Dec 30, 2020

ભાગવત રહસ્ય -૪૯૧ (સ્કંધ-૧૨)

આગળનો સ્કંધ -૧૧ એ શ્રીકૃષ્ણ નું જ્ઞાન-સ્વ-રૂપ છે અને આ સ્કંધ-૧૨ એ પ્રેમ-સ્વ-રૂપ છે.જ્ઞાન અને પ્રેમ ,અંતે તો એક જ છે.જેને પરમાત્માનું જ્ઞાન થાય છે તે જ પરમાત્માને પ્રેમ કરી શકે છે.અને તેવી જ રીતે-જેને પરમાત્મા સાથે પ્રેમ થાય છે તેને જ પરમાત્માનું જ્ઞાન મળી શકે છે.જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તે પરમાત્માના ચરણમાં-આશ્રયમાં રહે છે,મુક્ત બને છે.સ્કંધ-૧૧ માં મુક્તિ-લીલા છે.મુક્ત જીવો પરમાત્માના આશ્રયમાં રહે છે.એટલે બારમા સ્કંધમાં –આશ્રય-લીલા છે.

પરીક્ષિત પ્રશ્ન કરે છે કે-હવે આ પૃથ્વી પર કોનું રાજ થયું અને કોનું રાજ્ય થશે તે મને બતાવો.
શુકદેવજી કહે છે કે-જરાસંઘના પિતા બૃહદ્રથ ના વંશમાં છેલ્લો રાજા થશે પુરંજય.
તેના મંત્રીનું નામ હશે શુનક.તે પોતાના સ્વામીને મારીને પોતાના પુત્ર પ્રદ્યોતને ગાદી પર બેસાડશે.
તે પછી ભરતખંડ માં નંદ,ચંદ્રગુપ્ત-વગેરે અનેક રાજાઓ થશે.તે પછી અશોક નામનો રાજા રાજ કરશે.
ત્યાર પછી આઠ યવન અને દશ ગોરા રાજાઓ રાજ કરશે.
(ભાગવતમાંની આ ભવિષ્યવાણી જિજ્ઞાસુએ વાંચવા જેવી છે-અહીં સંક્ષિપ્ત કર્યું છે)

જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ વર્ણાશ્રમ છિન્ન-ભિન્ન થશે.     
કળિયુગના લોકો જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યા વગર લગ્ન કરશે તેથી પ્રજા વર્ણશંકર થશે.
કળિયુગના દુષ્ટ રાજાઓ ભારતના ટુકડાઓ કરી ભારત ને છિન્ન ભિન્ન કરી નાખશે.ગાયોનો વધ કરશે.
રાજાઓ રક્ષક નહિ પણ ભક્ષક થશે.

કળિયુગના સન્યાસીઓ મોટા મોટા આશ્રમો,મંદિરો અને બંગલાઓ બનાવશે.બ્રાહ્મણો વેદ-સંધ્યાહીન થશે.
કળિયુગની સ્ત્રી અતિ કામી અને જુઠ્ઠું બોલનારી થશે.પુરુષો સ્ત્રીને વશ (આધીન) રહેશે.
કળિયુગમાં કુટુંબ નું ભરણ પોષણ એ જ ચતુરાઈ ગણાશે.કીર્તિ માટે જ ધર્મનું સેવન કરવામાં આવશે.
(ભાગવતમાં કળિયુગ વિષેનાં જે લક્ષણો બતાવ્યાં છે તે મહદ અંશે સાચાં દેખાય છે.તે જમાનામાં
અસંખ્ય વર્ષો પહેલાં કળિયુગની આગાહી કરનાર માટે માન થયા વિના રહેતું નથી)

શુકદેવજી કહે છે –રાજન,કળિયુગ પુરો થવા આવશે 
એટલે ભગવાન ધર્મનું રક્ષણ કરવા “કલ્કિ” અવતાર ધારણ કરશે.
પૃથ્વી ઉપર અનેક રાજાઓ થઇ ગયા પરંતુ બધા નાશ પામ્યા છે.
તો તે ઉપરથી મનુષ્યે બોધ લઇ સ્વાર્થ માટે કોઈ પ્રાણીનો દ્રોહ ના કરવો.

બારમા સ્કંધમાં કળિયુગના દોષો અને તેનાથી બચવાના ઉપાયો બતાવ્યા છે.
મોટામાં મોટો ઉપાય છે,ભગવાનના “નામ” નું સંકીર્તન.
કળિના દોષ અનેક છે પણ પણ તેનો એક મોટો સદગુણ એ છે કે-તે શ્રીકૃષ્ણ થી ડરે છે.
જે ઘરમાં કૃષ્ણ-કીર્તન થાય ત્યાં કળિ પ્રવેશી શકતો નથી.
આ કલિકાળમાં નામ સંકીર્તન સિવાય બીજું કાંઇ થઇ શકતું નથી.તેના સિવાય 
સંસાર-સાગર તરવાનો બીજો કોઈ ઉપાય નથી. કાળ બહુ બગડ્યો છે,સારો સત્સંગ મળતો નથી.

શુકદેવજી કહે છે-સતયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાથી જે મુક્તિ મળતી,
ત્રેતાયુગમાં મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરવાથી અને
દ્વાપરયુગ માં વિધિપૂર્વક વિષ્ણુની સેવા કરવાથી જે ફળ મળતું,
તે ફળ કળિયુગના નામ સંકીર્તનથી મળે છે.ભગવાનના જપ કરવાથી મળે છે.
મરતી વેળાએ લોકોએ પરમેશ્વરનું ધ્યાન કરવું એટલે પ્રભુ તેને પોતાના સ્વરૂપમાં લઇ જાય છે.
હે રાજન તમે મરવાની તૈયારીમાં છો,તમારા હૃદયમાં કેશવને સ્થાપી દો એટલે પરમ ગતિને પામશો.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE