More Labels

Jul 28, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૮

તુલસીદાસજી કહે છે કે-પરશુરામ નું ચરિત્ર નદી જેવું છે,તે નદીમાં જયારે ‘અહંકાર’ની રેલ આવી ત્યારે શ્રીરામ તેના પર બંધ બની ને પધાર્યા.
પરશુરામજી “પ્રકાશ” સ્વરૂપ છે,પ્રકાશ આંખને સહ્ય (સહી શકાય તેવો) હોય ત્યા સુધી વાંધો નહિ,પણ જો પ્રકાશ અતિ તીવ્ર બની જાય તો,તે આંખો ને આંજી નાખે ને કશું જોઈ શકાય નહિ,(અંધારું થાય)
અંધકાર જેમ કામનો નથી,તેમ તીવ્ર પ્રકાશ થી થતો પણ અંધકાર –એ પણ અંધકાર જ છે,તે કશા કામનો નથી.શ્રીરામે રાવણનો દુષ્ટતા-રૂપી અંધકાર હટાવ્યો ને પરશુરામનો તીવ્ર પ્રકાશ નો અંધકાર પણ હટાવ્યો.

આપણું જીવન પણ આવું જ છે.એમાં પ્રકાશ પણ છે ને અંધકાર પણ છે.
અને નવાઈની વાત એ છે કે આપણે એ બંને ને સાચવી રાખવા માગીએ છીએ.એટલે કે-
આપણું અડધું મન દુષ્ટતા ની સામે લડે છે તો અડધું મન એ દુષ્ટતાને સાથેસાથે સાચવે પણ છે.
આ એના જેવું છે કે-ડોક્ટર દર્દીને સાજો કરે છે,અને પોતાના હાથે દર્દી સાજા થતા રહે તેવું પણ ઈચ્છે છે,
પણ સાથે સાથે સમાજમાંથી રોગ સાવ નિર્મૂળ થઇ જાય તેવું તે ઈચ્છતો નથી.
(તેવું થાય તો-પોતાનો ધંધો બંધ થઈ જાય)

આપણને ભોગ પણ જોઈએ છે ને યોગ પણ જોઈએ છે.અને ઉંધુ-ઉંધુ વિચારીએ છીએ કે-
આકાશમાં અંધારું હોય તો જ આગિયો ચમકી શકે ને?અંધારું હટી જાય તો આગિયા ની ચમક ક્યાંથી રહે?!
દાન આપનાર ઈચ્છે છે કે-મને દાન દેવાની તક મળે તે માટે જગતમાં ગરીબ રહેવા જોઈએ!!!
પણ સત્ય એ છે કે-આપણે કર્મ કરીએ છીએ અને “હું કર્મ કરું છું” (કર્તૃત્વ) એમ વિચારીએ છીએ.
જયારે શ્રીરામ માં કર્મ છે (શ્રીરામ કર્મ કરે છે),પણ કર્તૃત્વ (હું કરું છું તેવું) નથી.

શ્રીરામ અને પરશુરામ ના ચરિત્ર માં જે ભેદ છે તે અહીં છે.
પરશુરામ એ જેઠ મહિનાનાં મધ્યાહ્ન ના સૂર્ય જેવા,પ્રચંડ પ્રતાપી છે,એમની સામે જોવાની કોઈ હિંમત ના કરી શકે.ચહેરો એવો કરડો છે કે-તેઓ પ્રસન્ન-મુદ્રામાં હોય તોયે “હમણાં હણી નાખશે” તેવું લાગે.
જયારે શ્રીરામ એ કારતક મહિનાના સૂર્ય જેવા છે,તેમની સામે જોવું ગમે,એમનો પ્રકાશ ઝીલવો ગમે,
ટાઢ ઉડી જાય અને હુંફ મળે.

પરશુરામ થી ડરી ને બધા પ્રણામ કરે છે,પણ બીજા ને ઝુકાવે તે મોટો નથી,
જે ઝુકે છે તે મોટો છે,બીજા ને મોટાઈ આપે તે મોટો છે.
પરશુરામ અક્કડ રહે છે,ત્યારે શ્રીરામ તેમને પ્રણામ કરે છે.
શ્રીરામમાં અહં નથી.જયારે પરશુરામ અહંકાર નું સ્વરૂપ બની ને ઉભા છે કારણકે-કર્મ કરવા ની સાથે
કર્તૃત્વ –એટલે -હું કરું છું- એવું,એમના ચહેરાની એક રેખા કહે છે.(તેમના ચહેરા પર દેખાય છે)

શ્રીરામ પરશુરામને કહે છે કે-મારામાં ગુણ નથી!!(નિર્ગુણ),પણ તમારામાં તો નવ ગુણ છે!!

શ્રીરામ માં ગુણોનો અભાવ છે.એટલે કે-શ્રીરામ નિર્ગુણ છે.
પ્રભુ જો પોતાને ગુણવાળા કહે તો તમને ગુણના બંધન માં બંધાવું પડે.(પોતે તો નિર્ગુણ-મુક્ત છે)
પરશુરામજી તો ગુણો ના ભંડાર છે.
હા,રામજી પાસે એક ગુણ છે,અને તે છે તેમની ધનુષ્ય ની દોરી.(દોરીને સંસ્કૃત માં “ગુણ” કહે છે)
પણ એ ગુણ કેવો છે? તેમના ધનુષની દોરી માત્ર યુદ્ધ માં જ ચડે,ને કામ પતે એટલે ઉતરી જાય.

જયારે પરશુરામની ફરશી તો સદા તૈયાર.તેને ચડાવવી કે ઉતારવી ના પડે.
શ્રીરામ અને પરશુરામ વચ્ચે નું યુદ્ધ એ શસ્ત્ર નું યુદ્ધ નહોતું,પણ પ્રકાશ સામે પ્રકાશ નું યુદ્ધ હતું.
શ્રીરામ માત્ર અંધકાર સામે જ નહિ પણ (અતિ) પ્રકાશ (અહંકાર) ની સામે પણ લડે છે!!
અને પરિણામ એ હતું કે પરશુરામ રામજી ને સમર્પિત થઇ જાય છે.

પરશુરામ મહાન છે,અવતારી છે,પણ જગતની સમસ્યાઓ નું સમાધાન આપી શકતા નથી.એ સમાધાન શ્રીરામજી જ આપી શકે છે.જે નિર્ગુણ છે,એટલે કે ગુણો થી પર છે તે જ સમાધાન આપી શકે.

શ્રીરામજી ના સમયમાં,વશિષ્ઠ-વિશ્વમિત્ર જેવા ઋષિઓ છે,દશરથ અને જનક જેવા મહાન રાજાઓ છે,
પરશુરામ જેવા વીર છે-છતાં રાવણ બધે ત્રાસ ફેલાવી શકે છે,PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE