Dec 10, 2020

ભાગવત રહસ્ય -૪૭૨

સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા.આખો દિવસ જપ કરતા,એટલે પગમાં જોડા પહેરતા નહિ.તેથી પગમાં અનેક કાંટાઓ વાગેલા હતા.પ્રભુ પોતાના અશ્રુજળથી સુદામાના પગ પખાળે છે ને સાથોસાથ સુદામાના પગના કાંટા પણ કાઢે છે!!!!એક કાંટો જરા વધારે ઊંડો પેસી ગયેલો,એ કાંટો છે સુદામા ના પગમાં પણ ખૂંચે છે,શ્રીકૃષ્ણ ના હૃદયમાં.......
ભગવાને રુક્મિણીને કહ્યું કે –દેવી કાંટો કાઢવા સોય લાવો. રુક્મિણી સોય લેવા ગયાં.રુક્મિણીને સોય લઇ આવતાં વિલંબ થયો તે માલિકથી સહન થતું નથી,તેમનાથી રહેવાયું નહિ અને સુદામા ચરણને પોતાના બે હાથથી પકડી પોતાના દાંતો વડે કાંટાને કાઢવા લાગ્યા!!!!

સુદામા કહે છે કે-મિત્ર,તું આ શું કરે છે? આ રાણીઓ જોશે તો તેમને ક્ષોભ થશે,
તું રાજાધિરાજ થઇને આમ મુખથી કાંટો કાઢે તે યોગ્ય નથી.
પ્રભુ કહે છે કે-તું શું બોલે છે?હું તો તારો સેવક છું,તારો કનૈયો સંપત્તિમાં સાનભાન ભૂલ્યો નથી.

ભગવાને દાંતો વડે કાંટો કાઢ્યો છે,આજે શ્રીકૃષ્ણ  પોતાનું ઐશ્વર્ય ભૂલી ગયા છે,તે ભૂલી ગયા છે કે-
હું દ્વારકાનો રાજાધિરાજ છું,હું ઈશ્વર છું.
સુદામા ને શંકા હતી,કે-હું ગરીબ છું,તેથી શ્રીકૃષ્ણ મારું અપમાન તો નહિ કરે ને?
તેમની આવી શંકાનો કાંટો પણ પ્રભુએ નિર્મૂળ કર્યો છે.

સુદામા નિષ્પાપ હતા તેથી ભગવાને તેમનો કાંટો દાંત વડે કાઢ્યો છે.
ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબી માં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે.

સ્નાન થયું,શ્રીકૃષ્ણે સુદામાને નવું પીતાંબર પહેરવા આપ્યું છે.ભોજન થયું.
તે પછી સુદામાને પલંગ પર બેસાડી ને શ્રીકૃષ્ણ તેની સાથે વાતે વળગ્યા છે.
“મિત્ર,સાચું કહું, હું તો સંસારથી કંટાળી ગયો છું,ગૃહસ્થાશ્રમમાં શાંતિ ક્યાં છે? આપણે ગુરુકુળમાં હતા,
તે વખતે જે આનંદ મળતો હતો તેવો આનંદ હવે ક્યાં છે? મિત્ર,તને તો નાનપણથી રમવાની ટેવ નહિ,
આખો દિવસ તું ગાયત્રી-મંત્રના જાપ કરતો.હું તને પરાણે રમવા લઇ જતો.
મિત્ર, તને યાદ છે એક દિવસ આપણે દર્ભ-સમિધ લેવા ગયા હતા તે દિવસે વરસાદ પડેલો,
આખી રાત એક ઝાડની ડાળ ઉપર ઉભા રહ્યા હતા!!!”

તે દિવસે બનેલું આવું કે –સુદામા પાસે થોડા ચણા હતા તે પોતે ખાતા હતા.ખાવાનો અવાજ સાંભળીને
શ્રીકૃષ્ણે પૂછ્યું કે –મિત્ર તું શું ખાય છે ?સુદામા એ વિચાર્યું કે ભૂખ બહુ લાગી છે અને ચણા થોડા છે,
ચણા ખાઉં છું એમ કહીશ તો થોડા ચણા આપવા પડશે,તો મારા માટે શું રહેશે? એટલે કહ્યું કે-
આ તો ઠંડી ના લીધે દાંત કડકડ થાય છે.સુદામા ખોટું બોલેલા,એકલા ખાધું એટલે દરિદ્ર થયેલા.

શ્રીકૃષ્ણને જાતે સુદામાના ચરણની સેવા કરતા જોઈ રુક્મિણી વગેરે આશ્ચર્ય માં પડી ગયા છે.
“આવો પ્રેમ માલિકે કોઈ દિવસ બતાવ્યો નથી, બ્રાહ્મણ મહા ભાગ્યશાળી છે.
શ્રીકૃષ્ણ સુદામા જોડે વાતો કરતાં કરતા પૂછે છે કે-મિત્ર તારું લગ્ન થયું કે નહિ?ભાભી કેવાં છે?
સુદામા કહે છે કે-લગ્ન થયા છે,પત્ની લાયક છે,બાળકો છે.(પરંતુ કહ્યું નથી કે ઘરમાં ખાવાનું નથી.)
મિત્ર,તારી ભાભીમાં નામ પ્રમાણે ગુણો છે,સુશીલ છે,તેના કહેવાથી જ તને મળવા આવ્યો છું.
શ્રીકૃષ્ણ કહે છે –કે- મારાં ભાભી લાયક છે તો તેમણે મારા માટે જરૂર કંઈક મોકલ્યું હશે.તે ભેટ મને આપ.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE