Jul 14, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૪

હવે લક્ષ્મણજી મેઘનાદ ની સામે યુદ્ધ કરવા આવી ગયા.લક્ષ્મણજી એ બાણો નો મારો કરીને મેઘનાદ ને અધમૂઓ કરી નાખ્યો.મેઘનાદ ને બીક લાગી કે- હવે હું મરવાનો...એટલે,એણે સર્પ ના જેવી ઝેરી-શક્તિ નો લક્ષ્મણજી ની છાતીમાં પ્રહાર કર્યો,અને લક્ષ્મણજી મૂર્છા ખાઈને પડ્યા.
મેઘનાદે વિચાર કર્યો કે -આને ઉપાડી જઈને કેદ કરું.તે લક્ષ્મણજી ને ઉપાડવા આવ્યો,પણ તેનાથી તે ઉપડાયા નહિ,બીજા અનેક રાક્ષસો ભેગા થઈને ઉપાડવા નો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સર્વે નિષ્ફળ રહ્યા.
એટલામાં તો રણ-હુંકાર કરતા હનુમાનજી ત્યાં આવી પહોંચ્યા,તેમને જોઈ ને રાક્ષસો ત્યાંથી ભાગ્યા.

લક્ષ્મણજી શેષજી નો અવતાર છે.બ્રહ્માંડ ને ધારણ કરનાર શેષને મેઘનાદ કેમ કરી ઊંચકી શકે?
હનુમાનજી પાસે બ્રહ્મચર્ય ની પ્રચંડ “શક્તિ” છે,અને રામ-લક્ષ્મણ પ્રત્યે “ભક્તિ” પણ છે,
હનુમાનજી એ ફુલ ની જેમ લક્ષ્મણજી ને ઉઠાવ્યા અને રામજી પાસે લઇ ગયા.

લક્ષ્મણ ને મુર્છાવશ જોઈ ને શ્રીરામના દુઃખ નો પાર ના રહ્યો.અને તે વિલાપ કરવા લાગ્યા.
“ભાઈ,લક્ષ્મણ,તું કેમ બોલતો નથી? તું શાથી મારા પર રીસાયો છે?મારા માટે તેં માતા-પત્ની-વગેરેનો
ત્યાગ કરી,વન ની વિટંબણાઓ સહી.જો હું જાણતો હોત કે તને હું વનમાં ખોઈ બેસીશ –તો પિતાનાં
વચન માનીને હું વનમાં આવત નહિ,તારા વગર હું જીવી શકીશ નહિ,અત્યાર સુધી તું મારી પાછળ આવ્યો,
હવે હું તારી પાછળ આવીશ.સ્ત્રી લેવા જતાં હું ભાઈ ખોઈ બેઠો,હવે હું શું મોઢું લઈને અયોધ્યા જાઉં?
સ્ત્રી ખોયા નો અપજશ સહન થાત પણ ભાઈ ખોવાનો શોક મારાથી સહન થશે નહીં.
તું માતા સુમિત્રા નો એક નો એક પુત્ર ને તેમનો પ્રાણાધાર છે,માતાજીને હું શું જવાબ દઈશ?
તેમણે,તને મોંઘી થાપણ ની પેઠે મને સોંપ્યો હતો,તેની રક્ષા હું કરી શક્યો નહિ,હવે તેમને હું શું કહીશ?
અરેરે,મારાં વ્યાકુળ વચનો સાંભળીને તું ઉઠતો કેમ નથી?મારા સામું કેમ જોતો નથી?

શ્રીરામની કમળ-પાંખડી જેવી આંખોમાંથી આંસુનો પ્રવાહ વહે છે.ને તે જોઈને આખી સેના પણ આંસુ વહાવે છે અને સ્તબ્ધ જેવી થઇ ગઈ છે.બધા અસ્વસ્થ થયા છે પણ જાંબવાન અને હનુમાનજી સાવધ છે.
જાંબવાન કહે છે કે-લંકામાં સુષેણ કરીને વૈદ્ય છે તેને બોલાવવો જોઈએ.
હનુમાનજી એ કહ્યું કે- હું એને લઇ આવું.એમ કહી હનુમાનજી સૂક્ષ્મ રૂપ કરીને લંકામાં ઘુસી ગયા ને
સુષેણ ને ખોળી કાઢી ને એને રામ પાસે લઇ આવ્યા.

સુષેણ કહે છે કે-દ્રોણાચલ પર્વત પર સંજીવની વનસ્પતિ છે,તેનો રસ જો પાવામાં આવે તો જ લક્ષ્મણની મૂર્છા વળે. પણ ક્યાં લંકા ને ક્યાં દ્રોણાચલ પર્વત? એટલે દૂરથી રાતોરાત કોણ સંજીવની લાવી શકે?
શ્રીરામે હનુમાનજી સામે જોયું,ને હનુમાનજી તરત જ ઉપડ્યા.

બીજી બાજુ ગુપ્તચર દ્વારા રાવણને આ વાતની ખબર પડી એટલે તેણે કાલનેમિ નામના રાક્ષસ ને બોલાવ્યો અને તેને કહ્યું કે-કંઈ કપટ કરીને તું હનુમાનજી ને રસ્તામાં જ રોકી પાડ.
કાલનેમિ કહે છે કે-જેણે તારા દેખતા જ લંકાને આગ લગાડી તેને રોકવાનું સામર્થ્ય મારામાં નથી.
શ્રીરામ પરમાત્મા છે ને કાળ ના યે કાળ છે,માટે શ્રીરામને શરણે જા,ને તારા જીવનનું કલ્યાણ કર,
એટલું તું નક્કી જાણ કે શ્રીરામને તું કોઈ કાળે જીતી શકવાનો નથી.

આ સાંભળી રાવણ ગુસ્સે થયો,અને તેણે તલવાર કાઢી, કાલનેમિ સમજી ગયો કે –જો હું નહિ માનું તો આ મને મારી નાખશે,અને આ પાપીના હાથે મારવા કરતાં રામ-દૂત હનુમાનજી ના હાથે મરવું સારું.
એટલે તેણે રાવણ ની વાત કબૂલ કરી અને હનુમાનજી ના જવાના રસ્તા પર પોતાની માયાથી સુંદર
બાગ-બગીચા-તળાવ-વાળો આશ્રમ રચ્યો.અને પોતે એક ઋષિ નો વેશ લઇ ત્યાં બેઠો.

આકાશમાર્ગે જતા હનુમાનજી,સુંદર આશ્રમ જોઈ પાણી પીવા થોભ્યા,અને કાલનેમિ પાસે પાણી માગ્યું,
ત્યારે કાલનેમિ એ કમંડળ માંથી પાણી આપ્યું ને અલક મલક ની વાતો કરી હનુમાનજી ને વધુ વાર
થોભાવવા નો પ્રયત્ન કરવા લાગ્યો.હનુમાનજી એ વધુ પાણી માંગ્યું તો તે કહે છે કે-વધારે પાણી  જોઈએ,
તો પેલું સરોવર રહ્યું,પાણી પીતા આવો ને સ્નાન કરતા આવો પછી,હું તમને મંત્ર-દાન  કરીશ.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE