Sep 29, 2020

ભાગવત રહસ્ય -૪૦૪

ગોપીઓ કહે છે કે-આપે અમને પતિવ્રતાનો ધર્મ સમજાવ્યો અને સર્વમાં અને પતિમાં “ઈશ્વર ની ભાવના” રાખીને સેવા કરવાની જે આજ્ઞા કરી તે અમારે માથે છે.તેમ છતાં.ઈશ્વરની ભાવના ઈશ્વરના વિયોગમાં (ઈશ્વર જ્યાં સુધી મળ્યા ના હોય ત્યાં સુધી) કરવાની હોય,પણ જયારે ઈશ્વરનો સંયોગ (પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન થાય) થાય તો -હવે તમને છોડીને અન્યમાં શા માટે “ભાવના” કરવી પડે ? જ્યાં સુધી તમારાં દર્શન થતાં નહોતાં ત્યાં સુધી અમારા પતિમાં અમે તમારી ભાવના કરતાં હતાં,પણ આજે તો તમારાં પ્રત્યક્ષ દર્શન થયાં છે.તો શું હવે ભાવના આવશ્યક છે ?

જીવ માત્રના સાચા પતિ તે ઈશ્વર,આપ છો,તેથી સમજી ને અમે આપનાં ચરણ નો આશ્રય કર્યો છે.
કોઈ ભગવાન મૂર્તિ કે ભગવાનના ફોટામાં ભગવાન નથી,પણ
જ્યાં સુધી ભગવાનના પ્રત્યક્ષ દર્શન ના થયા હોય ત્યાં સુધી તે -
મૂર્તિ કે ચિત્રમાં પરમાત્માની ભાવના કરવી પડે છે,પણ જ્યાં એક વાર પ્રભુના દર્શન થાય પછી
તે મંદિરની મૂર્તિઓમાં પરમાત્માની ભાવના કરવાની આવશ્યકતા નથી. ભગવાન તો સર્વત્ર છે.

ગોપીઓ હવે શ્રીકૃષ્ણને પૂછે છે કે-
આપે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ બતાવ્યો,પણ તે ધર્મના પાલનનું શું ફળ છે તે અમને કહો.
ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે-
નિષ્કામ બુદ્ધિથી “સ્વધર્મ”નું પાલન કરવાથી પાપોનો નાશ થાય છે,ને “ચિત્તશુદ્ધિ” (મન શુદ્ધિ) થાય છે,
જેનું મન શુદ્ધ થાય તેને પરમાત્મા મળે છે.”સ્વધર્મ” નું ફળ છે “પ્રભુમિલન”

ગોપીઓ કહે છે કે-જો ધર્મનું ફળ ધર્મિ (એટલે કે પરમાત્મા) ની પ્રાપ્તિ છે તો તમે તો અમને મળેલા છે,
હવે અમે બીજા ધર્મને શા માટે પાળીએ?અમે એ ધર્મના ચક્કરમાં ફરીથી શા માટે ફસાઈએ?
ધર્મ એ “મૂળ” છે અને તેનું “ફળ” જો પરમાત્મા હોય તો,પછી “ફળ” ને (પરમાત્માને -તમને) છોડીને
મૂળને (ધર્મને) કોણ પકડવા જાય ?

ધર્મ એ તો “સાધન” છે, “સાધ્ય” (પરમાત્મા) ને પ્રાપ્ત કરવાનું,પણ જો “સાધ્ય” (પરમાત્મા) હાથમાં આવી
જાય તો “સાધન” (ધર્મ) ને કોણ પકડવા જાય ?
“નાથ, કથા કરતાં માત્ર તમને જ આવડે છે તેવું નથી,અમને પણ કથા કરતાં આવડે છે.અગાઉના જન્મમાં
અમે બધું અનુભવી ચૂક્યાં છીએ.કથા કરી કરીને થાક્યા,બહુ પ્રવચનો કર્યા પણ તમારો અનુભવ ના થયો,
એટલે અમે ઋષિઓ ગોપીઓ થઇને ગોકુલ માં આવ્યા છીએ.હવે અમારું “મન” અતિશુદ્ધ થયું એટલે જ આપ
અમને મળ્યા છો.આપ જ અમારા સાચા પતિ છો,આપનાં દર્શન કર્યા પછી હવે બીજા કોઈને પણ જોવાની એ
ઈચ્છા થતી નથી,આપ અમારો ત્યાગ કરશો તો અમારી શું દશા થશે ? આપ અમારો ત્યાગ ના કરો.”  

ભગવાન શ્રીકૃષ્ણ હજુ પણ ગોપીઓની કસોટી કરવાનું ચાલુ રાખે છે.અને કહે છે કે-
“જો હું તમારો સાચો પતિ હોઉં તો મારું કહ્યું તમારે માનવું પડશે.માલિકની આજ્ઞા કરવી તે સેવકનો
સાચો ધર્મ છે.સેવકને વધારે બોલવાનો અધિકાર નથી,સેવક વધારે બોલે તો અપરાધ ગણાય.
મારી આજ્ઞાનું પાલન કરો.હું તમને કહું છું કે-તમે ઘેર જઈ તમારા કુટુંબીજનો અને પતિની સેવા કરો.
હું જો તમારો સાચો પતિ હોઉં તો,તમને ઘેર જવા કહું છું.એટલે તમે પાછાં જાવ.
લૌકિક પતિ સ્વાર્થી હોવાં છતાં પણ મારી આજ્ઞા છે કે-તમારા લૌકિક પતિની જ તમે સેવા કરો”

ગોપીઓ આજે હાર સ્વીકારવા આવી નથી,મકકમ છે,અને જે જવાબ આપે છે,તે રસમય છે.
ભગવાનની કોઈ ઠેકાણે હાર થઇ નથી,પણ ગોપીઓના પ્રેમ આગળ તેમને હાર સ્વીકારવી પડી છે.
તો પછી ગોપીઓ હવે ભગવાન ને હરાવવા શું કહે છે ?

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE