Feb 27, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૦

રાવણ એ –અહંકાર,મોહ -વગેરે દુર્ગુણોનું પ્રતિક છે.રાવણનાં દશે માથાં અને વીસ હાથ સાથે કાપી નાખવા છતાં તે મરતો નથી.સામાન્ય રીતે,માથું એ બુદ્ધિ અને વિવેકનું પ્રતિક છે.અને હાથ એ કર્મનું પ્રતિક છે. તુલસીદાસજી કહે છે કે-શ્રીરામ વિવેકબુદ્ધિથી,અને હાથ દ્વારા બાણ ચલાવવાનું કર્મ કરી,મોહ રૂપી રાવણનું માથું કાપે છે,પણ પાછું તે મોહનું માથું ઉગી આવે છે.

આજકાલ ભાગવત કે રામાયણની કથામાં લાખો લોકો સાંભળવા જાય છે.અને કથાઓમાં મોહને હટાવતા,
કથાઓ અને દૃષ્ટાંતો-રૂપી બાણોનો વરસાદ થાય છે ,અને તે વખતે તો લોકોમાં ભક્તિભાવ વધી ગયો હોય, 
અને મોહ મરી ગયો હોય તેવું લાગે છે,પણ કથામાંથી બહાર નીકળતાં જ રાવણના માથાઓની જેમ,
મોહનાં નવાં માથાં ફૂટી નીકળે છે.આમ માથાં કાપવાથી મોહ (રાવણ) મરતો નથી,
પણ હૃદય પર પ્રહાર કરવાથી જ મોહ (રાવણ) મરે છે.

શ્રીરામ રાવણના હૃદય પર પ્રહાર કરતાં ડરે છે,તેમને મોહને મારવો છે,પણ સંસારનો નાશ કરવો નથી.
કારણ કે દુર્ગુણનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી.દુર્ગુણ મૂળે તો સદગુણ જ છે.પણ વિચારો અને કર્મોના પ્રભાવે સદગુણ એ દુર્ગુણમાં પરિવર્તન પામે છે.માટે એકલા વિચારો અને કર્મને મારવાથી,કશું થાય નહિ,
પણ હૃદયનું પરિવર્તન થવું જોઈએ.કારણકે વિચારો અને કર્મનું મૂળ કેન્દ્ર હૃદય છે.
જ્યાં સુધી મનુષ્યનું હૃદય ના બદલાય ત્યાં સુધી,એ ગમે તેટલી બુધ્ધિપૂર્વકની વાતો કરે,સાંભળે,સમજે,
કે ગમે તેટલા સત્કર્મો કરે,તો યે તેના રાવણત્વ (મોહ-અહંકાર) નો નાશ થતો નથી.
તેનો નાશ ત્યારે જ થાય કે જયારે મનુષ્યના હૃદયનું ધડ-મૂળથી પરિવર્તન થાય.

રાવણના મરી ગયા પછી એના શરીરમાંથી તેજ નીકળી શ્રીરામમાં મળી જાય છે-તે ઉપરથી એમ કહેવા માગે છે કે-રાવણમાં કેવળ અંધકાર જ નથી પણ સાથે તેજ પણ છે.દુર્ગુણની સાથે સદગુણ પણ છે.
રાવણના મૃત્યુ બાદ શ્રીરામે લક્ષ્મણજીને આજ્ઞા કરી કે-વનવાસનાં ચૌદ વર્ષ હજુ પુરા થયા નથી 
એટલે હું નગરમાં નહિ જઈ શકું,પણ તમે જાઓ અને વિભીષણને લંકા-પતિ તરીકે રાજ્યાભિષેક કરો.
રાવણને મારી શ્રીરામે લંકાનું રાજ્ય જીત્યું પણ એ પોતે રાખતા નથી,શ્રીરામ જે કરે છે તે બીજાને માટે કરે છે.

તે પછી શ્રીરામે હનુમાનજીને સીતાજી પાસે મોકલ્યા અને સંદેશો મોકલ્યો કે-તમારા પતિવ્રત્યના પ્રતાપે 
મેં યુદ્ધમાં વિજય મેળવ્યો છે,અને તમને રાક્ષસોના હાથમાંથી છોડાવવાની મારી પ્રતિજ્ઞા,મેં પૂર્ણ કરી છે.
હનુમાનજીના મુખે શ્રીરામનો સંદેશો સાંભળી સીતાજીને અતિ હર્ષ થયો.તેમનો કંઠ રૂંધાઈ ગયો ને આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા.પછી તે બોલ્યાં-કે-હે હનુમાન,આ વધામણી સાંભળવા માટે હું તને શું આપું?
ત્રણે લોકનું રાજ્ય પણ આની આગળ તુચ્છ છે.પણ હે પુત્ર,હું તને આશીર્વાદ આપું છું કે-
સદગુણોનો તારા હૃદયમાં સદા વાસ રહે.

પછી હનુમાનજીએ કહ્યું કે-માતાજી,આપની પાસે એક આજ્ઞા માગું છે. આ રાક્ષસીઓ એ આપના પર 
ખૂબ ત્રાસ વર્તાવ્યો છે,તે મેં નજરે નજર જોયું છે,તમે રજા આપો તો એ તમામનો હું નાશ કરું,
ભલે મને સ્ત્રી-હત્યાનું પાપ લાગે,પણ આપને જે ત્રાસ આપ્યો હતો તે જોઈ મારું લોહી ઉકળી ઉઠે છે.
ત્યારે સીતાજીએ કહ્યું કે-પુત્ર,એ રાક્ષસીઓ ત્રાસ આપતી હતી તે વાત ખરી છે,પણ તેમાં તેમનો દોષ નથી,
એ રાવણની દાસીઓ હતી,ને રાવણની આજ્ઞા પ્રમાણે કામ કરતી હતી.જો તે તેમ ના કરે તો રાવણ તેમને મારી નાખે.એટલે તેમના પર ક્રોધ કરવો યોગ્ય નથી,મેં તેમને ક્ષમા આપી છે.મને તેમના પ્રત્યે કોઈ રોષ નથી.

ઉપકારના સાટે ઉપકાર કરે તે મનુષ્ય,ઉપકારના સાટે અપકાર કરે તે રાક્ષસ, અને અપકારના સાટે ઉપકાર કરે 
તે સંત.સીતાજી તો જગન્માતા છે,દયાની મૂર્તિ છે,સ્નેહની પ્રતિમા છે,તેઓ પોતાને પીડનારી રાક્ષસીઓને 
સહજ ભાવે ક્ષમા આપે છે.અને હનુમાનને પણ ક્ષમાનો ઉપદેશ કરે છે.
વાલ્મીકિજી કહે છે કે-રામજીનું ચરિત્ર,પવિત્ર છે, દિવ્ય છે,પણ સીતાજી નું ચરિત્ર અતિ પવિત્ર,અતિ દિવ્ય છે.અપકારનો બદલો ઉપકારથી આપવો,અને ઉપકાર કર્યો હોય તો તેનો બદલો લેવો નહિ,આવી 
સીતાજીના જેવી ભાવના હોવી તે –વિરલ છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE