત્માનાં માતા-પિતા પરમાત્મા છે.
પરમાત્માના માર્ગે જતાં જો માતા-પિતા અટકાવે તો માતા-પિતાનો પણ ત્યાગ કરવો.
પ્રહલાદે “પ્રભુનું નામ નહિ લેવાની” પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે,
પણ પ્રહલાદને પિતૃઅવજ્ઞા નું પાપ લાગ્યું નથી.
રામ મિલનમાં કૈકેયી વિઘ્ન કરે છે –તેથી ભરતજીએ પોતાની સગી મા નો ત્યાગ કર્યો છે.

જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી દેહધર્મ પાળવાનો.પણ
પરમાત્માની સેવામાં દેહની વિસ્મૃતિ થયા પછી દેહધર્મ પાળવાની જરૂર નથી.
શરીરથી આત્મા જેને જુદો દેખાય છે તેને દેહધર્મ પાળવાની જરૂર નથી.
જીવનો ધર્મ છે કે પરમાત્માનો આશ્રય કરે અને પરમાત્માનો ધર્મ છે કે આશ્રયે આવેલાનું રક્ષણ કરે.

આજે ગોપીઓ પ્રભુને આત્મધર્મ નો ઉપદેશ આપે છે અને કહે છે કે-
આપે અમને સ્ત્રીધર્મ સમજાવ્યો,પણ અમે આત્મધર્મમાં માનીએ છીએ.અમે આશાથી આવ્યાં છીએ,
તો હવે તમને અમે ઘેર જવા માટે ના કહો,તમે નિષ્ઠુર ના બનો.
આપે ગીતામાં કહ્યું છે કે-“જે ભાવે જીવ મને ભજે છે તે ભાવે તેને હું ભજું છું”
આપ પતિત-પાવન છો,દયાના સાગર છો,એવા વિશ્વાસથી આપના ચરણનો આશ્રય કર્યો છે.
તો પછી આમ નિષ્ઠુર થઇને બોલો તે તમને શોભે નહિ.
અમોએ સંસારના સર્વ વિષયોનો “મનથી” પણ “ત્યાગ” કરીને આપના ચરણમાં દૃઢ આશ્રય કર્યો છે.
તમારા માટે અમે સર્વનો ત્યાગ કર્યો છે.અમારામાં સ્ત્રીત્વ પણ નથી,સ્ત્રીત્વનો પણ અમે ત્યાગ કર્યો છે.

ઈશ્વર સિવાય બધું દુઃખરૂપ છે એમ “મનથી સમજી” ને મનથી સર્વનો ત્યાગ કરે તે “સાચો ત્યાગ” છે.
મનુષ્ય બહારથી ત્યાગ કરે છે પણ મનથી તે ત્યાગ કરતો નથી.
શરીરથી ત્યાગ કરે તે તો માત્ર દંભ છે.મનથી ત્યાગ કરે તે સાચો ત્યાગ.
કહ્યું છે કે-સચ્ચા ત્યાગ કબીરકા મનસે દિયા ઉતાર
તન ગમે ત્યાં હોય પણ મન ઈશ્વરથી દૂર ના જવું જોઈએ.
ગોપીઓનો ત્યાગ શ્રેષ્ઠ છે,તેમના મનમાં શ્રીકૃષ્ણ સિવાય બીજું કશું પણ રહ્યું નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE