Aug 18, 2021

Gujarati-Ramayan-Rahasya-47-ગુજરાતી-રામાયણ-રહસ્ય-47

અતિ દુર્લભ એવા રામજીના સ્મિતમાં,કૌશલ્યાને ભગવાનના વિરાટ સ્વ-રૂપનાં દર્શન થાય છે.
શ્રીરામના રોમ રોમમાં તેમણે કરોડો બ્રહ્માંડો જોયાં.એ વિરાટ સ્વરૂપમાં અસંખ્ય સૂર્ય,ચંદ્ર,શિવ,બ્રહ્મા,પર્વતો નદીઓ,સમુદ્રો,પૃથ્વી,વન,કાળ,ગુણ, જ્ઞાન અને સ્વભાવો જોયાં.
ભયભીત થઇને ભગવાનની સામે હાથ જોડી ઉભેલી માયાને જોઈ.માયાના નચાવતા જીવો જોયા ને માયાના પાશમાંથી છોડાવતી ભક્તિને પણ જોઈ.એ જોઈને તેમને રોમાંચ થયો,એમના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ.એમની આંખો મીંચાઈ ગઈ,અને પ્રભુ ચરણમાં માથું નમાવ્યું.બીજી જ પળે પ્રભુએ બાળ-સ્વરૂપ ધારણ કરી લીધું અને મા મા કરીને કૌશલ્યામાના ખોળામાં જઈ બેસી ગયા.

શ્રીરામ હવે થોડા મોટા થયા છે,અને બંને પગ પર ઉભા થઇ ચાલે છે.“ઠુમક ચલત રામચંદ્ર.....”
ચારે ભાઈઓ દશરથ રાજાના આંગણામાં રમતા રમતા કિલ્લોલ કરી મૂકે છે.ભોજનનો સમય થાય 
અને દશરથ રાજા શ્રીરામને બોલાવે છે,તો પણ રમવામાં મગ્ન રામજી આવતા નથી.
ત્યારે રાજા કૌશલ્યાને કહે છે કે તમે જ જઈને બોલાવી લાવો.

કૌશલ્યા મા બોલાવવા જાય છે,ને રામજી ઠુમક..ઠુમક કરતા આગળ આગળ દોડે છે.ને નાસી જાય છે.
કૌશલ્યા જબ બોલન જાઈ,ઠુંમુક ઠુમક પ્રભુ ચલહિ પરાઈ.
કૌશલ્યા રામને પકડવા દોડે છે અને દોડતાં દોડતાં થાકી જાય છે ને પડી જાય છે,ત્યારે રામજી તેમની સામે જુએ છે, અને સામે આવીને પકડાઈ જાય છે.એમનું શરીર ધૂળવાળું છે,પણ મા વહાલથી ગોદમાં લઇ લે છે ને રાજાની પાસે લઇ જાય છે,ધૂળવાળા શરીરે જ રામજી હસતા હસતા પિતાના ખોળામાં બેસી જાય છે.પિતાજી એમને કોળિયા કરી ખવડાવે છે,પણ એક બે કોળિયા ખાધા ન ખાધા ,ને દહીં ભાતથી ખરડાયેલા મુખે જ રામજી પાછા રમવા ભાગી જાય છે.શ્રી રામની આવી લીલાથી રાજા નું હૃદય પુલકિત થઇ જાય છે.

આ લીલાનું રહસ્ય એવું છે કે-શ્રીરામ રાજાના બોલાવ્યા આવતા નથી,કારણકે રાજા એ વૈભવ,ઐશ્વર્યનું સૂચક છે,કે જેને રાજસિક ભાવના પણ કહી શકાય.રાજસિક ભાવનાના બોલાવ્યા શ્રીરામ કદી ના આવે.તેથી રાજા કૌશલ્યા (ભક્તિ-સ્વરૂપ) નો આશરો લે છે.ભક્તિ દ્વારા જ રામ આવે છે.ભક્તિ યે પ્રભુની પાછળ દોડીને થાકે છે,શ્રમિત થાય છે,ત્યારે પ્રભુ એની સામે જુએ છે.ને જાતે પકડાય છે.

ભક્તિ શ્રમિત થઇ પોતાની અસમર્થતા જાહેર ના કરે ત્યાં સુધી પ્રભુ કૃપા કરતા નથી.
ભક્ત કહે કે-પ્રભુ હું અસમર્થ છું,તુ દયા કર. ત્યારે પ્રભુ દયા કરે છે.
કૌશલ્યા રામજીનું શરીર ધૂળવાળું છે કે કેવું છે તે જોતાં નથી.જુએ તો પ્રભુને કેમ ગોદમાં લઇ શકે ?
બહિરંગ પદાર્થમાં આસક્તિ હોય ત્યાં સુધી પ્રભુને પ્રાપ્ત કરવાનો અધિકાર આવતો નથી.
કૌશલ્યા પ્રભુને પકડવા દોડ્યા તે સાધનાનું પ્રતિક છે.ને શ્રમિત થયાં,પડી ગયાં એ દીનતાનું પ્રતિક છે.
જે દીન છે તેના પર પ્રભુની કૃપા થાય છે,ભક્તિની સાથે દીનતા જોઈએ.

ભગવાન સર્વ દોષની ક્ષમા કરે છે પણ અભિમાનની ક્ષમા નથી કરતા.
અભિમાન કરવા જેવું આપણી પાસે છે પણ શું?આ જગતમાં રાય રંક બને છે ને રંક રાય બને છે 
તેવાઅસંખ્ય દાખલાઓ આપણે જોઈએ છીએ.લાખની રાખ થતાં વાર લાગતી નથી.પછી અભિમાન કેવું?

શ્રીકૃષ્ણની બાળલીલા અતિ સુંદર છે.શ્રીમદ ભાગવતનો દશમ સ્કંધ તે બાળલીલાનો ગ્રંથ છે,અને સમગ્ર ભાગવતનું લક્ષ્ય દરેક જીવને બાળલીલા અને રાસલીલા સુધી પહોંચાડી પરમાત્મા સાથે મિલન કરાવવાનું છે. શ્રીકૃષ્ણની લીલા અતિ મધુર છે.પણ રામાયણમાં તેવું નથી.
રામજીની બાળલીલા બહુ નથી.પણ તેમનું “નામ” અતિ સુંદર-મધુર છે.

રામજીની બાળલીલામાં પણ ઘણી મર્યાદા હતી.રમતમાં પણ શ્રીરામ નાના ભાઈનું મન કદી દુભવતા નહિ.
ઘણી વખતે તે નાના ભાઈઓ નું મન ના દુભાય એ બીકે રમતમાં તે નાના ભાઈઓને જીતાડતા 
અને પોતે જાણી જો ને હારતા.અને ભાઈઓને ખૂબ માન આપતા.

રામજીનો લક્ષ્મણ પર એવો પ્રેમ હતો કે,તેઓ તેમનાથી કદી છૂટા પડતા નહિ.સુતી વખતે જમતી વખતે –દરેક વખતે બંને સાથે જ હોય.લક્ષ્મણજી જાણે તેમનો બીજો પ્રાણ હોય તેવો તેમનો પ્રેમ હતો.લક્ષ્મણજીને પણ રામ પર અપાર પ્રીતિ હતી.રામજી ઘોડેસવાર થઇને વનમાં મૃગયા રમવા જાય ત્યારે લક્ષ્મણજી ધનુષ્યબાણ લઇને એમની પાછળ પાછળ જતા.રામ-લક્ષ્મણના પ્રેમ જેવો જ –ભરત-શત્રુઘ્નનો પ્રેમ હતો.
ચારે ભાઈઓના આવા પ્રેમને જોઈને દશરથ રાજા અત્યંત પ્રસન્ન થતા હતા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE