Oct 29, 2020

ભાગવત રહસ્ય -૪૩૦

કનૈયાના વિદાય પ્રસંગે અત્યાર સુધી ધીરજ રાખીને ઉભેલાં યશોદાજીનું ધૈર્ય હવે રહ્યું નથી.યશોદામા નો લાડીલો લાલો આજે ગોકુળ છોડીને જાય છે.”મારો લાલો હવે જાય છે!!!”મા ને લોક-લજ્જાનું ભાન રહ્યું નથી.યશોદા મા પ્રેમમાં પાગલ થયા છે.
રથની પાછળ પાછળ રડતાં રડતાં દોડે છે. પ્રભુએ જોયુ કે મારી મા પાછળ દોડતી આવે છે,તેમણે અક્રૂર ને રથ ઉભો રાખવા કહ્યું. રથ અટક્યો છે.

(હવે પછીના આ દ્રશ્યની નજર સમક્ષ કલ્પના કરવા જેવી છે)
યશોદા મા આવ્યા છે,”મારો લાલો,મારો લાલો” કહેતાં કહેતાં લાલાને વળગી પડ્યા છે.
લાલાનાં ઓવારણાં લીધા છે,બહુ પ્યાર કર્યો છે,છાતીએ વળગાડી,માથું સૂંઘ્યું અને કહ્યું કે-
બેટા તું આજે મથુરા જાય છે તેથી મને બહુ દુઃખ થાય છે,મારી તો એવી ઈચ્છા હતી કે મારો લાલો,
મારાથી દૂર ના જાય. પણ બેટા તારી ઈચ્છા એ મારી ઈચ્છા છે.તારી ઈચ્છા વિરુદ્ધ મારે કાંઇ કરવું નથી.
બેટા, મે મારા કોઈ જ સુખ માટે તને પ્રેમ કર્યો નથી.તારું સુખ એ જ મારું સુખ છે.
હું તો રોજ નારાયણને પ્રાર્થના કરીશ કે મારો કનૈયો,જ્યાં પણ રહે સુખી રહે.મારો લાલો આનંદમાં રહે.
તમે બે ભાઈઓ સાથે જ રહેજો,દાઉજી તું મોટો છે એટલે લાલાને સાચવજે.

લાલા,તને એક ખાનગી વાત કહેવા આવી છું.
બેટા, તું મને મા,મા કહે છે પણ હું તારી મા નથી,તું દેવકી નો છે.!!!!!
તારી મા દેવકી છે,હું તો તારી ધાવ છું,હું તો તારી દાસી છું.!!!!!!!
લાલો કહે છે કે-મા તું આ શું બોલે છે ?મા તું આજે બોલી તે બોલી,ફરીથી કદી આવું બોલીશ નહિ.
લોકો ભલે ગમે તે કહે પણ હું માત્ર યશોદામાનો જ દીકરો છું.
મા, હું જગતને કહીશ કે “હું મારી યશોદામાનો જ લાડીલો દીકરો છું”

યશોદાજી કહે છે-કે-બેટા,તું આજે જાય છે,ત્યારે મને એક વાત યાદ આવે છે,મેં એક ભૂલ કરી હતી.
એક વાર તારી ઈચ્છા વિરુદ્ધ જઈને મેં તને બાંધેલો,તું નાનો હતો ત્યારે તને ખાંડણીયા જોડે બાંધેલો.
તે વાત તું ભૂલી જજે.તે વાત તારા મનમાં લાવીશ નહિ,આ તારી દાસી તારી ક્ષમા માગે છે.

ત્યારે કનૈયો મા ને કહે છે કે-મા,હું બધું ભૂલી જઈશ,પણ તેં મને બાંધ્યો હતો તે કદી નહિ ભૂલું.
મા, હું જિંદગીમાં બંધાયો તો એક તારાથી જ બંધાયો છું.મા, તેં મને બાંધ્યો છે,અને તે પણ પ્રેમથી બાંધ્યો છે,તારો પ્રેમ તારો લાલો કદી ભૂલશે નહિ. હું તો મારી મા,યશોદાનો બંધાયેલો છું.
મા,લોકો ગમે તે બોલે તેને તું સાંભળીશ નહિ.

યશોદાજી પૂછે છે કે-લાલા,તું મને ભૂલી તો જઈશ નહિ ને?તું મને મળવા પાછો આવીશ  ને ?
કનૈયો કહે છે કે-મા, હું આવીશ,મા,હું તારા પ્રેમને નહિ ભૂલું.મને તારા શરીરની ચિંતા થાય છે.
તું તારા શરીરને સાચવજે.તું ગાયોને સાચવજે. મા,હું પાછો આવીશ.

યશોદામાએ લાલાને હૈયું ભારે રાખી,છાતીથી અળગો કર્યો છે.લાલાને આશીર્વાદ આપ્યા છે.
“મારો કનૈયો જ્યાં રહે ત્યાં સુખમાં રહે.”
યશોદામાને વંદન કરી શ્રીકૃષ્ણ ફરીથી રથ માં વિરાજ્યા છે.અને રથ ચાલ્યો છે.
પ્રેમમાં પાગલ ગોપીઓ હજુ રથ સાથે સાથે દોડે છે.
“કનૈયા સાયંકાળે તારી આરતી ઉતારીશ,પાંચ મિનિટ તું ઘરમાં આવજે”

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE