Oct 14, 2020

ભાગવત રહસ્ય -૪૧૭

ગોપીગીતના બીજા શ્લોકમાં શ્રીકૃષ્ણની આંખનું વર્ણન છે.
--તમારી આંખ અમને પ્રેમનું દાન કરે છે.
--તમારી આંખથી તમે વરદાન આપ્યું છે.
--તમારી આંખ અમને વગર મૂલ્યની દાસી (અશુલ્ક-દાસિકા) બનાવે છે.
પરમાત્માની આંખમાં પ્રેમ ભર્યો છે.પોતાની આંખમાં પરમાત્માને રાખે તે સાચો ભક્ત.
પૈસા સાથે પ્રેમ કરે તેને  “લોભી” કહેવામાં આવે છે.
સ્ત્રી સાથે બહુ પ્રેમ કરતો હોય તેને “કામી” કહે છે.
પુત્ર સાથે બહુ પ્રેમ સ્નેહ રાખતો હોય તેને “આસક્ત” કહે છે.
માનવ પ્રેમ તો કરે છે પણ એ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.એટલે જ પરમાત્મા તેની ઉપેક્ષા કરે છે.

ગોપીઓ કહે છે કે-નાથ,અમને પ્રેમનું દાન કરો,કૃપા કરો અને અમને દર્શન આપો.
અમે તમારા શરણે આવ્યા છીએ,તમે અમને દર્શન નહિ આપો તો તમને,અમને મારવાનું પાપ લાગશે.
આશ્રિતનો ત્યાગ એ વધ કરવા જેવું છે.ચંદ્રમા શરણે આવ્યો ત્યારે શિવજીએ તેને મસ્તક પર ધારણ કર્યો,
તેના દોષનો વિચાર ના કર્યો.

અમારી ભૂલ થઇ છે,અમારામાં અભિમાન આવ્યું તેથી આપ અદૃશ્ય થયા છો,પણ તમે અમને બોલાવ્યાં હતાં તે કેમ ભૂલી જાઓ છો? શ્રીકૃષ્ણ કહે છે કે-મેં તમને ક્યાં બોલાવ્યાં હતાં?
ગોપીઓ કહે છે કે-આપની અતિસુંદર આંખમાં જે પ્રેમ ભર્યો છે,તેથી અમે જયારે તમારી સેવા કરીએ છીએ ત્યારે અમને ભાસ થાય છે કે તમે અમને બોલાવો છો,આપની અમીભરી આંખથી (દૃષ્ટિથી) તમે અમને વરદાન આપ્યું હતું કે “હું તમને મળીશ” તમારી આંખોએ અમને વગર મૂલ્યની દાસીઓ (અશુલ્કદાસિકા) બનાવી છે.

ગોપીઓ પોતાની જાતને અશુલ્ક-દાસિકા કહી ને અત્યંત તિરસ્કાર કરે છે તેમાં ગોપીઓનું દૈન્ય જણાય છે.
“નાથ,હું સમજી ગઈ છું,તમે દયાળુ નથી,તમે નિષ્ઠુર છો,યશોદાજી તો ભોળાં છે,પણ તમે ક્યાં ભોળા છો?
યશોદાજીનો એક ગુણ પણ તમારામાં આવ્યો નથી.તમે અમને વિરહમાં મારો તેમાં શું આશ્ચર્ય ?”
એક ગોપી કહે છે કે-લાલા,તું કેવો છે તે હું જાણું છું,તું માખણચોર છે,તું ચોર છે,તું અમારા મનની પણ ચોરી
કરીને બેઠો છે,અને હવે કહે છે કે –અહીંથી જાવ.
કનૈયો કહે છે-કે-હું ચોર છું તો તમે મને કેમ બોલાવો છો?ચોરને તો કોઈ બોલાવતું હશે?
ગોપી કહે છે કે-અમે તને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ.કનૈયા,તું ચોરી કરે તેમાં શું આશ્ચર્ય?
પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી છે.આપે અમારું બધું ચોરી લીધું છે.

ગોપીઓ લાલાને આમ “ચોર” કહી શકે પણ આપણાથી આમ ના કહેવાય.આપણા જેવા સાધારણ માણસ લાલાને માખણચોર કહે તો લાલાને ખોટું લાગે. તે કહેશે-કે-તેં બંગલો કેવી રીતે બાંધ્યો છે તે હું જાણું છું.
તું કેવો છે તે હું જાણું છું.હું તો બધાનો માલિક છું.

વેદમાં ભગવાનની સ્તુતિ કરતાં વેદ ભગવાન બોલ્યા છે-કે-તસ્કારાણા પતયે નમઃ
(ચોરોના સરદાર (શ્રીકૃષ્ણ) ને હું નમન કરું છું)
તમારી આંખ પણ ચોરી કરે છે (પ્રણત દુરિત ચૌર-જે તમને વંદન કરે છે,તેનાં પાપ તમે ચોરી લો છો)
પૂતનાના પ્રાણ તમે ચોરી લીધા છે (પૂતના પ્રાણચૌર)
વાસનારૂપી વસ્ત્રની ચોરી કરીને અમને નિર્વાસન બનાવી છે.(વલયવસન ચૌર-બાલગોપાંગનાનામ)
તમારાં જે દર્શન કરે છે તેનાં મન અને આંખ તમે ચોરી લો છો.(નયનહ્રદય ચૌર)
સત્પુરુષો વારંવાર તમારાં દર્શન કરે છે,
શ્રીકૃષ્ણ નામનો આવો કોઈ એક ચોર મારું ચિત્ત ચોરે છે.(અપહરતિ મનોમેકોપ્યયં કૃષ્ણ ચૌર)

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE