Jul 13, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૩

હનુમાનજી એ તરત જ લક્ષ્મણજીને ફુલ ની જેમ ઉપાડ્યા,ને રામજીની પાસે લઇ ગયા.રામજી ની પાસે જતાં જ લક્ષ્મણજી ના દેહમાં થી રાવણે મારેલી શક્તિ ની અસર નીકળી ગઈ.અને લક્ષ્મણજી ભાનમાં આવી ગયા.
રાવણની સામે હવે રામજી યુદ્ધે ચડ્યા.
શ્રીરામ પાસે તો કોઈ વાહન નહોતું,તેઓ પગે ચાલીને ઉઘાડા પગે રાવણની સામે જતા હતા,તે જોઈ હનુમાનજીએ કહ્યું કે-રથમાં બેઠેલા રાવણની સામે તમે પગે ચાલીને જાઓ તે ઠીક નથી,વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને જાય તેમ આપ મારા ખભે બિરાજો.

હનુમાનજી નો ભાવ જોઈને શ્રીરામ તેમના ખભા પર વિરાજ્યા.ને રાવણના રથ તરફ પ્રયાણ કર્યું.
રાવણ પણ હવે ભાનમાં આવી ગયો હતો,હનુમાનજી ને જોતાં જ –પહેલાં તેમને જ પુરા કરવા,તેણે
બાણ નો મારો ચલાવ્યો.અને હનુમાનજી ને ઘાયલ કરી નાખ્યા.
આ જોઈ રામજી ને ક્રોધ ચડ્યો,તેમને તીક્ષ્ણ બાણો છોડીને,રાવણ નો રથ ભાંગી નાખ્યો,એના આયુધો નો નાશ કર્યો,પછી,રાવણની છાતીમાં બાણો નો પ્રહાર કર્યો.રાવણનો મુગટ નીચે પડ્યો,તેના હાથમાંથી ધનુષ્ય પડી ગયું,ને એ નિસ્તેજ થઈને પડ્યો.

રાવણની આવી લાચાર હાલત જોઈ રામે તેના પરનું આક્રમણ થંભાવી દીધું અને કહ્યું કે-
આજે તું ખૂબ લડ્યો છે,તેથી થાક્યો હશે,માટે ઘેર જઈ આરામ કર,ફરીથી તાજો થઈને આવજે.
આ સાંભળી,રાવણ,રણભૂમિ પર થી ઉઠીને વીલે મોઢે લંકામાં ચાલ્યો ગયો.

રણ-ભૂમિમાં રાવણને જિંદગીમાં,હાર નો આ પહેલી-વાર જ અનુભવ થયો.
અત્યાર સુધી તેના મનમાં ગર્વ હતો કે –કોઈ તેને હરાવી શકે નહિ,પણ હવે તો તેના મનમાં ડર પેઠો કે-
હરાવી તો શું?પણ મને મારી શકે તેવો નર પેદા થયો છે.
તે મનમાં ને મનમાં દુઃખી થયો કે-શું મે કરેલું ઘોર તપ અને તેનાથી મળેલું વરદાન નિષ્ફળ ગયું?
કે,જે નર અને વાનર ને હું તુચ્છ ગણતો હતો,પણ એ તુચ્છ લોકો આજે મને તુચ્છ ગણે છે.

“રાજનીતિ” કહે છે કે –શત્રુને મૂળમાંથી ઉખેડી નાખવો,અને જયારે એ ઢીલો પાડ્યો હોય ત્યારે તેણે પુરો કરી નાખવો.પણ “રામ-નીતિ” તો અહીં જુદું જ કહે છે.તે તો દુશ્મન પર દયા કરવાનું કહે છે.
ઘવાયેલા રાવણને આરામ કરવા ઘેર જવાનું –જેવું  રામે કહ્યું છે તેવું ઇતિહાસ માં બીજા કોઈ પુરુષે
કહ્યું હોય તેવું બન્યું નથી.
શ્રીરામ શત્રુ સાથે પણ સરળ છે,રાવણ પણ મનમાં રામની સ્તુતિ કરે છે કે-આવો તો કોઈ જોયો નથી.
આવાને હાથે મરવામાં પણ માન છે,મરવાની શોભા છે.

રાવણની અડધી સેનાનો નાશ થઇ ગયો હતો,રાવણે રાજસભા બોલાવી અને પશ્ન કર્યો કે- હવે શું કરવું?
વૃદ્ધ માલ્યવાને રાવણ ને સલાહ આપી કે-તું સીતાજી ને લંકામાં લઇ આવ્યો ત્યારથી બધાની દશા બેઠી છે,
એટલે વેર છોડીને શ્રીરામના શરણે જા,એમાં જ તારું અને સૌનું કલ્યાણ છે,મને ખાતરી થઇ ગઈ છે કે-
રામ મનુષ્ય નથી પણ બ્રહ્મા અને શંકર જેને ભજે છે તે પરમાત્મા પોતે જ છે.ને સીતાજી જગદંબા છે.

રાવણ આ સાંભળી ગુસ્સે થયો,તેણે કહ્યું કે,દાદા,તમે ઘરડા થયા એટલે તમારી બુદ્ધિ પણ ઘરડી થઇ,
એટલે તમને ભય દેખાય છે,પણ શાણા માણસે રાજાને મજબૂત થવાની સલાહ આપવી જોઈએ,
બીકણ થવાની નહિ.
ત્યાર પછી મેઘનાદે સભામાં કહ્યું કે –કાલે હું યુદ્ધ કરીશ,કાલે જો જો મારું પરાક્રમ !!

બીજે દિવસે ફરીથી યુદ્ધના હોકારા-પડકાર ચાલુ થયા.વાનરોએ શિલાઓ થી મારો ચલાવ્યો
ત્યારે મેઘનાદ આગળ આવ્યો અને પડકાર કર્યો કે-ક્યાં છે રામ-લક્ષ્મણ,નલ-નીલ,વિભીષણ?
અને તેણે બાણ નો મારો ચલાવ્યો,કેટલાયે વાનરો ધરાશયી થઇ ગયા,ત્યારે હનુમાનજી એ ગુસ્સામાં આવીને એક મોટો પહાડ મેઘનાદ ના રથ પર નાખ્યો,કે જેથી તેના રથના ચૂરે ચુરા થઇ ગયા.

મેઘનાદે હવે પોતાની રાક્ષસી-માયા બતાવવા માંડી,તેણે આકાશ માં ચડી ને અંગારા વરસાવવા માંડ્યા.
ત્યારે શ્રીરામે એક બાણ છોડી ને રાક્ષસી માયાનો નાશ કરી નાખ્યો,એટલે વાનરો ફરી જોરમાં આવી ગયા.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE