Sep 1, 2021

Gujarati-Ramayan-Rahasya-60-ગુજરાતી-રામાયણ-રહસ્ય-60

અહલ્યાજી હાથ જોડી રામજીની સામે ઉભાં છે,આંખમાંથી અશ્રુધારા નીકળે છે 
અને સ્તુતિ કરે છે.'રાજીવ બિલોચન ભવભય મોચન,પાહિપાહિ સરન હિ આઈ'
હે,પ્રભુ,રાજીવલોચન,ભવભયમોચન,મારું રક્ષણ કરો,હું તમારે શરણે છું.
પછી અહલ્યાજી કહે છે કે-મુનિએ મને શાપ દીધો એ કેવું સારું કર્યું? એ શાપને લીધે હું તમારાં દર્શન કરવા ભાગ્યશાળી થઇ.જે શાપથી પ્રભુના દર્શન થાય એને શાપ નહિ પણ અનુગ્રહ થયો એમ સમજુ છું.

છેલ્લે અહલ્યાજી કહે છે કે-
'બિનતી પ્રભુ મોરી મેં મતિ ભોરી,નાથ ન માગઉ બર આના,
પદકમલ પરાગા રસ અનુરાગા,મમ મન મધુપ કરૈ પાના.'
હે,પ્રભુ,મારે એટલો જ વર (વરદાન-કૃપા) જોઈએ છે કે,
મારો મન-ભમરો તમારા ચરણકમલની રજનું સદાય પાન કરતો રહે.

તુલસીદાસજી કહે છે કે-પ્રભુ આવા દીનબંધુ છે,દયા કરવા માટે તેમને “કારણ”ની જરૂર પડતી નથી.
માટે હે,મન તારી શઠતા (કપટ) છોડ,અને પ્રભુનું ભજન કર.
અહલ્યાની કથાનું રહસ્ય એવું છે કે-અહલ્યા એ બુદ્ધિ છે,જે બુદ્ધિ લૌકિક સુખનો,કામસુખનો વિચાર કરે,
તે જડ-પથ્થર જેવી બને છે.જેને રામ-નામમાં આનંદ મળતો નથી તેનું કારણ,જડ બુદ્ધિ છે.
પ્રભુ ચરણરજનો સ્પર્શ થાય તો,જડતા જાય અને કોમળતા આવે અને બુદ્ધિ નિષ્કામ બને છે.

અહલ્યાનો ઉદ્ધાર કર્યા પછી,શ્રીરામ,લક્ષ્મણ અને વિશ્વામિત્રજીની સાથે જનકપુર પધાર્યા ને ગામ બહાર
આંબાવાડીયામાં મુકામ કર્યો.વિશ્વામિત્રના આગમનના સમાચાર સાંભળીને રાજા જનક,ગુરૂ શતાનંદ તથા
મંત્રીઓ સાથે તેમના દર્શન કરવા આવ્યા.સાથમાં રામ-લક્ષ્મણ ને જોઈને રાજા જનકને હર્ષ થયો.
'મૂર્તિ મધુર મનોહર દેખી, ભયઉ બિદેહુ બિદેહુ બિસેષા'
રામનું  મધુર મનોહર રૂપ જોઈ ને વિદેહ જનક ખરેખર (સાચે જ) વિદેહ બની ગયા.દેહનું ભાન ભૂલી ગયા.

જનકરાજાની નગરીનું નામ મિથિલાપુરી,અને તેને જનકપુરી પણ કહે છે.મિથિલાના રાજાઓ જનક કહેવાતા.અત્યારના જનક કે સીતાજીના પિતા હતા તે જનક વિદેહી કહેવાતા.
સંસારમાં રહેવા છતાં તે દેહથી સંસારમાં લોપાયા વગરના હતા,જીવનમુક્ત હતા.તેથી તે વિદેહી કહેવાતા.
જે જીવનમુક્ત છે તે સંસારમાં રહેવા છતાં પણ સંસારમાં રહેતો નથી.
જળમાં જેમ કમળ રહે છે પણ તે પાણીથી ભીંજાતું નથી,તેમ તે સંસારમાં આસક્ત થયા વિના રહે છે.

કર્મ કરવા છતાં તે કર્મ કરતો નથી,સંસારવ્યવહાર કરવા છતાં તે કંઈ કરતો નથી.તેને કર્મનું બંધન નથી.
આવા જનકવિદેહી રામજીનાં દર્શન કરતાં જ દેહભાન ભૂલી ગયા.”ઋષિ સાથેના આ બાળકો કોણ છે?”
'કહ હુ નાથ સુંદર દોઉ બાળક,મુનિકુલતિલક કી નૃપકુલપાલક ?'
વિશ્વામિત્રને પૂછે છે કે-આ બે સુંદર બાળકો ઋષિકુમાર છે કે રાજકુમાર છે?
ત્યારે વિશ્વામિત્ર જવાબ આપે છે કે-તમે જ તેનો નિર્ણય કરો,તમે તો મહાજ્ઞાની છો!!

જનકજી પરમ વૈરાગી શુકદેવજીના ગુરૂ છે.
જનકરાજાના વખાણ ગીતાજીમાં પણ કર્યા છે.કર્મ દ્વારા પરમસિદ્ધિને પ્રાપ્ત કરનારાઓના નામ ગણાવતાં
ભગવાન “જનક-વગેરે”કહે છે.જનકનું નામ દઈને અટકી જાય છે,બીજું નામ દીધું નથી.
માત્ર વગેરે કહીને પતાવ્યું છે,જનકની હરોળમાં બેસે એવું નામ કોઈ જડ્યું નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE