Oct 28, 2020

ભાગવત રહસ્ય -૪૨૯

ગોપીઓ અક્રૂરને કહે છે કે-કૃષ્ણ-વિયોગ સમાન બીજું કોઈ દુઃખ નથી.કૃષ્ણ વિરહ અમારાથી સહન થશે નહિ.કનૈયા વગર અમારું ગોકુળ ગામ સ્મશાન જેવું લાગશે.કનૈયો ના દેખાય તો ગાયો ખડ ખાતી નથી,પાણી પીતી નથી, અક્રૂર,આ ગાયોનો નિસાસો તને લાગશે.અક્રૂર,તું હજી વિચાર કર,તારે લઇ જવા હોય તો બલરામને લઇ જા,પણ અમારા કનૈયાને લઇ ના જતો.લોકો કહે છે કે-મથુરાની સ્ત્રીઓ જાદુ જાણે છે,તો તે અમારા લાલા પર જાદુ કરશે તો અમારો કનૈયો પાછો નહિ આવે.તે કદાચ અમને ભૂલી જાય પણ અમે તેને ભૂલીશું નહિ,અક્રૂર,તું કૃષ્ણ-વિયોગમાં અમને મારીશ નહિ.

ગોપી-પ્રેમનું વર્ણન કોણ કરી શકે ?અક્રૂરનું હૃદય પીગળ્યું છે.”આ લોકોનો પ્રેમ કેવો છે ?આ લોકોનો નિસાસો મને લાગશે કે શું ?” અક્રૂર એક શબ્દ બોલી શક્યા નથી,બે હાથ જોડી ધરતી પર નજર કરીને ઉભા છે. તેમને સૂઝતું નથી કે આ ગોપીઓને કેવી રીતે સમજાવું ?આ ગોપીઓને શું કહું ?

કનૈયો ગોપીઓને કહે છે કે-હું તમારી સાથે, રમતો હતો,તમને રાજી રાખવા વાંસળી વગાડતો હતો,પણ
હવે હું જાઉં છું,પણ મારા પ્રાણ તમારી પાસે,તમારા હૃદયમાં રાખીને જાઉં છું.
મારા પ્રાણનું રક્ષણ કરવા માટે પણ તમે તમારા પ્રાણ સાચવજો.
ત્યાં પ્રભુએ જોયું કે રાધાજી મૂર્છામાં છે.રાધાજીને માથે હાથ મૂકી રાધાજીના કાનમાં કહ્યું કે-
પૃથ્વી પર દૈત્યોનો ભાર બહુ વધી ગયો છે,તે ભાર ઉતારવા જાઉં છું. પ્રેમથી તમારી સાથે લીલા કરતો હતો,નાચતો હતો,પણ હવે જગતને નચાવવા જાઉં છું. આજ સુધી તમને રાજી રાખવા વાંસળી વગાડતો હતો,પણ હવે મથુરામાં જઈ વાંસળી નહિ પણ શંખ વગાડીશ.

મારા પ્રાણ કરતાં યે વધુ વહાલી મારી વાંસળી તમને આપતો જાઉં છું, રાધે,જયારે જયારે તમે વાંસળી વગાડશો,ત્યારે ત્યારે હું દોડતો આવીશ.હું તમારા હૃદયમાં જ છું.રાધાજી એક શબ્દ બોલી શક્યા નથી.
ગોપીઓ રડે છે,પણ કૃષ્ણ સાંત્વન આપે છે અને કહે છે-કે-તમારા પ્રેમને હું જાણું છું,પણ આ મારું મંગલમય પ્રયાણ છે.તે પ્રયાણ વખતે તમે રડશો તો અપશુકન થશે.રડશો નહિ, હું પાછો આવીશ.

ગોપીઓને આ પ્રમાણે સમજાવી,શ્રીકૃષ્ણ,બલરામ સાથે, રથમાં વિરાજ્યા છે.રથ ચાલવા માંડ્યો.
ગોપીઓ એ આંસુ દબાવ્યા હતા,પણ હવે જયારે ખાત્રી થઇ ગઈ,એટલે રડી પડ્યા છે...
“હવે ક્યારે આવશે ?ક્યારે દર્શન આપશે ?ક્યારે મળશે” અંતે ધીરજ ખૂટી પડી છે,વિરહની સંભાવનાથી વ્યાકુળ બની ગઈ છે,અને લજ્જા છોડીને બે હાથ ઊંચા કરી,ઉંચા અવાજથી પોકારી પોકારી રુદન કરવા લાગી.”હે ગોવિંદ,હે માધવ,હે પ્રાણપ્યારે,અમને ભૂલશો નહિ,અમે તમારા આધારે જીવીએ છીએ”
હજુ પણ ગોપીઓ અનેક રીતે શ્રીકૃષ્ણને મનાવે છે.

દૃશ્ય એવું કરુણ હતું કે અક્રૂર પણ રડવા લાગ્યા.અક્રૂરને આશ્ચર્ય થયું છે.કે આ લોકોનો પ્રેમ કેવો છે ?
ગાયો પણ રડવા લાગી છે,રથ તરફ જોઈને હાંભા.હાંભા કરે છે.
કોઈ ગોપી મૂર્છામાં પડે છે,તો કોઈ ગોપી રથ પકડવા દોડે છે.તો કોઈ રથ પકડીને સાથે દોડે છે.
આ ગોપી-પ્રેમ ની કથા કોણ વર્ણવી શકે ? 
શ્રીકૃષ્ણે અક્રૂર ને કહ્યું,કે-આ ગોપીઓનો પ્રેમ એવો છે કે તે મને નહિ જવા દે.અક્રૂર તું શું જુએ છે ?
તું રથ જલ્દી ચલાવ.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE