Mar 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૭

તે માયા કંઈ ઓછાં લાકડે બળી જાય તેવી નથી,તે “રિદ્ધિ-સિદ્ધિ”ઓને મોકલી “બુદ્ધિ” ને લોભ-લાલચમાં નાખે છે.ને તે પછી,તે “રિદ્ધિ-સિદ્ધિઓ”,“કળ-બળ-કપટ” નો પોતાનો પાલવ વીંઝીને મનુષ્યે પ્રગટાવેલા તે “જ્ઞાન-દીપક” ને ઓલવી નાખે છે.જો,મનુષ્યની “બુદ્ધિ” બહુ શાણી હોય અને તે –રિદ્ધિ-સિદ્ધિ-સામે જુએ જ નહિ તો,પછી દેવો આડા આવે છે.ઇન્દ્રિયોના દ્વાર-એ હૃદય-ઘરના ઝરૂખાઓ છે,અને આ ઝરૂખાઓ પર દેવો થાણાં નાંખી બેઠેલા છે.

જેવો “વિષય-રૂપી” વંટોળિયો આવતો દેખાય,કે તે દેવો ફટ કરીને ઝરુખાનાં દ્વાર ખોલી નાખે છે.અને મહાપરિશ્રમે હૃદયમાં પ્રગટાવેલો તે “જ્ઞાન-દીપક” ઓલવાઈ જાય છે.જે પ્રકાશ હતો તે જતો રહે છે,
જડ-ચેતન (ભેદ-બુદ્ધિ) ની ગાંઠ ઉકલતી નથી,અને જીવ પાછો સંસારના જન્મ-મરણના ચક્કરમાં પડે છે.
હે પંખીરાજ,પ્રભુની આ માયા અત્યંત દુસ્તર (તરવામાં અઘરી) છે,તે સહેજમાં તરી જવાતી નથી.
'હરિ માયા અતિદુસ્તર,તરી ના જાઈ બિહ્ગેસ' 
(ગીતામાં પણ ભગવાન કહે છે કે-મારી માયા તરવી મહા કઠણ છે,ઘણા જન્મોના અંતે જ્ઞાનવાન મને પામે છે) 

જ્ઞાન લેવું,દેવું,સમજવું,કે સાધવું – એ અતિ કઠિન છે.સંજોગો-વશાત કદી જ્ઞાન થઇ જાય તો,પણ તેના પછી અનેક વિઘ્નો નડે છે.જ્ઞાનનો માર્ગ તલવારની ધાર પર ચાલવા જેવો છે,એ માર્ગ પર ગબડતાં વાર લાગતી નથી.

આમ જ્ઞાન-માર્ગ અતિ દુર્લભ છે,ઘણા જન્મોના અંતે જ્ઞાનવાન પ્રભુ ને પામે છે.જયારે ભક્તિ-માર્ગે મુક્તિ વણમાગી આવી મળે છે.જેમ સ્થળ (ભૂમિ) વિના જળ (પાણી) રહી શકતું નથી,તેમ,મોક્ષ નું સુખ પણ હરિ-ભક્તિ વિના રહી શકતું નથી.આથી ડાહ્યા મનુષ્યો,ભક્તિનો લોભ રાખે છે ને મુક્તિની આશા રાખતા નથી.
(તે તો આવી જ મળે છે) હું સેવક છું અને ભગવાન સેવ્ય (જેની સેવા કરવામાં આવે છે તે) છે,
જે ચેતનને જડ કરે છે ને જડને ચેતન કરે છે,એવા શ્રીરામને જે ભજે છે તે ધન્ય છે.

ભક્તિની વાત કરતાં કાકભુશુંડી એવા આનંદમાં આવી ગયા કે-પછી તે મુક્ત કંઠે ભક્તિનાં વખાણ કરવા લાગ્યા.ને કહેવા લાગ્યા કે-હે ગરુડજી,ભક્તિ તો મહામૂલો મણિ છે,એ મણિ જેના અંતરમાં વસે છે,તે,
દિવસ-રાત પરમ-પ્રકાશ-રૂપ જ બની રહે છે,એને કોડિયાની,ઘીની કે દિવેટની-કે કશાની જરૂર પડતી નથી.
ભક્તિ એ સ્વયં-પ્રકાશ છે,એની પાસે બહારથી ઉછીનો લીધેલો પ્રકાશ નથી,મોહરૂપી દરિદ્રતા 
એની પાસે યે જઈ શકતી નથી કે લોભનો વાયુ આ દીપને ઓલવી શકતો નથી.

ભક્તિ-મણિના પ્રકાશથી અજ્ઞાન-રૂપી અંધારું નાશ પામે છે.મદ,મોહ,લોભ-વગેરે રૂપી-પતંગિયાનું ત્યાં કશું ચાલતું નથી.આ ભક્તિ-મણિ વિના કોઈ સુખ પામતું નથી.તેની આગળ વિષ –એ અમૃત બની જાય છે,
અને શત્રુ-એ મિત્ર બની જાય છે.આ ભક્તિ-મણિ મેળવવાનો જે પ્રયત્ન કરે છે,તે જ ચતુર –શિરોમણિ છે.
આ ભક્તિ-મણિ જગતમાં પ્રત્યક્ષ છે,છતાં શ્રીરામની કૃપા વિના કોઈ તેં પામતું નથી.
અને જેના પર શ્રીરામની કૃપા થઇ ને તે પામે છે તે બડભાગી છે.

હે,પંખીરાજ,મારા મનમાં એવી ખાતરી છે કે-શ્રીરામનો દાસ શ્રીરામ કરતાં પણ અધિક છે.
“રામ તે અધિક રામ કર દાસા”
કાકભુશુંડીની ભક્તિની આ વાત સાંભળી ગરુડજી આનંદમાં મસ્ત બની ગયા.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE