Nov 4, 2020

ભાગવત રહસ્ય -૪૩૬


નંદબાબાનો મુકામ મથુરાની બહાર બગીચામાં જ હતો.શ્રીકૃષ્ણ-બળરામને રાજમહેલમાં લઇ ગયા છે.નંદજીને ગર્ગાચાર્ય કહેવા આવ્યા છે કે-શ્રીકૃષ્ણ,વસુદેવનો આઠમો પુત્ર છે.તમારે ત્યાં કન્યા થઇ હતી.શ્રીકૃષ્ણ હવે ગોકુળ નહિ આવે પણ મથુરામાં જ રહેશે.
શ્રીકૃષ્ણ મારો પુત્ર નથી,એવું સાંભળતાં જ નંદબાબાને મૂર્છા આવી છે,ખબર પડતાં 
શ્રી કૃષ્ણ દોડતા આવ્યા છે.અને આવીને નંદબાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.નંદબાબા જાગ્યા છે અને કનૈયાને છાતી સરસો ચાંપ્યો છે. 

શ્રીકૃષ્ણ કહે છે કે-બાબા,બાબા,અમે યુદ્ધ કરતા હતા ત્યારે અમને હનુમાનજી દેખાયેલા.
નંદબાબાએ માન્યું કે-મે હનુમાનજીની બાધા રાખી હતી એટલે હનુમાનજીએ કનૈયાનું રક્ષણ કર્યું,બાકી આ મોટા મલ્લોને કોણ મારી શકે ? નંદબાબા ભોળા છે અને કનૈયાએ નંદબાબા ની ભાવના કાયમ રાખી છે.

કૃષ્ણ કહે છે-કે-બાબા હું તમારો જ છું,લોકો બોલે તે સાંભળશો નહિ,કોઈનો હાથ પકડી શકાય,જીભ નહિ.
લોકો ભલે ગમે તે કહે પણ બાબા,તમે જ મારા પિતા છો,ને યશોદા મારી મા છે.બાબા તમારા આશીર્વાદથી,
મે કંસને માર્યો એટલે કંસના મિત્રો,જરાસંઘ,દંતવક્ત્ર વગેરે મારી સાથે વેર રાખવા લાગ્યા છે,
બાબા,હું અત્યારે તમારી સાથે ગોકુળ આવું તો,તે રાજાઓ ત્યાં લડવા આવશે,વ્રજભૂમિ એ પ્રેમભૂમિ છે.
વ્રજવાસીઓ હાથમાં શસ્ત્ર લેશે નહિ,અને મારે લીધે તે બધા દુઃખી થશે.

એટલે થોડો સમય હું મથુરામાં રહીશ,બાબા,તમે હાલમાં કોઈને કહેશો નહિ કે હું તમારો પુત્ર છું,કારણ
તમે જો તેમ  કહેશો તો રાજાઓ તમારા સાથે વેર કરશે,મારા કારણથી વ્રજવાસીઓ દુઃખી ન થાય,અને તેઓ આનંદમાં રહે એટલા માટે મેં ના છુટકે આવી ખોટી જાહેરાત કરી છે,કે હું વસુદેવનો પુત્ર છું.
બાબા,તમારા ઉપકારનો બદલો હું કદી ભૂલીશ નહિ.

તમારા આશીર્વાદથી હું ,લોકોને બહુ ત્રાસ આપતા,દુષ્ટ રાજાઓને હું મારીશ.સમાજને સુખી કર્યા પછી હું
ગોકુળમાં આવીશ,બાબા,,હું શું કરું? હું અહીં આવીને ફસાયો છું.બાબા,તમે ગોકુળ જાવ,મારી ગાયોને સાચવજો,અને મા ને કહેજો કે કનૈયો જરૂર આવશે.

કનૈયો અનેક પ્રકારે બાબાને સમજાવે છે,છતાં બાબાની વ્યાકુળતા ઓછી થતી નથી.રડતાં,રડતાં,
બાબા કહે છે કે-લાલા,તું નહિ આવે તો તારી મા મને ઠપકો આપશે કે-મારા લાલાને તમે કેમ મૂકી આવ્યા?
બેટા,મને વધારે આગ્રહ કરતાં આવડતું નથી,પ્રેમમાં દુરાગ્રહ શોભે નહિ,તારું સુખ એ મારું સુખ છે,
મારો કનૈયો સુખી રહે તેવી પ્રાર્થના હું રોજ નારાયણને કરીશ.તને યાદ કરીને અમે રડીશું,
તે રડવામાં અમને શાંતિ મળશે,અમે તારા આધારે જીવીએ છીએ,એટલે વ્રજમાં જરૂર આવજે.

લાલાએ ગ્વાલ-બાળમિત્રોનું સન્માન કર્યું છે,મિત્રો કહે છે કે –લાલા તું નિષ્ઠુર થયો છે.
કનૈયો કહે છે કે-નિષ્ઠુર થયા વિના આગળની લીલા થઇ શકે તેમ નથી,તમે મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. નંદબાબાના ચરણમાં ફરી વંદન કરી તેમને ગાડામાં બેસાડ્યા છે.
વ્રજવાસીઓનો પ્રેમ જોઈને મથુરાના યાદવોને આશ્ચર્ય થયું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE