Dec 16, 2020

ભાગવત રહસ્ય -૪૭૭

અગિયારમા સ્કંધમાં આગળ આવી ગયેલા એકથી દશ સ્કંધનો ઉપસંહાર છે.અગિયારમા સ્કંધમાં વર્ણવેલું જ્ઞાન,આગળના અધ્યાયો માં આવી ગયેલ કપિલગીતા,પુરંજન આખ્યાન,ભવાટવી નું વર્ણન વગેરેમાં વર્ણવેલ જ્ઞાનમાં આવી જાય છે.આ અગિયારમા સ્કંધમાં ઉપસંહાર રૂપે આગળનું બધું જ્ઞાન ફરીથી કહેવામાં આવ્યું છે.આમ અગિયારમો સ્કંધ એ ભગવાનનું મુખ છે,કે જેમાં જ્ઞાન ભરેલું છે.

આ ભાગવત-કથા રૂપી ગંગા પ્રગટ થઇ,એટલે ભાગીરથી ગંગાનો મહિમા ઘટ્યો છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરવા જવા માટે પૈસાની જરૂર પડે છે.પણ આ કૃષ્ણ-કથા રૂપી ગંગામાં 
સ્નાન કરવા માટે પૈસાની  જરૂર પડતી નથી. આ ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે.સુલભ છે.

કૃષ્ણકથા આપણને આપણા દોષનું ભાન કરાવે છે.કૃષ્ણકથા ઇન્દ્રિયોની શુદ્ધિ કરે છે.
કૃષ્ણ-કથાના શ્રવણથી પ્રભુનું ભજન કરવાની ઈચ્છા થાય છે.જેથી મનની શુદ્ધિ થાય છે.
શ્રીકૃષ્ણનું સ્મરણ-ચિંતન કરતાં,મન પ્રભુ સાથે મળી જાય છે એટલે એકાદશ સ્કંધમાં મુક્તિ લીલા છે.

મનમાં સંસાર હોય ત્યાં સુધી મન જીવે છે,મનમાં સંસાર ના રહે તો મન શાંત થાય છે.
મન પરમાત્મામાં મળી જાય તે જ મોક્ષ (મુક્તિ) છે.
મુક્તિ મનની છે,આત્મા તો સદા મુક્ત જ છે.જીવ પોતે અજ્ઞાનથી માને છે કે પોતે બંધાયેલો છે.
વાસ્તવિક રીતે જીવને કોઈએ બાંધ્યો નથી.જીવ વિષયોનું ચિંતન (મોહ) છોડી ઈશ્વરનું જ ચિંતન કરે તો
મુક્તિ જ છે.આ મોહ એ વિવેક,વૈરાગ્ય,તત્વજ્ઞાન વગેરેથી દૂર થાય છે.

અગિયારમા સ્કંધનો પહેલો અધ્યાય વૈરાગ્યનો છે.
સંસારનું સુખ જેને મીઠું લાગે છે,ત્યાં સુધી જ્ઞાન કાચું છે.ત્યાં સુધી ભક્તિ કાચી છે.
ભક્તિનો રંગ લાગે ત્યારે સંસારના સુખ પરથી સુગ (વૈરાગ્ય) આવે છે.અને આ
વૈરાગ્ય વગર જ્ઞાન આવતું નથી. વૈરાગ્ય- વિચાર કરવાથી આવે છે.

મનને સમજાવવાનું કે-તું જે પૈસાનું-સંસારસુખનું  ચિંતન કરે છે,એ તો ઝેર છે.આજ સુધી ઘણો 
અનુભવ કર્યો,પણ શાંતિ ક્યાં મળી છે?ઈશ્વર સિવાય સર્વ દુઃખરૂપ છે-સર્વ નિરર્થક છે.
આવા વિવેક વિના-આવા પવિત્ર વિચાર વિના વૈરાગ્ય આવતો નથી.

સત્-અસત્નો વિચાર કરવાથી વૈરાગ્ય થાય છે. વિવેક જાગે તો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
શ્રીકૃષ્ણ ના વૈરાગ્ય નું આ પહેલા અધ્યાય માં વર્ણન છે.
જીવ ને જયારે વૈરાગ્ય થાય ત્યારે જ તેને ખરી વસ્તુ સ્થિતિનું ભાન થાય છે.
જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગતો નથી ત્યાં સુધી વૈરાગ્ય આવતો નથી.

તુલસીદાસજી યુવાનીમાં પત્ની પાછળ બહુ આસક્ત હતા.પત્નીને પિયરમાં જવા દે નહિ.
એક દિવસે તે ઘરમાં હતા નહિ અને તેમની પત્નીના પિયરમાંથી તેડું આવ્યું.એટલે પત્ની પિયર ગયાં.
તુલસીદાસ ઘેર આવ્યા,જાણ્યું,અને પત્નીનો વિરહ સહન ના થવાથી,ચોમાસાની મધ્ય રાત્રિએ
મળવા નીકળ્યા.નદીમાં પુર આવ્યું હતું,શબને લાકડું સમજી તેના સહારે નદી પાર કરી સસરાના મકાન
પાસે આવ્યા અને સર્પને દોરડું સમજી તેના સહારે મકાનમાં દાખલ થયા ને પત્ની પાસે આવ્યા.

પત્નીએ કહ્યું-કે તમને શરમ આવતી નથી? જે શરીરની ચામડી કાઢી નાખી તેને જોવામાં આવે તો
ધૃણા થાય તેવા,મારા આ હાડ-માંસના શરીર પર તમે જેવો પ્રેમ કરો છો,તેવો પ્રેમ જો રામજી પર કરો
તો તમારું જીવન ધન્ય બની જશે.તમારું કલ્યાણ થશે.સંસારમાંથી મુક્તિ થઇ જશે. તુલસીદાસને 
આ સાંભળીને આંચકો (ધક્કો) લાગ્યો અને પોતાનું સમગ્ર જીવન રામજીની સેવામાં અર્પણ કર્યું.
શ્રીકૃષ્ણને પણ આ સંસારની પ્રવૃત્તિ બાધક લાગે છે,એટલે તે સર્વ છોડીને તે શયન કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE