Sep 4, 2013

ભાગવત રહસ્ય -૪૦૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (પૂર્વાર્ધ)-૧૩૦

છેવટે પરમાત્મા ની હાર અને ગોપીઓ ની જીત થઇ છે.હવે રાસલીલા નો પ્રારંભ થાય છે.

પ્રભુએ અનેક સ્વરૂપો ધારણ કર્યા,જેટલી ગોપીઓ તેટલા શ્રીકૃષ્ણ.વચ્ચે રાધા-માધવ અને તેને ઘેરી ને અષ્ટ-સખીઓ ઉભી છે.અને તેને ઘેરી ને બીજી ગોપીઓ ઉભી છે.પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપે શ્રીકૃષ્ણ ઉભા છે અને રાસ નો પ્રારંભ કર્યો છે.

હજારો જન્મ થી વિખુટો પડેલો જીવ પ્રભુ ની સન્મુખ આવ્યો.જીવ અને ઈશ્વર એક બન્યાં છે.
અંશ (જીવ),અંશી (ઈશ્વર) ને મળ્યો છે.અંશ,અંશી સાથે એકરૂપ થયો છે.
ગોપી અને કૃષ્ણ એક થયાં, શ્રીકૃષ્ણે ગોપીઓ ને પરમાનંદ નું દાન કર્યું,ગોપીઓ કૃતાર્થ થઇ.
“હવે અમારે સંસાર માં રખડવાનું નથી,હવે જન્મ-મરણ ના ત્રાસમાંથી મુક્ત થયા”

જીવ અને ઈશ્વર ના મિલન નું કોણ વર્ણન કરી શકે ? કદાચ મહાત્માઓ તેનો અનુભવ કરી શકે છે.
શ્રીકૃષ્ણ ને પણ આનંદ થયો છે,હજારો જન્મ થી વિખુટો પડેલો જીવ આજે મને મળ્યો છે.
જીવ-ઈશ્વર નું મિલન થતાં પરસ્પર ને પરમાનંદ થયો છે.
ગોપીઓ દેહનું  ભાન ભૂલી અતિ આનંદ માં નાચે છે.
લક્ષ્મી (પૈસા) હાથમાં આવે તો કેટલાક નાચે છે,તો ગોપીઓ ના હાથમાં તો લક્ષ્મી-પતિ આવ્યા છે,
તો તે કેમ ના નાચે ?

દ્વૈત (જીવ અને બ્રહ્મ) માં થી આજે અદ્વૈત (જીવ અને બ્રહ્મ નું મિલન-એટલે કે-એક) થયું છે.
અદ્વૈત સિદ્ધાંત ના આચાર્ય શુકદેવજીએ આ રીતે રાસલીલા માં અદ્વૈત નું વર્ણન કર્યું છે.

રાસ માં સંગીત,સાહિત્ય,નૃત્ય નો સમન્વય હોય છે.આ રાસલીલા માં કામની ગંધ નથી.
રાસલીલા ખુલ્લા મેદાન માં થઇ છે,દેવો,ગંધર્વો,નારદ,બ્રહ્માજી વગેરે જોવા આવ્યા છે.
બ્રહ્માજી વિચાર કરે છે કે-શ્રીકૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે.ગોપીઓ ને દેહભાન નથી.તેમ છતાં
આવી લીલા કરવા થી મર્યાદા નો ભંગ થાય છે.આ મિલન નિર્વિકાર છે પણ લોક વિરુદ્ધ છે.
કૃષ્ણાવતાર ધર્મમર્યાદા માટે છે,શ્રીકૃષ્ણ ધર્મ નું રક્ષણ કરવા આવ્યા છે,તે આવું ધર્મ વિરુદ્ધ નું
કૃત્ય કેમ કરે છે ?પરસ્ત્રી સાથે નાચવું તે અધર્મ છે.

બ્રહ્માજી “રજોગુણ” ના અધિષ્ઠાતા "દેવ" છે.
રજોગુણી ને બીજા ના “દોષ” જલ્દી દેખાય છે. સત્વગુણી ને બીજા ના “ગુણ” જલ્દી દેખાય છે.
જેની આંખો માં “રજોગુણ” હોય તે જ્યાં દોષ ના હોય ત્યાં પણ દોષ શોધી કાઢે છે.
બ્રહ્માજી એ રજોગુણી હોવાથી કૃષ્ણ નો દોષ શોધી કાઢી ને શંકા કરે છે.

પ્રભુ એ વિચાર કર્યો કે-એ ડોસા ને (બ્રહ્માજી ને) મે ધર્મ શીખવાડ્યો છે અને હવે તે મને ધર્મ શીખવાડવા આવ્યો છે. બ્રહ્મા ને ખબર નથી કે આ ધર્મ-મર્યાદા નો ભંગ નથી.
“જીવ” (આત્મા) અને ઈશ્વર (પરમાત્મા) એ સજાતીય છે (બંને પુરુષ છે)
અહીં સજાતીય,સજાતીય ને મળે છે એટલે તે ધર્મ નો ભંગ નથી,
સજાતીય વિજાતીય ને મળે તો ધર્મ નો ભંગ છે.
સર્વ ધર્મ નું “ફળ” છે-જીવ અને ઈશ્વરનું મિલન.
ધર્મ નું પાલન કરતાં-કરતાં કૃતાર્થી જીવો પરમાત્મા સાથે એક થાય છે.

પ્રભુએ તે વખતે ગમ્મત કરી છે. અને 
પ્રત્યેક ગોપી ને પોતાના સ્વરૂપ નું દાન કરી કૃષ્ણ-રૂપ બનાવી છે.
ગોપી હવે સ્ત્રી રહી નથી પણ શ્રીકૃષ્ણ બની ગઈ છે. અને હવે-
હવે ગોપી અને કૃષ્ણ નો રાસ દેખાતો નથી પણ 
રાસ માં બધા જ પીતાંબરધારી શ્રીકૃષ્ણ દેખાય છે.

પારસમણિ લોઢા ને સોનું બનાવી શકે છે પણ લોઢા ને પોતાના જેવો પારસમણિ બનાવી શકતો નથી.
પરંતુ પરમાત્મા જે જીવ ને મળે છે તે જીવને પોતા જેવો બનાવે છે.(આત્મા=પરમાત્મા)

બ્રહ્મા ને હવે ખાતરી થઇ છે કે-આ સામાન્ય સ્ત્રી-પુરુષ નું મિલન નથી.શ્રીકૃષ્ણ પણ ગોપીરૂપ થયા છે.
બ્રહ્માજી એ પ્રણામ કર્યા છે.આમાં ધર્મ નો ભંગ નથી,આ તો ધર્મ નું ફળ છે.
શ્રીકૃષ્ણ એ દેવ નથી પણ દેવો ના દેવ -પરમાત્મા છે.બ્રહ્માજી નું અભિમાન ઉતર્યું છે.

આ લીલા અટપટી છે.અને 
આ લીલા નું રહસ્ય શ્રીકૃષ્ણ ની કૃપા વિના સમજાય નહિ.
શુદ્ધ જીવ નું “બ્રહ્મ” સાથે રમણ એ જ રાસ છે.
”બ્રહ્મ” નો “બ્રહ્મ” સાથે નો વિલાસ એ જ રાસ છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE