Aug 31, 2021

Gujarati-Ramayan-Rahasya-59-ગુજરાતી-રામાયણ-રહસ્ય-59

ભગીરથ રાજા ગંગાના પ્રવાહને દોરતા આગળ ચાલ્યા.ગંગાજીનો વહેતો પ્રવાહ 
જહનુ મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યો,ધોધમાર વહેતા પ્રવાહમાં 
જહનુ મુનિનો આશ્રમ ડૂબી ગયો, ક્રોધે ભરાયેલા મુનિએ ગંગાના આખા પ્રવાહને 
અંજલિમાં લઇ ગળે ઉતારી દીધો.વળી પાછા ભગીરથે તેમને પ્રાર્થના કરી 
એટલે જહનુ મુનિએ પોતાના ડાબા કાનમાંથી ગંગાને બહાર કાઢયાં.
આથી ગંગાને જહનુની પુત્રી જાહ્નવી પણ કહે છે.ત્યાંથી પ્રવાહ આગળ ચાલ્યો અને 
સગરરાજાના સાઠ હજાર પુત્રોની ભસ્મ પર ફરી વળ્યો.અને સગર-પુત્રોની આમ છેવટે સદગતિ થઇ.
એક સુપુત્ર સાત પેઢીઓને તારે છે તે કહ્યું છે –તે ખોટું કહ્યું નથી.

જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યો કહ્યા છે.કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ.
જે માનસ વિઘ્નોથી ડરીને કામનો પ્રારંભ ના કરે તે કનિષ્ઠ,જે કામ ચાલુ કરે પણ વિઘ્ન આવતાં,
તે કામ પડતું મૂકી દે તે મધ્યમ અને વિઘ્નની સામે લડી ને પણ કામમાં મંડ્યો રહે તે ઉત્તમ.
ભગીરથે ચાર પેઢીનાં અધૂરાં કામ પૂરાં કર્યા.ને વડવાઓ ને તાર્યા.બ્રહ્મા વગેરે દેવોએ પૃથ્વી પર પધારીને ભગીરથને ધન્યવાદ આપ્યા,અને આશીર્વાદ આપ્યા કે ગંગાજીને લોકો ભાગીરથી કહેશે.
'ભાગીરથી નામ અસ કહહી,અઘ ઉલૂક દેખત રવિ ડરહી'
ગંગા ભાગીરથી નામે ઓળખાશે અને પાપરૂપી ઘુવડ ગંગા-રૂપી સૂરજને જોતાં જ ભય પામશે.

શિવજી ગંગાને મસ્તક પર ધારણ કરે છે,ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે.
જીવ જો જ્ઞાન-રૂપી ગંગાને જો મસ્તક પર રાખે તો શિવ-સ્વરૂપ (આનંદ સ્વ-રૂપ) બની જાય.
રામ-લક્ષ્મણને લઇ વિશ્વામિત્રે ગંગા નદીને ઓળંગીને આગળ વધ્યા,ત્યાં એક નિર્જન આશ્રમ રામજીની નજરે પડ્યો.તે જોઈ રામજીને નવાઈ લાગી અને તેમણે વિશ્વામિત્રને તેનું કારણ પૂછ્યું.

વિશ્વામિત્ર કહે છે કે-આ ગૌતમ ઋષિનો આશ્રમ છે.તેમના પત્ની અહલ્યાજી મહાસતી છે,પરંતુ એકવાર અજાણથી તેમનાથી મહા-અપરાધ થઇ ગયો.સ્વર્ગનો રાજા ઇન્દ્ર ઋષિ ગૌતમનું રૂપ લઇને આશ્રમમાં આવ્યો,અને અહલ્યાએ એનો ઋષિ સમજી સત્કાર કર્યો.આથી ગુસ્સે થઇ અને ગૌતમ ઋષિએ એમને શાપ દીધો.અને તે શાપને લીધે અહલ્યાજી અહીં શિલા (શલ્યા) રૂપે પડ્યાં છે.
એમ કહી વિશ્વામિત્રે રામજીને એક શિલા દેખાડી અને તેને પગ અડાડવાનું કહ્યું.ત્યારે રામજી કહે છે કે-
આપે કહ્યું તેમ તે શિલા નથી પણ અહલ્યા છે તો એણે પગ અડાડવાથી મને પાપ નહિ લાગે?

ત્યારે વિશ્વામિત્રે કહ્યું-
'ગૌતમ નારી શાપ બસ,ઉપલ દેહ ધરી ધીર,ચરણ કમળ રજ ચાહતી કૃપા કરહુ રઘુબીર.'
ગૌતમની સ્ત્રી અહલ્યા શાપ ને વશ થઇ અહીં પથ્થર રૂપે પડી છે અને આપની ચરણરજ ઝંખે છે,
તો,હે રઘુવીર તેના પર કૃપા કરો.
પણ હજુ રામજીના મનનું સમાધાન થતું નથી.તેમણે કહ્યું કે-તેઓ પરસ્ત્રી છે,ઋષિ-પત્ની છે,માતા-તુલ્ય છે,
તેમના ચરણમાં હું પ્રણામ કરું છું.-શ્રી રામની આ મર્યાદા છે,

શાસ્ત્રમાં સાધકની એક મર્યાદા બતાવી છે કે-“ન સ્પૃહે દારવીમપિ” લાકડાની ઢીંગલીને પણ સ્પર્શ ના કરવો. 
એમ જ રામજી અહીં કહે છે કે-હું તેમને પ્રણામ કરું છું.પણ તેમને પગ અડાડીને મારાથી સ્પર્શ કેવી રીતે થઇ શકે? રામજી હજુ વિચારમાં છે.ત્યારે વિશ્વામિત્ર કહે છે કે એમ પ્રણામ કરવાથી કંઈ નહિ વળે.તે તમારા ચરણરજ ની રાહ જોઈ ને બેઠી છે.
પણ કહે છે કે-ગુરૂની આજ્ઞાનું પાલન કરતાં જ પહેલાં પ્રકૃતિએ મદદ કરી અને -
તે સમયે પવનને કારણે રામજીનાં ચરણની રજ ઉડીને પથ્થર પર પડી અને શલ્યાની અહલ્યા થઇ.
અહલ્યાનો ઉદ્ધાર થયો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE