Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૧૨


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

તિતિક્ષા

પ્રારબ્ધ ના વેગથી,આધ્યાત્મિક આદિ જે દુઃખ પ્રાપ્ત થયું હોય,તેનો વિચાર કર્યા વિના તેને,
સહન કરવું તેને “તિતિક્ષા” કહે છે. (૧૩૭)

તિતિક્ષા જેવું મુમુક્ષુનું કોઈ રક્ષણ નથી,કારણકે,એ વજ્રથી પણ તૂટતી નથી,
જેમ બખ્તરધારી પુરુષ સર્વ પ્રહારો ને રોકી શકે છે,તેમ તિતિક્ષાનો આશ્રય લઇ ને,
ધીર પુરુષ માયાને તણખલાં જેવી ગણીને તેને જીતી શકે છે. (૧૩૮)

તિતિક્ષાવાળાઓને જ યોગ-સિદ્ધિ અથવા ચક્રવર્તી રાજા ની રાજ્યલક્ષ્મીનાં સુખભોગ ની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તિતિક્ષા વિનાના પુરુષો,જેમ પાંદડાં,વાયુ સાથે અથડાઈને ઝાડ પરથી ખરી પડે છે,
તેમ વિઘ્નો ને લીધે નીચે પડે છે.(યોગ-ભ્રષ્ટ થાય છે)   (૧૩૯)

તપ,દાન,યજ્ઞ,તીર્થ,વ્રત,શાસ્ત્ર,ઐશ્વર્ય,સ્વર્ગ અને મોક્ષ-વગેરે,
જે જે ઈચ્છતા હોય છે,તે તે તિતિક્ષાથી મેળવાય છે. (૧૪૦)

બ્રહ્મચર્ય,અહિંસા, સજ્જનો ની અનિંદા તો બીજાઓ ના તિરસ્કાર- વગેરે સહન કરવા,
એ બધું તિતિક્ષા-વાળો જ કરી શકે છે.  (૧૪૧)

સર્વ સાધનોમાં તિતિક્ષા પણ એક ઉત્તમ સાધન છે,
જેમાં દેવો તરફનાં કે બીજાં પ્રાણીઓ તરફનાં વિઘ્નો નાસી જાય છે.  (૧૪૨)

તિતિક્ષાવાળાઓનું જ મન વિઘ્નોથી ડગી જતું નથી,અને તેને જ
“અણિમા” આદિ ઐશ્વર્યો અને બીજી સિદ્ધિઓ સિદ્ધ થાય છે.  (૧૪૩)

માટે મોક્ષ ની ઈચ્છા રાખનારે ઇચ્છિત કાર્ય (મોક્ષ)  સિદ્ધિ માટે,અધિક તિતિક્ષા કેળવવી,અને,
મોક્ષ ની તીવ્ર ઈચ્છા,તેમજ વિષયો તરફ ઉપેક્ષા (બેદરકારી)-
એ બંને સાથે રહી,તિતિક્ષાનાં કારણ બને છે. (એમ ધ્યાનમાં રાખવું જોઈએ) (૧૪૪)

જેમ કોઈ કાળે ઉપરાઉપરી રોગો આવી પડતાં મનુષ્ય,તેની શાંતિ માટે જો લાગ્યો રહે,તો,
તે રોગો ને દૂર કરનારાં ઔષધો સેવવામાં તત્પર બને,અને માત્ર, તેની શાંતિના જ વિચારો કર્યા કરે,
તેમ,સન્યાસી,તિતિક્ષામાં તત્પર હોય પણ શ્રવણાદિ ધર્મો (સંન્યાસીનાં કર્તવ્ય) થી રહિત હોય,અને,
એ જ સ્થિતિ માં મરણ પામે,તો તેને કોઈ ફળ સિદ્ધ થતું નથી,

એ તો બંને પ્રકારના સ્વાર્થ થી ભ્રષ્ટ થાય છે. (૧૪૫)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE