Dec 18, 2020

ભાગવત રહસ્ય -૪૭૯

જીવ,ઈશ્વરથી થોડો પણ વિખુટો હશે તો અંતે રડવાનું છે. ઈશ્વરના વિયોગનો રોગ જીવને થયો છે.અને આ વિયોગ રૂપી દુઃખની દવા એ છે કે-જીવ,ઈશ્વર સાથે સંબંધ જોડે.“મારે ઈશ્વરમાં મળી જવું છે” તેવો નિશ્ચય કરવાનો છે.પણ આ શરીરથી શરૂમાં બ્રહ્મ-સંબંધ થઇ શકે નહિ,શરીર મલિન ,શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે.તેથી પ્રારંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવો જોઈએ.કાળ સર્વને માથે છે.તેમાંથી છૂટવા કાળના યે કાળ શ્રીકૃષ્ણને શરણે જવું જોઈએ.

વ્યવહારનું દરેક કાર્ય ઈશ્વરનું અનુસંધાન રાખી,તેમની પ્રીતિ અર્થે (તેમને પ્રસન્ન કરવા),તેમની આજ્ઞાની અનુસાર (તેમની આજ્ઞા છે એવું સમજી) કરવામાં આવે તો તે “ભક્તિ” બને છે.
દરેક વ્યક્તિમાં પરમાત્મા છે,એમ માનીને વ્યવહાર કરવો તે ભક્તિ છે.

ઘણા સંતો કોઈ ને કોઈ ધંધો કરતા હતા.પણ તે પ્રત્યેકને ધંધો કરતાં કરતાં પણ ઈશ્વર મળ્યા છે.
કબીર વણકર હતા.ગોરા કુંભાર માટીના વાસણ બનાવતા,સેના નાઈ હજામતનો ધંધો કરતા હતા.
સેના નાઈને એક વખત વિચાર આવ્યો કે –હું લોકોના માથાનો મેલ કાઢું છું પણ મારા માથાનો (બુદ્ધિનો)
મેલ મેં કાઢ્યો નહિ.આ વિચારથી તેમના જીવનમાં પલટો આવ્યો.અને તેઓ સંત થયા.
કોઈ પણ ધંધો વ્યવહાર કરી શકાય,પણ ઈશ્વરને ક્ષણભર ભૂલ્યા વગર.ઈશ્વરથી જુદા પડ્યા વગર.

આવું બધું જ્ઞાન બધાને હોય છે પણ પરિસ્થિતિ બદલાતાં તે જ્ઞાન ભૂલી જાય છે.જ્ઞાન સતત રહેતું નથી.
એથી રોજ થોડો થોડો સત્સંગ કરવાની જરૂર છે.સત્સંગથી મન નો મેલ દૂર થાય છે.
જીવ જયારે જન્મ્યો ત્યારે શુદ્ધ હતો,તે પછી જેના સંગમાં આવ્યો તેના જેવો તે થઇ જાય છે.
મન એક જ છે,એ ભક્તિ નહિ કરે સત્સંગ નહિ કરે તો સંસારનું ચિંતન કરશે.
પ્રેમદોરીથી ભગવાનને સતત પોતાના હૃદયમાં બાંધી રાખે છે તેવા સંતોનો સત્સંગ કરવો જોઈએ.
કશું ના બને તો રોજ રામાયણ,ભાગવત કે ગીતા જેવા પુસ્તકોનો સત્સંગ પણ કરી શકાય.

જેને સંસારના વિષયો જ્યાં સુધી વહાલા લાગે ત્યાં સુધી સમજવું કે તે ભક્ત થયો નથી.
મુક્તિને માટે લાયક થયો નથી.સુંદર સુંદર વિષયો દેખાય 
અને શરીરમાં તે ભોગવવાની શક્તિ હોય તેમ છતાં તે વિષયોમાં જેનું મન ના જાય તે જ સાચો ભક્ત.

જગતમાં બે માર્ગ છે-પહેલો ત્યાગનો અને બીજો સમર્પણનો.
ત્યાગ માર્ગે ના જઈ શકે તેવા માટે સમર્પણનો માર્ગ બતાવ્યો છે.
મહાત્માઓ કહે છે-કે-સર્વ સાથે પ્રેમ કરો પણ કશાની સાથે આસકત ના થાઓ.
સર્વ કાર્યો કૃષ્ણાર્પણ બુદ્ધિ થી કરો. અથવા-તો-
હું કોઈનો નથી અને કોઈ મારું નથી-એમ મનથી પણ માની ને સર્વનો મનથી ત્યાગ કરી ને –
માત્ર એક ઈશ્વર સાથે જ પ્રેમ કરો.

કાયેન વાચા મનસેન્દ્રીયૈર્વા બુદ્ધયાત્મના વાનુસૃતસ્વભાવત,
કરોતિ યતયત સકલમ પરસમૈ નારાયણયેતિ સમર્પયેતન. (ભાગવત-૧૧-૨-૩૬)
(શરીરથી,વાણીથી,મનથી,ઇન્દ્રિયોથી,બુદ્ધિથી અને
સ્વભાવથી અનુસરી મનુષ્ય જે જે કર્મ કરે તે સર્વ-ભગવાન નારાયણને સમર્પણ કરો.)

આ છે સરળ અને સીધો ભાગવતધર્મ.
આ પ્રમાણે જે પ્રતિક્ષણ એક એક વૃત્તિ દ્વારા ભગવાન ના ચરણકમળોનું જ ભજન કરે છે,
તેને ભક્તિ,(સંસાર પરથી) વૈરાગ્ય અને ભગવત-સ્વ-રૂપ નો અનુભવ(જ્ઞાન)-
એ ત્રણે એકી સાથે પ્રાપ્ત થાય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE