Aug 21, 2021

Gujarati-Ramayan-Rahasya-50-ગુજરાતી-રામાયણ-રહસ્ય-50

શ્રીરામ વશિષ્ઠજીને કહે છે કે-મારું મન આ રાજવૈભવમાંથી ઉઠી ગયું છે.આ જીવનનો કોઈ ભરોસો નથી.સંસાર અનિત્ય છે છતાં મનુષ્યને આ સંસારનો મોહ છે.આ શરીર જેવી નકામી કોઈ ચીજ નથી,છેવટે તો તે મોતનો કોળિયો બને છે.
કાળ બહુ ક્રૂર છે,તે કોઈની પર દયા કરતો નથી.મને તો આ સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી.ક્યાં શાંતિ દેખાતી નથી.પિતા-પુત્ર,પતિ-પત્ની,બંધુ-સખા-વગેરે એવો જગતનો સંબંધ કેવળ કાલ્પનિક છે.સાચો સંબંધ ઈશ્વર સાથે છે.અનિત્ય જગને સાચું માનીને મનુષ્ય ફસાયો છે.પણ જીવન ક્ષણમાં ક્યારે પુરુ થઇ જશે તે કહી શકાતું નથી.એટલે બાજી હાથમાંથી જાય તે પહેલા ચેતવાની જરૂર છે.જેને લોકો વિષ કહે છે તે વિષ નથી પણ વિષયો જ વિષ જેવા છે.

વશિષ્ઠજી એ તે પછી રામને ઉપદેશ કર્યો કે-હે રામ, તમે રાજમહેલ છોડી જંગલમાં જશો તો ત્યાંય પણ ઝૂંપડીની તો જરૂર પડશે.સારાં કપડાંનો ત્યાગ કરશો તોપણ લંગોટીની જરૂર પડશે.સારું ખાવાનું છોડી દેશો તેમ છતાં કંદમૂળ વગેરે તો શરીર ટકાવવા ખાવાં જ પડશે.માટે રાજ્ય છોડવાની જરૂર નથી,ત્યાગ બહારથી કરવાનો નથી પણ અંદરથી કરવાનો છે.વૈરાગ્ય અંદરનો હોવો જોઈએ.માટે, હે રામ,તમે અંદરથી સર્વને ત્યાગીને બહારથી શરીરધારી થઇને રહો. અંદરથી એક-રૂપે અને બહારથી અનેક રૂપે આ લોકમાં વિહરો.

ઘર એ બાધક નથી પણ ઘરની આસક્તિ એ બાધક છે.સંસાર ત્યાગ કરી ને સાધુ થવાની જરૂર નથી પણ સરળ થવાની જરૂર છે.સુખ-દુઃખ એ તો મનના ધર્મો છે,મન માને તો સુખ ને ના માને તો દુઃખ.
સુખ-દુઃખની પીડા મને ઉભી કરેલી છે.બાકી સુખ અને દુઃખ બંને ખોટું છે.બંને અનિત્ય છે,બંને અસત્ય છે. આત્મા સુખ-દુઃખથી પર છે,આનંદ-રૂપી છે.તમે શરીર નથી,મન કે બુદ્ધિ પણ નથી.
તમે શુદ્ધ ,બુદ્ધ છો ,સત્ય છો અને આનંદ છો.

મનુષ્યે જન્મ ધારણ કરીને પ્રારબ્ધ ભોગવવાનું છે,ભગવદ-ઈચ્છા સમજીને એ ભોગવવાનું,અને હર્ષ-શોક નહિ માનવાનો.સુખ-દુઃખ નહિ માનવાનું.એમ કરવાથી મનની આસક્તિ છૂટી જશે,
માણસ બહારથી ત્યાગ કરે અને મનથી ભોગવતો રહે તો એ ત્યાગ એ ત્યાગ નથી.એ તો દેખાવ થયો.
અને તેમ કરવાથી તો તે વધારે ને વધારે બંધાતો જાય છે.સંસારનો ત્યાગ કરી સાધુ થવાથી સંસાર છૂટતો નથી,પણ સંસારનો મનમાંથી ત્યાગ કરવાથી સંસાર છૂટે છે.
 
વશિષ્ઠજીના આવા ઉપદેશથી શ્રીરામના મનને ખૂબ શાંતિ થઇ.

હવે વિશ્વામિત્ર રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ કેવી રીતે થયા તેની કથા આવે છે.
કુરુ વંશમાં ગાધિ નમન એક રાજા થઇ ગયા .વિશ્વામિત્ર તેમના પુત્ર હતા.
એક વખત તે પોતાના લાવ લશ્કર સાથે રાજ્યનું અવલોકન કરવા અને રૈયતના સુખ-દુઃખ નિહાળવા
નીકળ્યા હતા.ત્યારે ફરતાં ફરતાં તે વશિષ્ઠના આશ્રમે આવ્યા.
ત્યારે વશિષ્ઠે તેમનો સારી રીતે સત્કાર કર્યો.અને રાત રોકાઈ જવા નો આગ્રહ કર્યો.

મહારાજની એવડી મોટી સેનાને ઉત્તમ પ્રકારે ભોજન કરાવવાનો વશિષ્ઠે નિર્ણય કર્યો.તેમની પાસે એક શબલા નામે એક ગાય હતી.તે કામધેનુ હતી.માલિકની સઘળી ઈચ્છા પુરી કરે તે કામધેનુ.
વશિષ્ઠે કામધેનુંને પ્રાર્થના કરી કે –હે ગૌમાતા મારા મહેમાનો ખુશ થઇ જાય તેવાં ભાવતાં ભીજનો પેદા કરો.
અને જોત જોતામાં તો કામધેનુ એ ભાતભાતનાં ભોજનના થાળ ભરી દીધા.મહેમાનો તૃપ્ત થયા.

પરંતુ વિશ્વમિત્ર ને આશ્ચર્ય થયું કે આવા જંગલમાં આટલી બધી સગવડ કેવી રીતે થઇ ગઈ?
તપાસ કરતા તેમણે કામધેનુની ખબર પડી.એટલે વિશ્વામિત્રે વશિષ્ઠ પાસે કામધેનુની માગણી કરી.
વશિષ્ઠે તરત જ ના પાડી દીધી.ગર્વિષ્ઠ વિશ્વામિત્રે ખૂબ ધનની લાલચ આપી પણ વશિષ્ઠ એક ના બે ના થયા.
ત્યારે વિશ્વામિત્ર બળજબરીથી ગાયને લઇ જવાનો પ્રયત્ન કર્યો.

ત્યારે કામધેનુ એ અનેક યોદ્ધાઓ પેદા કરી ને વિશ્વામિત્રની સેનાનો સંહાર કર્યો.
વિશ્વમિત્રના સો પુત્રો એક સાથે વશિષ્ઠ પર ધસી આવ્યા ત્યારે વશિષ્ટે એક માત્ર હું કાર કરીને
વિશ્વામિત્રના એક પુત્ર સિવાય બધાયને ય બાળીને ભસ્મ કરી દીધા.
દુઃખી ને નિરાશ થઇ ને વિશ્વામિત્ર પોતાના નગરમાં પાછા આવ્યા.પણ રાજકાજમાંથી તેમનું મન હવે ઉઠી ગયું.અને પોતાના એક માત્ર પુત્રને ગાદી આપી અને વનમાં તપ કરવા ગયા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE