Dec 15, 2020

ભાગવત રહસ્ય -૪૭૬

દશમ સ્કંધ ના અંતમાં વર્ણવ્યું છે –સુભદ્રાહરણ.ભદ્ર એટલે કલ્યાણ.કલ્યાણ કરનારી અદ્વૈત બ્રહ્મવિદ્યા –તે જ સુભદ્રા. સુભદ્રા (બ્રહ્મવિદ્યા) ક્યારે મળે? અર્જુનને ચાર મહિના તપશ્ચર્યા કરાવીને શ્રીકૃષ્ણ તેને સુભદ્રા આપે છે.અર્જુન ત્રિદંડી સંન્યાસ લે છે.(અઢાર કલાક રોજ જપ કરવાનો.) સર્વ કામનાઓનો ત્યાગ કરે છે પછી તેને સુભદ્રા (બ્રહ્મ-વિદ્યા) મળે છે.

તે પછી પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે –શબ્દ-રૂપ-વેદ –એ નિરાકાર બ્રહ્મનું કેવી રીતે પ્રતિપાદન કરે છે?
શુકદેવજી ત્યારે રાજાને “વેદ-સ્તુતિ” ની કથા સંભળાવે છે.

સૃષ્ટિના આરંભમાં શેષ-શૈયા પર સૂતેલા આદિનારાયણની વેદો સ્તુતિ કરે છે.અને પરમાત્માને જગાડે છે.
પરમાત્માનો જયજયકાર કરી માયાના બંધનમાંથી છોડાવવાની પ્રાર્થના કરે છે.
અનાદિકાળથી જીવ અને માયાનું યુદ્ધ અવિરતપણે ચાલ્યા કરે છે.માયા જીવને આ જગતના વિષયોમાં ફસાવી રાખે છે.માયા જીવને બતાવે છે કે-સ્ત્રીમાં,પુરુષમાં. પૈસામાં,સંસારમાં સુખ છે.માયા જીવને,ઈશ્વરની પાસે જવા દેતી નથી. એટલે કહે છે કે-અમારું માયાનું બંધન કાપી નાખો.

વેદો સગુણ અને નિર્ગુણ બંનેનું વર્ણન કરે છે.ઈશ્વર સાકાર-નિરાકાર –બંને રૂપે લીલા કરે છે.
ઈશ્વરને (બ્રહ્મને) આકાર નથી.એટલેકે તેને કોઈ મનુષ્ય જેવો પ્રાકૃત આકાર નથી.
મનુષ્ય સગુણ-સાકાર સાથે પ્રીતિ કરે ને નિર્ગુણ નિરાકારનો અનુભવ કરે –તો તેના પાપ છૂટે છે,
તેનો વ્યવહાર શુદ્ધ થાય છે.નિર્ગુણ અને સગુણ પરમાત્મા –એ બંનેનો (ઉભય-રૂપે) સાક્ષાત્કાર કરવાની
આજ્ઞા કરી છે. વેદો સ્તુતિ કરે છે-કે-

“નાથ, આ જગતમાં જે કાંઇ દેખાય છે,તે વાસ્તવિક રૂપે તમારું જ સ્વ-રૂપ છે. જેમ,રાજા પોતાના મહેલમાં રહે પણ તેની રાજ્ય-સત્તા રાજ્યમાં દરેક જગ્યાએ હોય છે.કે જેમ,માટીના પાત્રમાં માટી જ હોય છે.
એમ,આપ સર્વત્ર રહેલા છો.લૌકિક વસ્તુ નામ-રૂપ બદલે છે તેથી તે સત્ય નથી.આપ એક જ સત્ય છો.”

વેદો અંતમાં વર્ણન કરે છે કે-જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ હોવાથી,ઈશ્વરના કોઈ એક સ્વરૂપ નું વારંવાર-
ચિંતન,સ્મરણ,ધ્યાન અને દર્શન કરો.એકમાં મન ચોંટી જાય એટલે મનની શક્તિ વધે છે.અને પછી,
વિવેકથી મનને પરમાત્મા ના એક મંગલમય સ્વરૂપમાં સ્થિર કરો.

પછી શિવ-તત્વ અને વિષ્ણુ તત્વનું રહસ્ય સમજાવ્યું છે.
વેદસ્તુતિમાંથી વિદ્વાન મહા-પુરુષો પોતાના અનેક જાતના અભિપ્રાયો (વાદ)પ્રગટ કરે છે.
આરંભ-વાદ,પરિણામ-વાદ,વિવર્ત-વાદ વગેરે.અને તે સર્વ તે તે દ્રષ્ટિને અનુસરીને યોગ્ય છે.

જ્ઞાનમાર્ગમાં “નેતિ-નેતિ” કહી ને બ્રહ્મનું વર્ણન કર્યું,તો ભક્તિમાર્ગ માં “ઇતિ-ઇતિ” કહી વર્ણન કર્યું.
આ બંને નું લક્ષ્ય એક જ છે. આમ અહીં વેદ-સ્તુતિનો સંક્ષેપ કર્યો છે.

શ્રીકૃષ્ણે અગિયાર વર્ષ ગોકુળમાં લીલા કરી, ત્યાંથી મથુરા આવ્યા અને તે પછી દ્વારકા આવ્યા.
અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા અને ઉદ્ધવને જ્ઞાનોપદેશ આપીને સ્વ-ધામ પધાર્યા.
ભગવાનની લીલાઓ અનંત છે,ગુણો અનંત છે.

દશમ સ્કંધની સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રીકૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું છે.
શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરતાં કરતાં મન શ્રીકૃષ્ણમાં લય પામે છે.

દશમ સ્કંધ –સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE