Sep 2, 2021

Gujarati-Ramayan-Rahasya-61-ગુજરાતી-રામાયણ-રહસ્ય-61

આવા જનક અંતરમાં ઊંડા ઉતરીને પોતાના અંતરની (મનની) પરીક્ષા કરે છે,
“હું ઉઘાડી આંખે જગત જોઉં છું પણ કશાથી મારું મન આકર્ષાતું નથી,પણ આ કુમારોને જોઈને મારું મન આકર્ષાય છે,માટે તે ભૌતિક સૃષ્ટિના માનવો હોઈ ના શકે! મારું મન ઈશ્વર સિવાય બીજું કોઈ આકર્ષી ના શકે! એટલે જરૂર આ પરમાત્મા છે.

'સહજ બિરાગ રૂપ મન મોરા,ચકિત હોત જિમિ ચંદ્ર-ચકોરા'
મારું મન “સહજ” વૈરાગી છે,પણ એવું સહજ “વૈરાગી” મન પણ આજે જેમ ચંદ્રને જોઈ ચકોર મુગ્ધ થાય તેમ 
આ કુમારોને જોઈ ને મુગ્ધ થાય છે.એટલે મને ખાતરી થાય છે કે-વેદ જેને “નેતિ નેતિ” કહી ને પોકારે છે,એ જ સાક્ષાત પરમાત્મા અહીં માનવ રૂપે પ્રગટ થયા છે.એંને જોતાં જ મારું મન અત્યંત પ્રેમથી પરવશ થઇ જાય છે.

જનક રાજા ને પોતાના મન પર કેવો અત્યંત દૃઢ વિશ્વાસ છે.!!
દુષ્યંત-શકુંતલાનું પ્રથમ મિલન કણ્વ-ઋષિના આશ્રમમાં થાય છે.ત્યારે દુષ્યંત પૂછે છે કે-
“તમે કોણ છો?કોની કન્યા છો?” ત્યારે શકુંતલા કહે છે કે-હુ કણ્વ-ઋષિની કન્યા છું.
ત્યારે દુષ્યંત તે વાત માનવાની ના પાડે છે.એ કહે છે કે-તને જોયાં પછી મારું મન ચંચળ થાય છે,એટલે તું ઋષિ-કન્યા નથી (જે સાચું છે-શકુંતલા કણ્વની પાલક પુત્રી હતી) મારું મન પવિત્ર છે,બ્રાહ્મણની કન્યા એ મારે મન માતા સમાન છે,એને જોઈ મારું મન ચંચળ થાય નહિ,તેથી તું મારી જાતની (ક્ષત્રિયની) કન્યા છે.
દુષ્યંતની વાત સાચી હતી.કવિ કાલિદાસ કહે છે કે-
અંતઃકરણ (મન) ખોટું બોલે નહિ,અંતઃકરણની પ્રવૃત્તિ એજ મનનું મોટામાં મોટું પ્રમાણ છે.

વિશ્વામિત્ર સમજી ગયા કે-જનકરાજાએ રામને ઓળખી લીધા છે,એટલે એમને બીક લાગી કે પરમાત્માના પ્રાગટ્યની વાત જો આમ જાહેર થઇ જાય તો,હજુ તેમને જે લીલાઓ કરવાની છે તે બાકી રહી જાય.
એટલે તેમણે વાત બદલી નાંખી અને ઝટપટ બોલી નાખ્યું કે-તમારું કહેવું સાચું છે તે પરબ્રહ્મ છે.
પણ તરત જ વાતને દાબી દેવા કહ્યું કે-જગતમાં જેટલાં પ્રાણીઓ છે એ સહુના તેઓ પ્રિય છે,
એટલે એ તમારા પણ પ્રિય હોય અને તમારું મન આકર્ષાય એમાં કોઈ નવાઈ નથી.

વિશ્વામિત્રની આવી માર્મિક વાણી જોઈ રામજી એમની સામે જોઈને મલકાયા.હસીને એમણે મુનિને ચેતવી દીધા,કે –રહસ્ય ખુલ્લું કરશો નહિ.મારે જાહેર થવું નથી.પ્રભુ ગુપ્ત રહેવાનું પસંદ કરે છે (જયારે મનુષ્ય ને જાહેર થવું ગમે છે) ઈશ્વરે દુનિયામાં કેટલી બધી ચીજો જેમકે-ફળ,ફુલ ઝાડ –વગેરે બનાવ્યું છે 
પણ ક્યાંય કોઈ ચીજપર પોતાનું નામ લખ્યું નથી.

શ્રીકૃષ્ણ પાંડવોની સાથે રહે છે પણ પણ પાંડવો પ્રભુને ઓળખી શક્યા નથી. ધર્મરાજાના યજ્ઞમાં એંઠા પતરાવળા ઉપાડે છે ત્યારે ધર્મરાજા સમજે છે કે-ફોઈના દીકરા છે,વહાલા સગા છે એટલે મારું સઘળું કામ કરે છે તેમાં શું નવાઈ? પ્રભુ તો કહે છે કે-હું તો માખણ ચોર છું જેના મનની ચોરી કરું,એ જ મને ઓળખી શકે. ધર્મરાજાની સભામાં નારદજી શ્રીકૃષ્ણની ઓળખાણ આપવાનો પ્રયત્ન કરે છે,અને કહે છે કે- “અયમ બ્રહ્મ” 
'આ રહ્યા બ્રહ્મ' પણ પ્રભુને તે પસંદ નથી એટલે નારદને તે રોકે છે.તે જ રીતે આજે વિશ્વામિત્રજીને રામ રોકે છે.
“મારી ઓળખ આપશો નહિ” મનુષ્યનો અવતાર ધારણ કર્યા પછી પ્રભુ માનવીની મર્યાદાનો સ્વીકાર
કરે છે,સૃષ્ટિના ભલા માટે નરાવાતાર ધારણ કર્યો છે,પોતાની બડાશ કરવા માટે નહિ.

પછી વિશ્વામિત્રે જનકરાજાને કહ્યું કે-તેઓ દશરથ રાજાના પુત્રો છે,મારા યજ્ઞની રક્ષા માટે તેમને હું અયોધ્યાથી લઇ આવ્યો હતો,અને યજ્ઞની રક્ષા તેમણે ખૂબ સુંદર રીતે કરી.
વિશ્વામિત્રે આમ સાચો પરિચય આપ્યો,તેમ છતાં જનક રાજાને એક શ્યામ અને એક ગૌર –એવા બે ભાઈઓને જોતાં એમનું મન ધરાતું નહોતું.એમને હવે બીજા કોઈ પ્રમાણની જરૂર હવે નહોતી.

'સુંદર શ્યામ ગૌર દોઊ ભ્રાતા,આનંદ હૂ કે આનંદ દાતા'
એક ગોરો અને એક શ્યામ એવા આ સુંદર ભાઈઓ,એક વાતે બંને એક છે-અને તે એ કે-બંને આનંદ ને આપનાર છે.જનકરાજા કહે છે કે-વિશ્વામિત્રજી,તમે ભલે કહો,કે દશરથરાજાના પુત્ર છે,પણ મારું મન સાક્ષી પૂરે છે કે-એ કોઈના પુત્ર નથી પણ પોતે જ પરમ પિતા-સ્વ-રૂપ પરમાત્મા છે.મારું મન કહે છે કે નિરાકાર બ્રહ્મનું બહુ ચિંતન કર્યું પણ હવે સગુણ બ્રહ્મનું ચિંતન કરે.એટલે કહું છું કે રામ એ ઈશ્વર છે,પરમ બ્રહ્મ છે.

વિશ્વમિત્ર કહે છે –કે-રાજા આ તમારી દૃષ્ટિનો સરસ ગુણ છે.જ્ઞાનીઓ અભેદ-ભાવથી ચિંતન કરે છે,
તમે જ્ઞાન સ્વરૂપ છો,તમારી વૃત્તિ બ્રહ્માકાર છે,એટલે તમને રામ બ્રહ્મ સ્વરૂપ લાગે છે,
બાકી આ તો દશરથ કુમાર છે.અંતે રામજીના દર્શન કરીને જનકરાજાએ વિદાઈ લીધી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE