Nov 1, 2020

ભાગવત રહસ્ય -૪૩૩

શ્રીકૃષ્ણ મિત્રોને સુંદર કપડાં પહેરાવી પોતે પણ સુંદર કપડાં પહેરે છે.આજ દિન સુધી મિત્રો સીવેલાં કપડાં ના પહેરે એટલે પોતે પણ સીવેલાં કપડાં પહેરતા નહોતા.
કાળી કામળી લઇ ગાયોની પાછળ ભમતા હતા.આજે સીવેલાં કપડાં મિત્રોને પહેરાવીને પોતે પહેર્યા છે.પ્રેમ કેવો કરવો તે જગતને બતાવ્યું છે.
તે પછી રસ્તામાં સુદામા માળી મળ્યો.તેણે પ્રભુ ને ફૂલની માળા પહેરાવી.

આગળ ચાલતાં કંસની દાસી કુબ્જા મળી.જે ત્રણ ઠેકાણે વાંકી હતી,અને હાથમાં ચંદનનું પાત્ર લઈને જતી હતી.કુબ્જા શ્રીકૃષ્ણને ચંદન આપે છે.શ્રીકૃષ્ણ તેના પર પ્રસન્ન થયા.પ્રભુએ વિચાર કર્યો કે-
કુબ્જાએ ચંદન આપી મારા રૂપમાં વધારો કર્યો છે,તેથી હું પણ તેણે સુંદર બનાવું.
એટલે તેની હડપચી પકડી ને એવી હલાવી કે,ત્રણ અંગે વાંકી કુબ્જા સીધી થઇ ગઈ.
આગળ ચાલતાં વૈશ્યોની દુકાનો આવે છે,વૈશ્યોએ પણ શ્રીકૃષ્ણને,સોપારી આપી પ્રસન્ન કર્યા.

કુબ્જા ની આ કથા પાછળ થોડું રહસ્ય છે.
કુબ્જા એટલે બુદ્ધિ.બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છે.કામ,ક્રોધ અને લોભ.
આ ત્રણ દોષ પ્રભુનું પૂજન કરવાથી જાય છે.
બુદ્ધિ કંસની સેવા (કુબ્જા કંસની દાસી હતી) કરે-એટલેકે વિષયોની પાછળ જાય તો તે વાંકી બને છે,
પણ,તે બુદ્ધિ ઈશ્વરના સન્મુખ આવીને ઉભી રહે તો,ઈશ્વર તરફ વળે તો તે સરળ (સીધી) થાય છે.

કંસના યજ્ઞના ચાર દિવસ પુરા થઇ પાંચમો દિવસ હતો.આજે જો યજ્ઞ નિર્વિઘ્ને પુરો થાય તો કંસને આંચ ના આવે.તેવે વખતે શ્રીકૃષ્ણ યજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતાં ત્યાં આવ્યા છે.ત્યાં રાખેલું ધનુષ્ય ઉઠાવીને નમાવ્યું એટલે ધનુષ્યના બે ટુકડા થયા છે.બ્રાહ્મણોએ કહ્યું કે ધનુષ્ય તૂટ્યું એટલે યજ્ઞ અધુરો રહેશે.
કંસના સેવકોએ દોડતા જઈ અને કંસને ખબર આપી છે.કંસ અતિ ગુસ્સે થયો છે.

કંસે બીજે દિવસે સવારે દરબાર ભર્યો છે,મોટો અખાડો બનાવ્યો છે.ચાણુર-મુષ્ટિક અને મોટા મોટા
પહેલવાનો મદિરાપાન કરીને અખાડા માં બેઠા છે.કંસ સિંહાસન પર બેઠો હતો.કંસને મૃત્યુના ચિહ્નો
દેખાતા હતા,છતાં હિંમત કરી તેણે તેના પહેલવાનો ને કહ્યું કે-આજે મલ્લ-યુદ્ધ વખતે તમે બલરામ અને 
કૃષ્ણને મારી નાખજો. તેઓ ના પડે તો પણ પરાણે તમે તેમણે અખાડામાં કુસ્તી માટે ખેંચી જજો.

નંદબાબાને પણ સભામાં આમંત્રણ મોકલેલું એટલે તે પણ બલરામ-શ્રી કૃષ્ણને લઇ ને આવ્યા છે.
કંસે સહુ પ્રથમ તો પ્રભુ ઉપર કપટ કરી ને કુવલયાપીડ હાથીને છોડ્યો,પણ પ્રભુએ લીલા કરીને હાથીને 
માર્યો છે. સભાના સર્વ લોકોને શ્રીકૃષ્ણની તાકાત નો પરિચય થયો.બધાના મુખેથી વાહ નીકળી.

પ્રભુએ સભામાં પ્રવેશ કર્યો તે વખતે ચાણુર બોલવા લાગ્યો-કે-એય,બલરામ-કૃષ્ણ અહીં આવો,
અમારા મહારાજને કુસ્તી જોવાનો શોખ છે,જેની જીત થાય તેણે મહારાજ ભેટ આપવાના છે,
શ્રીકૃષ્ણ કહે છે –કે-રાજાને રાજી રાખવા એ મારું કર્તવ્ય છે પણ અમે બાળક છીએ.તમે મોટા પહેલવાન છો,
તમારી સાથે નહિ પણ કોઈ અગિયાર વર્ષના બાળકને બોલાવો તો અમે કુસ્તી કરીએ.

મદિરાથી ઉન્મત્ત થયેલો ચાણુર બોલે છે કે-એ કાંઇ ચાલે નહિ, હમણાં તો તે હાથીને માર્યો,તું બાળક
શાનો ? અમે સાંભળ્યું છે તેં મોટા રાક્ષસોને માર્યા છે,તારાં પરાક્રમ અમે જાણીએ છીએ.
એમ કહી ને ચાણુરે શ્રીકૃષ્ણ નો હાથ પકડી ને અખાડામાં ખેંચ્યા.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE