“રામ નો મિત્ર છે” એવું જ્યાં
ભરતજી એ સાંભળ્યું કે તે આનંદમાં આવી ગયા ને રથમાંથી કુદી પડી ને નિષાદરાજ ને મળવા
દોડ્યા. નિષાદરાજે પ્રણામ કર્યા,ત્યારે ભરતે ખૂબ પ્રેમથી તેને છાતી-સરસો ચાંપ્યો.ચારે તરફ “ધન્ય હો,ધન્ય હો”
થઇ રહ્યું,ભોજન ના થાળ તો એમ ને એમ બાજુ પર રહી ગયા,ભરતજીએ તો એ કશાની સામે નજર સરખી
કરી નથી.ભરતજી ત્રણે ગુણો થી પર છે,નિર્ગુણ છે.
રામનું “નામ” લઇ ને કોઈ બગાસું
ખાય તો,પાપ તેની નજીક જતાં પણ
બીવે છે.
રામ ના “નામ” ની નજીક પણ જો પાપ
ના આવી શકે તો,આ ગુહ ને તો રામજી જાતે ભેટ્યા હતા,
એટલે ગુહ જેવો પવિત્ર બીજો કોણ
હોઈ શકે? ભરતજી ફરી ફરી એણે છાતી-સરસો દાબવા લાગ્યા.
શ્રીરામે,ગુહ ની આ કેવી મોટાઈ
કરી છે!! શ્રીરામે કોને મોટાઈ આપી નથી? “કેહિ ન દીન્હ રઘુવીર બડાઈ”
ગુહે ઈશારો કરી પોતાના માણસો ને
કહી દીધું કે-હવે લડવાનું નથી પણ સેવા ઉઠાવવાની છે.
ગુહ ની આખી સેના હવે ભરતજી ના
સંઘ ની સેવામાં લાગી ગઈ.અને સૌના આતિથ્યની ગોઠવણ થઇ ગઈ.
ભરતજી એ ગુહ ને પૂછ્યું કે-શ્રીરામ
રાતે ક્યાં રહ્યા હતા? એટલે ગુહ ભરતને લઇ ને રામજી જ્યાં રાતે રહ્યા હતા તે જગા બતાવવા
ચાલ્યો.ભરતજી નું શરીર નબળું થયું હતું,વારંવાર તે લથડિયાં ખાતા હતા,એટલે તેમણે ગુહના
ખભાનો સહારો લીધો,અને તેને ખભે હાથ દઈ ને ચાલવા
લાગ્યા.
શ્રીરામે જે જગ્યાએ જે ઝાડ ની
નીચે રાતવાસો કર્યો હતો તે જગ્યા ગુહે બરોબર સાચવી રાખી હતી.
દર્ભ ની સુંદર પથારી હજુ તેમની
તેમ હતી.તેને જોઈ ને ભરતની આંખમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યાં.
ભરતજી એ તેની પ્રદિક્ષણા કરી ને
શ્રીરામના ચરણ ની નિશાની વાળી રજ માથે ચડાવી.
ભરતજી ગુહ ને કહે છે કે-ધૂળ ની
કિંમત નથી,પણ શ્રીરામ જેને મોટાઈ આપે છે,તે મહાન બની જાય છે.
“જો બડ હોત સો રામ બડાઈ”
રામ-સીતાએ જે દર્ભ ની પથારી પર
રાત કાઢી હતી તેને જોઈ ને ભરત કલ્પાંત કરે છે,કહે છે કે-
“આ બધું મારે લીધે જ થયું,અરેરે,જેને
લીધે આ બધા ઉત્પાતો થયા છે તેવા મને ધિક્કાર છે,હું કુળકલંક પાક્યો.” ત્યારે ગુહ તેમને
સાંત્વનના બે બોલ કહે છે,”એમાં આપનો કે માતા કૈકેયી નો દોષ નથી પણ વિધાતા એજ માતાજીની
(કૈકેયી ની) બુદ્ધિ ફેરવી નાંખી. “બિધિ આપ કી કરની કઠિન”
પછી ગુહે નદીનો આર આગળની જગ્યા
બતાવી કહ્યું કે-અહીં રામ-લક્ષ્મણે વડનું દૂધ મંગાવીને જટા બાંધી હતી.આ સાંભળતાં જ
ભરત ને એવો આઘાત લાગ્યો કે તે બેભાન થઇ ગયા.
એકદમ માતા કૌશલ્યા ત્યાં દોડી
આવ્યાં,અને તેમણે પાણી છાંટીને ભરત ને પાછો ભાનમાં લાવ્યાં.
ભરતજી એ ગંગાજી ને પ્રણામ કરી
ને પ્રાર્થના કરી કે-મા,આપ તો કામધેનું છો,હું આજે માગવા આવ્યો છું,
મને એવું વરદાન આપો કે સીતારામ
ના ચરણ માં મને સ્વાભાવિક (સહજ) પ્રીતિ થાય.
“જોરી પાનિ બર માગઉં એહૂ,સીયરામપદ
સહજ સનેહૂ “
આખી રાત બધાએ ત્યાં આરામ કર્યો
ને બીજે દિવસે સવારે સૌએ ગંગા નદી પાર કરી,
ભરતજી એ કહ્યું કે-ઘોડા,રથ,
અને પાલખીઓ ને આગળ કરો,હું પાછળ ચાલતો આવીશ,શ્રીરામ અહીંથી ચાલતા ગયા છે,એટલે હું પણ
અહીંથી ચાલીશ.નિષાદરાજ અને શત્રુઘ્ન પણ ભરત જોડે ચાલે છે.
ભરત એ બંને ના ખભા નો ટેકો લઇ,રામરામ
કરતા ચાલે છે.
ધન્ય છે ભરતને,કે જેને પિતાએ રાજ્ય
સોંપ્યું તે લીધું નહિ અને મોટાભાઈ ને મનાવવા જાય છે.
ભરત ની દાસ્ય ભક્તિ છે,ભરત જેવો
બડભાગી બીજો કોઈ નથી,કારણકે ભરતજી ને રામજી હંમેશાં યાદ કરે છે, “જગ જપુ રામ,રામ જપુ
જે હિ” જગત જે રામને જપે છે તે રામ ભરત ને જપે છે.!!!
ઈશ્વર જેનું સ્મરણ કરે તેની ભક્તિ
સાચી.જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક છે,સામાન્ય છે,પણ,
ઈશ્વર જે જીવ ને યાદ કરે તેવા
ભક્ત ને ધન્ય છે.
ઉઘાડા પગે ચાલવાથી ભરતના
પગમાં ફોલ્લા પડે છે,છતાં ભરત ની પ્રતિજ્ઞા હતી કે રથમાં બેસવું નથી.
જોડે જોડે સેવકો ઘોડાની લગામ પકડીને
સવાર વગરના ઘોડાઓ દોરીને ચાલે છે
પણ ભરતજી તેની સામું પણ જોતા નથી.
સંઘ ધીરે ધીરે પ્રયાગરાજ પહોંચ્યો,ત્રિવેણી સંગમ માં બધાએ સ્નાન કર્યું,પ્રયાગરાજ
તીર્થો નો રાજા છે.