Oct 15, 2020

ભાગવત રહસ્ય -૪૧૮

શ્રીકૃષ્ણ ગોપીને પૂછે છે કે-મારી આંખે શું ચોરી કરી ?
ગોપી જવાબ આપે છે કે-શરદઋતુમાં પ્રગટ થયેલા અતિસુંદર કમળની શોભાને ચોરનાર તમારી આંખ છે.તમે હિંસા પણ કરો છો,આપે આંખથી અમારો વધ કર્યો છે.તમારાં નેત્રબાણોથી અમને ઘાયલ કરીને કરેલો અમારો વધ એ શું વધ નથી ? આપે આંખથી અમને બોલાવ્યાં,આંખથી વરદાન આપ્યું,આંખથી દાસી બનાવી,અને હવે દર્શન -ના આપો,તે તમારે માટે યોગ્ય નથી.અમને દર્શન આપો.

એક ગોપીના હૃદયમાં દૈન્ય આવ્યું છે,તે કહે છે કે-“તમે બધાં આ રીતે કનૈયા ને ઠપકો આપો છો તે યોગ્ય નથી,એવી રીતે ઠપકો આપશો તો તે આવશે નહિ.” તે ગોપી પરમાત્માના ઉપકારોનું સ્મરણ કરે છે.
“આપે આજ સુધી અનેકવાર અમારું રક્ષણ કર્યું છે.યમુનાજીના વિષમય થયેલા જળથી થવાના મૃત્યુથી,
અજગરના રૂપમાં ખાઈ જવાવાળા અઘાસુરથી,ઇન્દ્રની વર્ષાથી,તોફાનથી,દાવાનળથી અને અનેક
રાક્ષસોનો સંહાર કરી ને તેમનાથી,અમારું વારંવાર રક્ષણ કર્યું છે.અને આજે કેમ ઉપેક્ષા કરો છો ?

શ્રીકૃષ્ણનો વિરહ એ જ મોટો રાક્ષસ છે.ગોપી કહે છે કે-
“આ વિરહાસુર (વિરહ રૂપી અસુર) અમને બહુ ત્રાસ આપે છે.જો આ વિરહરૂપી અગ્નિથી અમને જો
બાળવા જ હતા તો પછી,અનેક રાક્ષસોને સંહારીને અમને બચાવ્યા જ શા માટે?
કનૈયા તું મને જલ્દી દર્શન આપ.કાલિંયનાગના ઝેર કરતાં પણ વધુ અસહ્ય આ વિયોગનું ઝેર છે.
તમે અગાઉ એક વાર અમને મળવાની કૃપા કરી હતી.
તરે જો અમને મારવાની ઈચ્છા હતી તો,અમને પ્રેમનું દાન શા માટે કર્યું?”

ત્યારે એક સખી હવે કનૈયાને થોડી ચીમકી આપી છે.અને કહે છે કે-
કનૈયા, હવે તું જો કૃપા નહિ કરે તો હું લોકો ને જાણ કરી દઈશ કે-તમે નંદ-યશોદાના પુત્ર નથી.
કનૈયો પૂછે છે કે -તમે જાણો છો કે હું કોણ છું? હું પરમાત્મા નથી,હું તો યશોદાનો લાલ છું.

ગોપીઓ કહે છે-કે-તમે યશોદાનંદન નથી,તમે યશોદાના લાલ નથી.
યશોદાજી બહુ ભોળાં અને પ્રેમાળ છે.તમે અમારી જાતના હોત તો અમારા માટે તમને લાગણી થાય.
તમે કોઈ ગોપીના બાળક નથી,તમે અમારી જાતના હોત તો અમને છોડીને તમે જાવ નહિ,
જાતની બધી સ્ત્રીઓ અડધી રાતે રખડે તે તમને ગમે નહિ.
ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-કે-  તો હું સર્વાન્તર્યામી નારાયણ છું.

ગોપીઓ કહે છે કે-ના,તમે તે પણ નથી,જો તમે સર્વના હૃદયમાં વિરાજતા હો,તો,તમારા વગર અમારા હૃદયમાં કેટલું દુઃખ થાય છે તે તમે જાણી શક્યા હોત,તમે અમારું દુઃખ જાણી શકતા નથી,એટલે તમે સર્વાન્તર્યામી નથી
શ્રીકૃષ્ણ કહે છે કે-ત્યારે બ્રહ્માજીએ મને પ્રાર્થના કરી ને કહ્યું હતું કે-“હું વૈકુંઠનો વિષ્ણુ છું” તે શું ખોટું છે ?
ગોપી કહે છે-કે- તે પણ ખોટું છે,અમે તો તમારા ઘરનાં છીએ,અને જે ઘરનાંનું રક્ષણ નથી કરતાં તે
જગત નું શું રક્ષણ કરી શકે ? શ્રી કૃષ્ણ કહે છે કે-ત્યારે તમે જ કહો કે હું કોણ છું ?
ગોપીઓ વ્યંગમાં કહે છે કે-તમે ખોટું ના લગાડતા,પણ આપ તો આકાશમાંથી ટપક્યા છો
(આકાશમાંથી નીચે ઉતર્યા છો). એટલે આકાશનો અને આપનો રંગ એક સરખો છે.

ગોપીઓ તો વ્યંગમાં ઘણું બધું બોલે છે,પણ તેમ છતાં તે શ્રીકૃષ્ણને ઓળખે છે.તે હવે કહે છે-કે-
“નાથ,અમે તો તમને ઓળખીએ છીએ,તમે અંતર્યામી નારાયણ છો,હવે તમે અમને દર્શન આપો.”

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE