Aug 17, 2021

Gujarati-Ramayan-Rahasya-46-ગુજરાતી-રામાયણ-રહસ્ય-46

આ રીતે વિધિપૂર્વક એકાદશી ના થાય તો પણ પોતાની મર્યાદા અનુસાર મહિનામાં એક-બે દિવસ અન્નનો ત્યાગ કરીને દૂધ કે ફળ પર રહી શકાય.આરોગ્યની દૃષ્ટિ એ પણ આ વ્રત આવશ્યક છે.આજકાલ લોકો ડોક્ટરો પર બહુ વિશ્વાસ કરે છે પણ વાલ્મીકિ જેવા ઋષિ-મુનિઓ પર વિશ્વાસ નથી કરતા.ડોક્ટર કહે કે-ટાઈફોઈડ થયો છે ને એકવીસ દિવસ અનાજ ખાવાનું નથી તો એને લોકો માનશે.પણ જો સંતો કહે કે-શરીરના,મનના અને આંતરિક સ્વાસ્થ્ય માટે એકાદશી કરો તો કોઈ માનતું નથી.અને આવી એકાદશીઓ ના કરનારને ભગવાન એકી સામટી ૨૧ એકાદશીઓ ઉપર મુજબ કરાવે છે

અયોધ્યામાં કૌશલ્યા માતાજીની ગોદમાં રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું,
તે પછી કૈકેયીએ ભરતને જન્મ આપ્યો અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ આપ્યો.
પુત્રોના જન્મ થયાને અગિયાર દિવસ વીત્યા પછી બારમે દિવસે વશિષ્ઠજી એ ચારે પુત્રોનો
નામ-સંસ્કરણ કર્યો.વશિષ્ઠજીએ દિવ્ય દૃષ્ટિથી ચારેના ગુણ જોઈને ચારેના નામ પાડ્યાં.

યોગીઓ જેમાં રમે છે અને સર્વને જે રમાડે છે તે રામ,જેનામાં દિવ્ય લક્ષણો છે તે લક્ષ્મણ,
રામજીના પ્રેમથી જે જગતને ભરી દે છે તે ભરત. અને શત્રુઓનો નાશ કરે તે શત્રુઘ્ન.
જેના જેવા ગુણ તેવા તેના નામ. જો કે ભગવાન તો નિર્ગુણ છે,તેમને નામ શું?
પણ સગુણ થયા છે એટલે નામ તો જોઈએ.સગુણ ભગવાન ગુણોના ભંડાર છે,તેમના કયા એક ગુણ
પરથી નામ આપી શકાય? રામ એટલે ॐ .બ્રહ્મનું પ્રતિક ॐ છે.એટલે રામ પણ બ્રહ્મનું પ્રતિક છે.

આ પછી દશરથ રાજાએ પોતાના ચારે પુત્રો જેમ જેમ મોટા થતા ગયા,તેમતેમ યથા સમયે
જાતકર્મસંસ્કારથી ઉપનયન સંસ્કાર સુધીના સર્વ સંસ્કારો વશિષ્ઠજીની સલાહ ને સંમતિથી કર્યા.
આજકાલ તો બધા સંસ્કારો ભૂલાઈ ગયા છે.એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે.
અન્નપ્રાસન,નામકરણ,ઉપનયન..વગેરે સોળ સંસ્કારો છે.સંસ્કારથી મન શુદ્ધ થાય છે,દોષ દૂર થાય છે.
પણ સંસ્કારોનો લોપ થતો જાય છે.ધાર્મિક વિધિને મહત્વ આપવામાં આવતું નથી.
કેવળ લૌકિક વિધિને જ મહત્વ અપાય છે.ગોર મહારાજને કહેવામાં આવે છે કે –મહારાજ વિધિ જરા
જલ્દી પતાવાજો,અમારે વરઘોડો ત્રણ કલાક ગામમાં ફેરવવાનો છે.
વરઘોડાના ત્રણ કલાક છે પણ વિધિનો સમય નથી.વિધિમાં પણ દેવી-દેવતાના આશીર્વાદ લેવાનો
પણ સમય નથી,વિધિમાં વચ્ચે મિનિસ્ટર કે કોઈ બડે-ખાં આવી જાય તો વર-કન્યા ચોરીમાંથી ઉઠી
તેમની જોડે ફોટો પડાવવા દોડે છે.આમ,બાકી રહેલા એક પરણવાના સંસ્કારમાં પણ કોઈને શાંતિ નથી.

રામ શ્યામ છે ને લક્ષ્મણ ગોરા છે.એમની જોડી એવી સુંદર છે કે માતાઓને બીક લાગે છે કે તેમને 
કોઈની નજર લાગી ના જાય.તેમની નજર ઉતારી ને પારણામાં સુવડાવી દે છે.કે ગોદમાં લઈને હુલાવે છે.
કૌશલ્યા તો રામજી ને જોઈ ને ધરાતાં જ નથી.એમના લાલ ચરણકમળના નખની શોભા જોઈ એમનાં નેત્ર 
ત્યાં જ ઠરી રહે છે.જળભર્યા મેઘ જેવો એમના શરીરનો વાન જોઈ કૌશલ્યા બોલી ઉઠે છે કે-કેવો રૂપાળો છે!

કૌશલ્યાજી એ રામજીને કેડે કંદોરોને પગમાં ઝાંઝર પહેરાવ્યાં છે.ડોકમાં ને વિશાળ ભુજાઓ પર આભૂષણો
પહેરાવ્યા છે,છાતી પર મણિની માળા છે.અને જોતાં જ મન લોભાય તેવો રામજીનો કંઠ ત્રણ રેખાઓથી સુશોભિત છે.હડપચી પણ ઘણી જ સુંદર છે.રામજીની દંતાવલી,લાલ હોઠ,નાસિકા અને તિલકનું તો
કોણ વર્ણન કરી શકે?તેમની કાલીઘેલી બોલી સહુને પ્રિય લાગે છે.એમના વાંકડિયા પણ સુંવાળા વાળ
માતાએ ગૂંથીને વ્યવસ્થિત કર્યા છે તેમ છતાં કપાળ પર વાળની એક બે લટો રમે છે.
શરીર પર પીળું ઝભલું પહેરાવ્યું છે,અને રામજી ભાખોડિયાં ભેર ચાલે છે ત્યારે સર્વને એ બહુ જ ગમે છે.
કૌશલ્યા તો રામજીની આ બાળલીલા જોવામાં મગ્ન રહે છે,રાત-દિવસનું એમને ભાન રહેતું નથી.

એકવાર કૌશલ્યા એ રામને નવડાવી,શણગારી અને પારણામાં સુવાડી દીધા.
તે પછી પોતે સ્નાન કરી અને ભગવાનની પુજા કરી તેમને નૈવેદ્ય ધરાવ્યું અને પછી પોતે રસોડામાં
રસોઈ કરવા ગયાં.કૌશલ્યા ઘરમાં અનેક દાસ-દાસીઓ હોવાં છતાં રસોઈ જાતે જ બનાવતાં.
રસોઈ બનાવી કૌશલ્યા બહાર આવે છે અને પૂજાના કમરામાં જોયું તો ત્યાં આગળ લાલો ઇષ્ટદેવને ધરાવેલું નૈવેદ્ય ખાતો હતો.કૌશલ્યાને આશ્ચર્ય થયું,કે લાલાને તો મેં પારણામાં સુવાડી દીધેલો તો પછી ત્યાંથી એણે જગાડીને અહીં કોણ લાવ્યું?લાલાની ઊંઘ કોને બગાડી? ભયભીત થઈને તેઓ આસપાસ જોવા લાગ્યા ને જ્યાં લાલાના પારણામાં જોયું તો લાલો ત્યાં ઊંઘતો હતો.ફરીથી તે દોડતાં પૂજા ઘરમાં આવ્યા 
તો ત્યાં લાલો હજુ નૈવેદ્ય ખાતો હતો.

કૌશલ્યા વિચારમાં પડી ગયા કે-પારણામાં સૂતેલો લાલો સાચો કે નૈવેદ્ય ખાય છે તે લાલો સાચો?
હું બે જગ્યાએ લાલા ને જોઉં છું તો શું મને મતિભ્રમ થયો છે?કે બીજું કોઈ કારણ હશે ?
માતાને આમ મૂંઝાયેલા જોઈ લાલાએ ડોક ફેરવી અને માતાજીની સામે જોયું અને હસી લીધું.
એ જ ભુવન-મોહન-મોહક સ્મિત કે જે સ્મિતને જોવા ઋષિ-મુનિઓ હજારો વર્ષની તપસ્યા કરે છે,
છતાં જોવા પામતા નથી,જ્ઞાનીઓ થોથાં ફેંદે છે,પણ એનો ભાસ સરખો થતો નથી.
એ જ સ્મિત જોઈને કૌશલ્યા સ્થળ-કાળનું ભાન ભૂલી ગયા છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE