Sep 28, 2020

ભાગવત રહસ્ય -૪૦૩

ગીતામાં કહ્યું છે કે-કર્મેન્દ્રિયોને (કર્મેન્દ્રિયોથી વિષયોને) કાબૂમાં રાખે,
પણ જો મનથી તે વિષયોનું ચિંતન કરે તો તે મિથ્યાચાર (દંભ) કહેવાય છે.
મનુષ્ય ત્યાં છે જ્યાં તેનું મન છે,ભલે તેનું શરીર ગમે ત્યાં હોય.
વાયુપુરાણમાં એક કથા આવે છે.શ્રુત અને અનુશ્રુત નામે બે બ્રાહ્મણ (મિત્રો) હતા.
પ્રયાગરાજમાં વેણીમાધવના મંદિર જવા,જાત્રા કરવા નીકળ્યા છે.
જન્માષ્ટમીનો દિવસ છે,સંકલ્પ થયો છે-કે-આજે રાત્રે વેણીમાધવનાં દર્શન કરવાં છે.

રસ્તે ચાલતાં ચાલતાં રાત પડવા આવી છે,થાકી ગયા છે,પ્રયાગરાજ હજુ થોડું દૂર છે.
ત્યાં જોરનો વરસાદ પડવાનો ચાલુ થયો,તેમાં રસ્તો ભૂલી ગયા.તેવામાં રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું.
તે ઘરમાં બંને એ વરસાદના તોફાન થી બચવા,આશરો લીધો,વરસાદ બંધ થતો નથી અને ઘોર અંધારું છે.
થોડીવાર પછી અનુશ્રુતે કહ્યું-ચાલો આપણે સમયસર પ્રયાગરાજ પહોંચવા નીકળી જઈએ.
ત્યારે શ્રુતે કહ્યું કે-વરસાદ બહુ પડે છે અને અંધારું છે,રસ્તો દેખાતો નથી,વળી મારાથી વધુ ચાલી શકાય 
તેમ નથી. તારે આગળ જવું હોય તો જા.હું તો અહીં બેસી ઠાકોરજીનું સ્મરણ કરીશ.અનુશ્રુતે એમ માન્યું કે –
આની દાનત બગડી છે,તે ભલે અહીં રહે,હું તો આગળ જઈશ.તે આગળ ચાલ્યો 
અને પ્રયાગ પહોંચી પ્રયાગરાજના મદિરમાં મુકામ કર્યો છે.

શ્રુત કે જેણે વેશ્યાના ઘરમાં મુકામ કરેલો તે પસ્તાવો કરવા લાગ્યો.“ધિક્કાર છે મને,જન્માષ્ટમીના પવિત્ર દિવસે હું વેશ્યાના ઘરમાં બેઠો છું,વેશ્યાનું ઘર તો નરકનું દ્વાર છે.હું કેટલો અભાગી છું? મારો મિત્ર કેટલો ભાગ્યશાળી છે ?તે અત્યારે પ્રભુના દર્શન કરતો હશે ,પ્રભુનું મુખારવિંદ નિહાળતો હશે,મંદિરમાં બહુ ભીડ થઇ હશે,મોટો ઉત્સવ થતો હશે.ભક્તો દર્શન કરવા આવ્યા હશે અને રાધા-કૃષ્ણની ઝાંખી કરતા હશે.”શ્રુતની આંખો બંધ છે,અને તન્મય થયો છે,રાધાકૃષ્ણ ની ઝાંખી કરવામાં.
આજુબાજુ કશું  જોયું પણ નથી.તે બેઠો છે વેશ્યાના ઘરમાં પણ તેનું મન છે માધવરાયમાં.તેનું મન વેણીમાધવનું  ધ્યાન કરે છે.

બીજી બાજુ અનુશ્રુત વેણીમાધવના મંદિરમાં પહોંચ્યો છે,પણ તેનું ધ્યાન માધવરાયમાં લાગતું નથી.
તેનું ચિત્ત ઈશ્વરમાં ચોંટતું નથી.તે તનથી મંદિરમાં હતો પણ તેનું મન મંદિરમાં નથી.
તે વિચારતો હતો કે –“વેશ્યા હતી તો અતિ સુંદર.હું પણ ત્યાં રહ્યો હોત તો કંઈ ખોટું નહોતું.
મારો મિત્ર ભાગ્યશાળી છે,હું નકામો કષ્ટ વેઠીને અહીં આવ્યો.”
આ પ્રમાણે તેનો દેહ છે માધવરાયના મંદિરમાં પણ મનથી તે વેશ્યાનું ચિંતન કરે છે.

કહેવાની જરૂર નથી કે-શ્રુત,વેશ્યાના ઘરમાં ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં વિષ્ણુલોકને પામ્યો અને
બીજો માધવરાય ના મંદિરમાં વેશ્યાનું ચિંતન કરતાં કરતાં અધોગતિને પામ્યો.
સાચો ભક્ત તે છે કે-જે મનથી વૃંદાવનમાં રહે છે,તન ગમે ત્યાં હોય તે મહત્વ નું નથી.
દેહશુદ્ધિની નહિ પણ મનશુદ્ધિની ખૂબ જરૂર છે.

ગોપીઓ પ્રભુને કહે છે કે-પતિ પાસે તો તે સ્ત્રી જાય કે જેના મનમાં કોઈ વિકાર-વાસના હોય,
પણ જેનામાં વિકાર-વાસના નથી તે જ પ્રભુ પાસે આવે છે.અમારા મનમાં કોઈ વિકાર વાસના નથી.
પ્રભુ પૂછે છે-કે-તમારામાં કોઈ વિકાર નથી તેનું પ્રમાણ શું ? પ્રમાણ આપો.
ત્યારે ગોપીઓ કહે છે-કે-નાથ,આપ જ પ્રમાણ છો,આપ તો અમારી અંદર બેઠા છો.(આત્મા રૂપે)
અમારામાં કોઈ વિકાર હોય તો તે આપથી અજાણ ના હોય,આપ તો સર્વજ્ઞ છો,સર્વેશ્વર છો,ઘટઘટવાસી છો,
કૃપા કરો,હવે તો એક જ ઈચ્છા છે કે આપને મળવું છે,આપનામાં સમાઈ જવું છે.
ઈશ્વર પહેલાં પરિપૂર્ણ વૈરાગ્ય,પરિપૂર્ણ ભક્તિ (પ્રેમ) અને પરિપૂર્ણ જ્ઞાન માગે છે.અને પછી અપનાવે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE