Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૨

તે પછી તો યુદ્ધ ના વ્યૂહ નક્કી થયા, અને છેવટે,”રામજી નો જય હો” ના પોકાર સાથે,વાનરો અને રીંછોએ,લંકાના ચારે દરવાજાઓ પર એક સાથે આક્રમણ કર્યું.
તેમની પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી,પણ શિલાઓ અને વૃક્ષો ઉખાડી ને લડે છે.ને મુખેથી જ વિચિત્ર અવાજો કરીને રણભેરી વગાડે છે.સામે રાવણે પોતાની સેના સામે મોકલી કહ્યું કે-જાઓ ઘેર બેઠાં વાનરોનું ભોજન આવ્યું છે,તેમણે પકડી પકડી ને ખાઓ.રાવણ હજુ પણ,અહમમાં પોતાને જ કર્તા-હર્તા સમજે છે.

રાક્ષસો એ વાનરોની સામે હૂમલો કરી તેમણે પકડવાનો પ્રયત્ન કર્યો,પણ વાનરોએ પહેલા જ આક્રમણ માં તેમણે મારી હઠાવ્યા.રાક્ષસો ભાગીને પાછા આવ્યા એટલે રાવણે હુકમ કર્યો કે-જે રણ-ક્ષેત્રમાંથી ભાગી
આવશે,તેનો વધ કરવામાં આવશે.એટલે રાક્ષસો ફરીથી લડવા ગયા.

પશ્ચિમ દરવાજા પર હનુમાનજી ને મેઘનાદ ની લડાઈ થાય છે,હનુમાનજી એ મેઘનાદ નો રથ ભાંગી ને તેની છાતીમાં લાત મારી.એટલે મેઘનાદ પાછો હટ્યો.એટલામાં અંગદ હનુમાનજી ને જોડે આવી તેમણે સાથ આપવા માંડ્યો.બંનેએ ભેગા મળી રાક્ષસો માં રાડ પડાવી નાખી.નાસતા રાક્ષસોને પકડીને વાનરો,
દરિયામાં ફેંકી દેતા હતા.દરિયાના મગર-માછલાં ને આજે ખોરાક મળી ગયો.

સૈન્ય ની આવી દશા જોઈને રાવણે નક્કી કર્યું કે-હું જાતે જ રણ-મેદાનમાં જઈશ.અને તે રણભૂમિ પર આવ્યો.એને રણ-મેદાનમાં આવતો જોઈ વિભીષણે શ્રીરામને તેની ઓળખાણ આપી.
શ્રીરામ તો પ્રાણીમાત્રના મિત્ર છે,તેમને રાવણ શત્રુ લાગતો નથી.રાવણ ને જોઈને તે બોલ્યા કે-
અહો,રાક્ષસોનો રાજા મહા-દેદીપ્યમાન છે!!
રાવણને જોતાં જ સુગ્રીવે એક મોટી શિલા ઉપાડીને રાવણ સામે ફેંકી.
તો રાવણે એક બાણ મારીને તે શિલા ના ચૂરે ચુરા કરી નાખ્યા.અને બીજું એક અગ્નિ-બાણ છોડી
સુગ્રીવ ને વીંધી નાખ્યો.સુગ્રીવ ચીસ પાડી ધરતી પર મૂર્છિત થઇ પડ્યો,રાક્ષસોએ હર્ષ-નાદ કર્યો.

નલ અને નીલ દોડી આવી ને રાવણ ની સામે થયા,પણ રાવણના હાથ નો માર ખાઈને મૂર્છિત થઇ પડ્યા.
ત્યાં હનુમાનજી રાવણની સામે પહોંચી ગયા.હનુમાનજી ને જોઈને રાવણે કહ્યું કે-પહેલાં તું ઘા કર,તારું
પરાક્રમ જોયા પછી હું તારો નાશ કરીશ.
હનુમાનજી એ હસીને કહ્યું કે-હજી તારે મારું પરાક્રમ શું  જોવાનું બાકી છે? શું તે દિવસ તું ભૂલી ગયો?
આ સાંભળતાં જ રાવણ નો અહમ ઘવાયો,તેણે હનુમાનજી ની છાતીમાં લાત મારી,હનુમાનજી એક ક્ષણ તો ધ્રુજી ઉઠયા,પણ સ્વસ્થતા ધારણ કરી,સામે કસકસાવીને એક લપડાક રાવણને લગાવી દીધી.
જાણે ધરતી ધ્રુજી હોય તેવો અવાજ થયો,રાવણ આખા શરીરે થરથરી ગયો.

થોડીવારે સ્વસ્થ થઇ તે બોલ્યો,શાબાશ છે તારા બળને વાનર,તું શત્રુ હોવા છતાં પ્રશંસાને પાત્ર છે.
ત્યારે હનુમાનજી કહે છે કે-ધિક્કાર છે મારા બળને કે મારો માર ખાધા પછી પણ તું જીવતો રહ્યો!!

બીજી બાજુ લક્ષ્મણજી પણ રામજીની આજ્ઞા લઈને રાવણની સામે યુદ્ધે ચડ્યા હતા,તે રાવણે જોયું એટલે,
હનુમાનજી ની છાતીમાં બીજો પ્રહાર કરી તે લક્ષ્મણ તરફ વળ્યો ને લક્ષ્મણ તરફ બાણ નો મારો ચલાવ્યો.
લક્ષ્મણે પોતાની તરફ આવતાં બધાં બાણો ને કાપી નાખ્યા ને રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું.
રાવણ લોહીલુહાણ થઇ ગયો હતો,એટલે હવે તેણે બ્રહ્મદેવે આપેલી શક્તિ છોડી.

લક્ષ્મણજી એ બાણ મારી તે શક્તિના પણ ટુકડા કરી નાખ્યા પણ એનો એક અંશ તેમની છાતીમાં વાગ્યો અને તે મૂર્છિત થઇ પડ્યા.મૂર્છિત લક્ષ્મણને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દેવાના ઈરાદાથી રાવણ ત્યાં આવ્યો,
પણ પોતાના વીસ હાથે જોર કરવા છતાં લક્ષ્મણ ને ઉપાડી શક્યો નહિ.તે વખતે હનુમાનજી ત્યાં દોડી આવી અને રાવણ પર એવો મુષ્ટિ-પ્રહાર કર્યો કે-રાવણ તમ્મર ખાઈને જમીન પર પાડ્યો,તેના નાક,કાન,મોં-માંથીલોહી નીકળવા માંડ્યું,મહા-કષ્ટે તે પોતાના રથમાં ચડીને બેભાન થઈને પડ્યો.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE