Dec 17, 2020

ભાગવત રહસ્ય -૪૭૮

એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા.યાદવકુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સુઝ્યું. અતિસંપત્તિમાં યાદવો ભાન ભૂલ્યા છે.યાદવકુમારોએ શાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી તેને ઋષિમુનિઓ પાસે લઇ ગયા.અને ઋષિમુનિઓને પૂછ્યું કે આ સ્ત્રી ગર્ભિણી છે,આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને આ ઠીક લાગ્યું નહિ.અને શાપ આપ્યો કે-આને પુત્ર કે પુત્રી નહિ પણ તમારા વંશનો વિનાશ કરનારું મુશળ પેદા થશે.

શાંબના પેટમાંથી મુશળ નીકળ્યું.યાદવકુમારો ગભરાયા.આ પાપ તેમણે શ્રીકૃષ્ણને કહ્યું નહિ અને છુપાવ્યું.
પોતાની બુદ્ધિ વાપરીને તે મુશળ,અનર્થ ના કરે એટલે તેને ઘસી નાખ્યું તેનો ટુકડો વધ્યો તે સમુદ્રમાં નાંખી દીધો.તે ટુકડો માછલી ગળી ગઈ.પાછળથી જરા પારધીએ તેની,પોતાના બાણની અણી બનાવેલી.

યાદવકુમારોની બુદ્ધિ બગડી,તેઓએ ઋષિઓનું અપમાન કર્યું એટલે તેઓનો વિનાશ થયો.
ભગવાનને વિચાર થયો કે મારી પાછળ યાદવ રહેશે તો લોકોને ત્રાસ આપશે.એટલે યાદવોનો વિનાશ
મુશળથી કર્યો. મુશળ એટલે કાળ.બુદ્ધિ બગડે એટલે તેની પાછળ કાળ આવે જ છે.
જીવને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે છે,લયમાં આનંદ આવતો નથી.ભગવાનને તો લયમાં પણ 
આનંદ આવે છે,કારણ ભગવાન આનંદરૂપ છે.ભગવાન સર્વ જાણે છે,છતાં બોલતા નથી.

અગિયારમા સ્કંધના બીજા અધ્યાયથી ઉપદેશ શરુ થાય છે.

એક દિવસે નારદજી વાસુદેવને ત્યાં પધાર્યા.વાદુદેવજી એ નારદજીની પૂજા કરી.તે પછી પ્રશ્ન કર્યો-કે-
આપ મને એવો ઉપદેશ આપો કે જેથી હું જન્મ-મૃત્યુ રૂપ ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં.
નારદજીએ કહ્યું કે તમારો પ્રશ્ન બહુ સુંદર છે.કારણ કે -તે ભાગવત ધર્મના સંદર્ભમાં છે.
આના સંદર્ભમાં નવ યોગેશ્વરો અને નિમિરાજાનો સંવાદ કહેવામાં આવે છે તે શ્રવણ કરો.

એક વખત વિદેહરાજ નિમિ ના દરબારમાં નવ યોગેશ્વરો પધારેલા.તે વખતે નિમિ રાજાએ તેમને પ્રશ્ન કર્યો કે-“પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે ?તેનું સાધન શું છે ? અમને ભાગવત-ધર્મનો ઉપદેશ કરો.”
આ સંસારમાં અર્ધી ક્ષણનો સત્સંગ પણ મનુષ્ય ને માટે પરમ નિધિ રૂપ બની જાય છે.કહ્યું છે કે-
ભગવાનમાં આસક્ત રહેવાવાળા સંતોનો ક્ષણભર પણ જો સંગ પ્રાપ્ત થાય તો,તેની તુલના
સ્વર્ગ કે મોક્ષ સાથે ના થઇ શકે.(એટલે કે સત્સંગ શ્રેષ્ઠ છે)

યોગેશ્વર કહેવા લાગ્યા કે –રાજા, શ્રવણ કરો.
આ જીવ અંશ છે અને પરમાત્મા અંશી છે.અંશીથી અંશ છુટો પડ્યો છે.
તે કેમ છુટો પડ્યો તે કહી શકાતું નથી,જેમ અજ્ઞાનનો ક્યારે આરંભ થયો-તે કહી શકાતું નથી તેમ.
આ જીવ એ કોઈ બીજા જીવનો અંશ નથી.જીવ પોતાના સ્વ-રૂપને ભૂલી ગયો છે.
અને તે વિચારે છે કે –હું કોઈ સ્ત્રીનો છું-કે કોઈ પુરુષનો છું.

જીવ એ માત્ર ઈશ્વરનો અંશ છે અને અંશ –અંશીમાં મળી જાય ત્યારે જ શાંતિ મળે છે .
જીવ પરમાત્માથી છુટો પડ્યો છે તે જ મહાદુઃખ છે.તે વિયોગરૂપી દુઃખ ત્યારે જ દૂર થાય જયારે –
જીવ પરમાત્મામાં મળી જાય.જીવ,ઈશ્વર સાથે એક બને ત્યારે કાળ તેનો નોકર બને છે.
પરમાત્માનો દૃઢ આશ્રય લીધા વિના જીવ નિર્ભય બની શકતો નથી.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE