Feb 27, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૯

રાવણ દુર્ગુણોનો પ્રતિનિધિ છે.અને દુર્ગુણોનો સ્વભાવ છે સંગઠિત થવાનો.સદગુણો સંગઠિત થઇ શકતા નથી.જેમકે-વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે કે રાજાઓ-રાજાઓ વચ્ચે સંગઠન નથી.એટલે કે આ સદગુણ વચ્ચે વિરોધ ચાલે છે.સદગુણોવાળાનો ઉદ્દેશ –આ લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો હોય છે,તેમને પોતાની,અને પોતાના સદગુણોની જાહેરાત કરવી ગમે છે,અને ગુણગાન કરાવતી વ્યક્તિઓ સામસામી ટકરાય છે.વિરોધ થાય છે.તેમની વચ્ચે-સંગઠન થઇ શકતું નથી,દરેક પોતપોતાના વાડા -“વાદ” –મંદિરો ને આશ્રમો બનાવીને બેસી જાય છે.

આવા લોકોને સત્યની ચિંતા એટલી થતી નથી,જેટલી પોતાને સત્યવાદી કહેવડાવવાની થાય છે.
એટલે તેઓનો પ્રયાસ ખાલી “બીજાની નજરે કેમ પડાય?કેમ સારા દેખાવાય?” તે પુરતો જ હોય છે.
લોકો પોતાની પાસે આવી ક્યારે તેમને પૂજે ને તેમની વાહવાહ કરે તેની રાહ જોઈને બેઠેલા હોય છે.
હા,એ સાચું છે કે-તે કોઈ એક વાતે મહાન દેખાય કે હોઈ શકે,પણ બધી દ્રષ્ટિએ તે મહાન હોતા નથી.

“સત્ય” એ નિરપેક્ષ અને “એક” જ છે.એમાં મારું સત્ય-તારું સત્ય-આ સત્ય-એવું હોઈ શકે જ નહિ.
સદગુણ-સંપન્ન વ્યક્તિઓમાં “સાત્વિક અહંકાર” હોય છે તેથી તે સંગઠિત થઇ શકતા નથી.
જયારે દુર્ગુણની પ્રવૃત્તિઓ છૂપી (સંતાયેલી) છે,દુર્ગુણોવાળો પોતાની પ્રવૃત્તિઓ ગુપ્ત રાખે છે,
તેથી કોઈ એક દુર્ગુણવાળાની નેતાગીરી સ્વીકારવામાં બીજા દુર્ગુણીને વાંધો થતો નથી.
રાવણ દુર્ગુણોનો નેતા છે.ને દુર્ગુણોનું સંગઠન કરીને જીત પર જીત મેળવે છે.

રાવણની પાસે,મુનિઓનું શાસ્ત્ર-જ્ઞાન છે,તે શાસ્ત્ર-પંડિત છે,વળી તેની પાસે રાજાઓનું શસ્ત્ર-જ્ઞાન પણ છે.
વિશ્વામિત્ર જયારે યજ્ઞ-રક્ષા અર્થે રામ-લક્ષ્મણની માગણી કરવા આવે છે,ત્યારે રાવણનું નામ સાંભળી,
દશરથરાજા ફફડી ઉઠે છે,જનકરાજાનું પણ તેવું જ છે.સ્વયંવર વખતે તેની (રાવણની) સાથે ઝગડો કરવા 
કોઈ રાજી નહોતું.વશિષ્ઠ ને વિશ્વામિત્રની વિચારધારાઓ પણ અલગ છે.

વિશ્વામિત્ર પ્રચંડ પુરુષાર્થવાદી છે તો વશિષ્ઠ વિધિ-વાદી છે.
વિશ્વામિત્ર તપના પુરુષાર્થ દ્વારા ક્ષત્રિય મટી બ્રહ્મર્ષિ-પદને પામે છે,તે માને છે કે પુરુષાર્થ દ્વારા બધું જ ધર્યું બની શકે છે.જયારે વશિષ્ઠ માને છે કે-સૌ પોતપોતાના કર્મ (નિયતી) પ્રમાણે પામે છે માટે તેને અનુકૂળ થવું તે ધર્મ છે.
શ્રીરામ આ બંને વિચારધારાનો સમન્વય કરાવે છે,ને વશિષ્ઠ અને વિશ્વામિત્રને ભેગા કરે છે.
બંનેને પોતાના ગુરૂ માનીને બંનેને એક-સુત્રે બાંધે છે.

શ્રીરામે પુરુષાર્થ કરીને રાવણને હણ્યો,ને વાનર જેવા-પ્રાણીમાં પણ અન્યાયની સામે થવાની ચેતના જગાડી.
પુરુષાર્થના બળથી છકી ગયેલા રાવણને તેમણે તેનાં કર્મનું ફળ ચખાડ્યું,નિયતીનું બળ દેખાડ્યું.
આમ શ્રીરામે પુરુષાર્થ અને વિધિ (નિયતી-કર્મ) બંને વિચારધારાનો સમન્વય કરી દેખાડ્યો.
વિશ્વામિત્રે એક ત્રિશંકુ માટે નવા સ્વર્ગ ની સ્થાપના કરી હતી,પણ શ્રીરામે રામરાજ્ય દ્વારા,પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સ્વર્ગની સ્થાપના કરી.આવેશ-અવતાર પરશુરામથી આવા સમન્વયનું કામ,રામરાજ્યનું કામ બની 
શકે તેમ નહોતું,એટલે શ્રીરામના અવતારની આવશ્યકતા સિદ્ધ થઇ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE