Nov 3, 2020

ભાગવત રહસ્ય -૪૩૫

કંસ-એ અભિમાનનું સ્વરૂપ છે.કંસની રાણીઓના નામ છે-“અસ્તિ” અને “પ્રાપ્તિ” તે પણ સૂચક છે,આખો દિવસ અસ્તિ અને પ્રાપ્તિનો વિચાર કરે તે અભિમાની કંસ છે.
અસ્તિ- એટલે મારી પાસે આટલું છે અને હવે આટલું હું પ્રાપ્ત કરીશ, એમ આખો  દિવસ પૈસા નું ચિંતન કરે,નીતિ કે અનીતિથી પૈસા કમાઈ ને મોજ-શોખમાં,તથા સંસાર સુખ ભોગવવાની ઈચ્છા રાખે –અને-જે ધર્મને માનતો નથી તે કંસ છે.તે પિતા ઉગ્રસેનને કેદ કરી તે રાજા બન્યો છે.પાપની જેને બીક નથી અને બીજાને રડાવી પોતે આનંદ ભોગવે તે કંસ છે.

પહેલાં તો એક કંસ હતો પણ અત્યારના જમાનામાં અનેક કંસ દેખાય છે.  
જીવ કામ અને ક્રોધનો હંમેશાં માર ખાતો આવ્યો છે.તે કામ-ક્રોધને જીતીને સંયમ કેળવવાનો છે.
શબ્દ-બ્રહ્મ (બળદેવ)થી ક્રોધ શાંત થાય છે,પર-બ્રહ્મ (કૃષ્ણ) ની ઉપાસનાથી કામ શાંત થાય છે.

કંસ વેરથી પણ એક શ્રીકૃષ્ણનું ધ્યાન કરતો હતો.મન મિત્ર કરતાં વેરીનું વધારે સ્મરણ કરે છે.
કંસે શ્રીકૃષ્ણ સાથે વેરથી સંબંધ જોડેલો,ભલે વેરભાવથી પણ કંસે સતત ચિંતન શ્રીકૃષ્ણનું કર્યું,
એટલે ભગવાને તેને મુક્તિ આપી.કંસને માર્યો નથી પણ મુક્તિ આપી છે.
શ્રીકૃષ્ણ કહે છે કે-ભલે વેરભાવથી પણ જે મારું સ્મરણ કરે છે તેને હું મુક્તિ આપું છું.
મનુષ્ય સાથે વેર થાય તો પતન થાય છે,પણ ઈશ્વરના મારમાં પણ પ્યાર છે,મુક્તિ છે.
ભગવાન જો વેરીને પણ સદગતિ આપે છે તો,પ્રેમથી જે ભગવાન નું સ્મરણ કરે તેને કેમ મુક્તિ ના મળે ?

કનૈયાએ,કંસને મારી,પોતાની જન્મ-ભૂમિનો ઉદ્ધાર કરી,માતા-પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે.
વસુદેવ-દેવકી એ અગિયાર વર્ષ કારાગૃહમાં તપ કર્યું,ધ્યાન કર્યું,એટલે પ્રભુના દર્શન થયા છે.
માત-પિતાનું હૃદય ભરાયું છે,એક શબ્દ બોલી શક્યાં નથી.ત્યારે ધૈર્ય ધારણ કરીને શ્રીકૃષ્ણ કહે છે કે-
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ –આ ચાર પુરુષાર્થો સિદ્ધ કરી આપનાર આ માનવ શરીર છે.અને એવું આ શરીર
માતા-પિતા આપે છે,માતા-પિતાનો આ ઉપકાર જીવ ભૂલી શકે નહિ.મારા અપરાધની ક્ષમા કરો,
હવે હું આપને છોડીને નહિ જાઉં.

તે પછી કનૈયાને હાથી પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવે છે.
નંદબાબાને કનૈયા પ્રત્યે વાત્સલ્યભાવ છે,તે વિચારે છે કે-લાલાને હાર પહેરાવી,હાથી પર બેસાડ્યો છે,
પણ કોઈ તેને ખવડાવતા નથી,યાદવોમાં પ્રેમ હશે પણ વિવેક નથી,મોટા મોટા પહેલવાનો જોડે કુસ્તી કરીને લાલાને ભૂખ લાગી હશે,પણ તેની કોઈ ને દરકાર નથી.નંદબાબા માખણ-મિસરી લઈને વરઘોડો જાય છે તે રસ્તા પર આવ્યા છે અને લાલાને હાથીની અંબાડી પરથી નીચે ઉતારી અને પ્રેમથી જમાડે છે.
જે જગ્યા એ શ્રીકૃષ્ણે આ પ્રમાણે વિશ્રામ લીધો તે ઘાટ નું નામ પડ્યું વિશ્રામઘાટ.

બધા શ્રીકૃષ્ણને કહે છે કે કંસને આપે માર્યો છે,તેથી રાજ્ય તમારું છે.
ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે-રાજ્યના લોભ થી મેં કંસને માર્યો નથી,કંસ પ્રજાને ત્રાસ આપતો હતો,
તેથી તેને માર્યો છે.કંસના પિતા ઉગ્રસેન જીવે છે તેને રાજા બનાવો,હું તો સર્વનો સેવક છું.
શ્રી કૃષ્ણે જન્મથી સેવા કરી છે,નાના હતા ત્યારે ગાયોની અને મોટા થયા પછી સમાજની સેવા કરી છે.
મથુરાની ગાદી પર ઉગ્રસેનને બેસાડી ને તેમનો રાજ્યાભિષેક કર્યો છે.

મથુરાનું રાજ્ય મળ્યું હતું પણ તેમાં શ્રીકૃષ્ણ ને કોઈ આસક્તિ નથી.
રાવણને મારી ને લંકાનું રાજ્ય રામજીને મળ્યું હતું,પણ તે લીધું નથી.તેમાં કોઈ આસક્તિ બતાવી નથી.
શ્રીકૃષ્ણે જેવો ઉપદેશ આપ્યો છે,તે પોતાના જીવનમાં ઉતારીને બતાવ્યો છે.
આજકાલ મનુષ્યને થોડું પણ મળ્યું હોય તો છોડવાની ઈચ્છા થતી નથી.
બંગલામાં રહી,વિલાસી જીવન ગાળી,પુસ્તકો વાંચી ને વેદાંતની ચર્ચા કરે તે બહુ ઠીક નથી,
પણ વાંચેલું જીવનમાં ઉતારવાની જરૂર છે,કોઈ સાધન કરવાની જરૂર છે.અનુભવની જરૂર છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE