Oct 30, 2020

ભાગવત રહસ્ય -૪૩૧

શ્રીકૃષ્ણે ફરીથી રથ ઉભો રખાવ્યો છે. અને ગોપીઓને કહે છે કે-દૈત્યોનો સંહાર એ મારા અવતારનું મુખ્ય પ્રયોજન નથી,પણ મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે,
ગોકુલમાં પ્રેમલીલા કરવાનું. તેથી એક સ્વરૂપે હું અહીં રહીશ અને તમારે ઘેર આવીશ અને એક સ્વરૂપે હું મથુરા જઈશ. પહેલા તો એક યશોદાને ત્યાં એક કનૈયો હતો,હવે જેટલી ગોપી એટલા કૃષ્ણ બન્યા છે.

એક એક ગોપીના હૃદયમાં પ્રવેશ કર્યો છે.અંતરંગમાં (અંદર) સંયોગ અને બહિરંગમાં (બહાર) વિયોગ.
શ્રીકૃષ્ણના વિયોગમાં ગોપીઓ સતત શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે,અને ધ્યાન કરતાં કરતાં સ્વ-રૂપ ને પ્રાપ્ત
કર્યું છે.પ્રત્યેક ગોપીને અનુભવ થયો છે કે-શ્રીકૃષ્ણ મથુરા ગયા જ નથી.

શ્રીકૃષ્ણને લઇ રથ ચાલી ગયો,ગોપીઓ હજુ ચિત્રવત ઉભી છે,ઘોડાઓના પગની ધૂળ ઉડતી દેખાય છે 
ત્યાં સુધી બધાં એક દૃષ્ટિથી જોતાં ઉભા છે.હવે જાણ્યું કે તે ગયા જ છે એટલે પછી તેમણે ઘેર પ્રયાણ કર્યું.

શ્રીકૃષ્ણ કંઇ નિષ્ઠુર નથી,કે ગોપીઓનો પ્રેમ કંઈ એકતરફી છે એવું પણ નથી શ્રીકૃષ્ણ તો પ્રેમની મૂર્તિ છે.
ધ્યાન વિયોગમાં થાય છે,વિયોગમાં ગુણ દેખાય છે,સંયોગમાં દોષ દેખાય છે.
વિયોગ વગર તન્મયતા થતી નથી,વિયોગ વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી,અને ધ્યાન વગર
પ્રભુનો સાક્ષાત્કાર (દર્શન) થતો નથી.
“વ્રજવાસીઓ મારા સ્વરૂપનું ધ્યાન કરતાં મારામાં તન્મય થાય,મારા સ્વરૂપને પ્રાપ્ત થાય.”
એટલે શ્રીકૃષ્ણે આ વિયોગ એટલે કે” વિશિષ્ટ યોગ” નું દાન કર્યું છે.

સાયંકાળ ના સમયે રથ મથુરાના ઝાંપા સુધી આવ્યો છે.શ્રીકૃષ્ણ અક્રૂર ને કહે છે કે-અમે હાલ નગરમાં
પ્રવેશ નહિ કરીશું.અમે અહીં બાગ માં વિશ્રામ કરશું,તમે કંસ ને ખબર આપી તમારે ઘેર જાવ.
અક્રૂર જી એ બહુ આગ્રહ કર્યો છે-કે મારું ઘર પાવન કરો.
ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે-મામા ની ખબર લીધા વગર મારે કોઈના ઘેર જવું નથી.

જે મથુરામાં કંસ હોય ત્યાં શ્રીકૃષ્ણ રહી શકે નહિ.એટલે મથુરાની બહાર બગીચામાં શ્રીકૃષ્ણ રહ્યા છે.
અંધકાર અને પ્રકાશ સાથે રહી શકે નહિ. વિષયાનંદ હોય ત્યાં બ્રહ્માનંદ સંભવી શકે નહિ.
એક જ મથુરામાં (માનવ-કાયામાં) શ્રીકૃષ્ણ (ઈશ્વર) અને કંસ (કામ) સાથે રહી શકે નહિ.
આટલું સમજાય તો પણ ઘણું છે. તુલસીદાસ કહે છે કે-
જહાં કામ વહાં રામ નહિ,જહાં રામ વહાં નહિ કામ,તુલસી દોનો નવ રહે રવિ રજની એક ઠામ.”
(રવિ=સૂર્ય=અજવાળું, રજની=રાત-અંધારું)

ગ્વાલ-મિત્રો સાથે શ્રીકૃષ્ણ ભોજન કરવા બેઠા છે.યશોદાજી એ લાલાને ભાવે તેવી દુધની અનેક સુંદર સુંદર વાનગીઓ બનાવી ને આપેલી છે. લાલો જમવા બેઠો અને મા નું સ્મરણ થયું છે.
“મારી મા બહુ ભોળી છે ,તે આજે ઘરમાં રડતી હશે” શ્રીકૃષ્ણ મા ના પ્રેમ ને કોઈ દિવસ ભૂલ્યા નથી.
અત્યારે મા ની યાદે શ્રીકૃષ્ણ ભોજન કરી શક્યા નથી,હાથનો કોળીઓ હાથમાં જ રહી ગયો છે.
નંદબાબાની નજર કૃષ્ણ પર પડી,પૂછે છે કે-કનૈયા તું કેમ ખાતો નથી?
કનૈયો જવાબ આપે છે કે-બાબા મારી મા ના ખાય, મારી વહાલી ગાયો ના ખાય,ત્યાં સુધી મારાથી  
કેમ ખવાય ? બાબા, મારી મા અને ગાયો ત્યાં ભૂખ્યાં રહ્યા છે.તે ઉપવાસ કરે અને હું કેવી રીતે ભોજન કરું ?


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE