Dec 11, 2014

પતંજલિના યોગસૂત્રો-59-Yogsutra of Patanjali-Gujarati

  • प्रवृत्तिभेदे प्रयोजकं चित्तम् एकम् अनेकेषाम्  (૫)

જો કે જુદાજુદા "નિર્માણ-ચિત્તો" ની પ્રવૃત્તિઓ જુદીજુદી હોય છે,તો પણ તે બધાનું,
નિયામક તો તે પેલું એક "મૂળ-ચિત્ત" જ હોય છે. (૫)

આ જુદાંજુદાં મન,કે જેઓ જુદાં જુદાં શરીરોમાં રહી ને કાર્ય કરે છે.તેમણે "નિર્માણ-ચિત્તો" કહેવામાં આવે છે.
અને તે શરીરો ને નિર્માણ શરીરો કહેવામાં આવે છે.
જડ-દ્રવ્ય (શરીર) અને મન એ બંને શક્તિના અખૂટ ભંડાર જેવા છે,અને માનવ જયારે યોગી બને છે ત્યારે તેને તેનું મહત્વ સમજાય છે.એ બધું સદા સાથે હતું પણ વિસરાઈ ગયું હતું તે તેને યાદ આવે છે.
અને પછી તેને તે મન ગમે તે રીતે -તેનો ઉપયોગ કે વ્યવહાર કરી શકે છે.

જે ઉપાદાન દ્રવ્ય માંથી નિર્માણ-ચિત્ત તૈયાર થાય છે,તે જ ઉપાદાન દ્રવ્ય સમષ્ટિ-બ્રહ્માંડ માટે વપરાયું છે.
તે બંને એક જ વસ્તુ ના બે જુદાજુદા પ્રકાર છે.
જેમાંથી યોગીનાં નિર્માણ-ચિત્તો તૈયાર થાય છે-તે "અસ્મિતા" (અહં-ભાવના કે અસ્તિત્વ ની સૂક્ષ્મ અવસ્થા)

તેથી જયારે યોગીને આ કુદરતની શક્તિઓના રહસ્ય નો પત્તો લાગી જાય છે,ત્યારે આ
"અસ્મિતા" (અહં-ભાવના) માંથી જોઈએ તેટલાં મન કે શરીરો ઉત્પન્ન કરી શકે છે.

  • तत्र ध्यानजम् अनाशयम् (૬)

આ વિવિધ ચિત્તોમાંથી -ધ્યાન દ્વારા સમાધિ એ પહોંચેલું ચિત્ત વાસના-રહિત થયેલું હોય છે. (૬)

જુદા જુદા મનુષ્યોમાં જોવામાં આવતા જુદાજુદા ચિત્તોમાંથી માત્ર જે ચિત્ત સમાધિ અવસ્થા યાને
સંપૂર્ણ એકાગ્રતા ની અવસ્થાએ પહોંચ્યું હોય તે જ સર્વોચ્ચ છે.જે મનુષ્યે-ઔષધિઓ,મંત્ર કે તપ વડે,
અમુક સિદ્ધિઓ મેળવી હોય છે,તેનામાં વાસનાઓ હજી રહેલી હોય છે,પણ જે મનુષ્યે એકાગ્રતા એટલે કે
ધ્યાન દ્વારા સમાધિ-અવસ્થા પ્રાપ્ત કરી હોય છે તે જ કેવળ સર્વ વાસનામાંથી મુક્ત હોય છે.

  • कर्माशुक्लाकृष्णं योगिनः त्रिविधम् इतरेषाम् (૭)

યોગીઓ ને માટે કર્મો,શુભ કે અશુભ-હોતા નથી પણ
બીજાઓ માટે તે શુભ-અશુભ-મિશ્ર એમ ત્રણ પ્રકારના હોય છે.(૭)

યોગી જયારે પૂર્ણતાએ પહોંચેલો હોય છે,ત્યારે તેના કાર્યો (કર્મો)  અને કાર્યો ના પરિણામે ઉત્પન્ન થયેલું
કર્મ-ફળ તેને બંધન કર્તા બનતા નથી.કારણકે તેણે તે કર્મો કશી વાસનાથી પ્રેરાઈને કરેલાં હોતાં નથી.
તે સહજ રીતે કાર્ય કરે જાય છે,બીજાનું ભલું કરવા કર્મ કરે છે. અને જ્યારે તે બીજાનું ભલું કરે છે,પણ
તેના ફળ ની સ્પૃહા (બદલાની આશા) રાખતો નથી.

પણ સાધારણ મનુષ્યો કે સર્વોચ્ચ સ્થિતિએ પહોંચ્યા નથી,તેમણે માટે કર્મો ત્રણ પ્રકારનાં હોય છે.
શુભ (શુક્લ) અશુભ (કૃષ્ણ એટલે કે કાળું) અને મિશ્ર (શુભાશુભ)

  • ततस्तद्विपाकानुगुणानाम् एवाभिव्यक्तिर्वासनानाम्  (૮)

આ ત્રિવિધ (શુભ-અશુભ-મિશ્ર) કર્મો ના ફળ-રૂપે જે અવસ્થામાં (શરીરમાં) જે યોગ્ય હોય તે વાસનાઓ જ
વ્યક્ત થાય છે. (૮)

ધારો કે કોઈએ ઉપર બતાવેલા ત્રણ પ્રકારના કર્મો કર્યા છે અને તે મર્યા પછી,સ્વર્ગે જઈને દેવ થાય તો,
તે દેવ-શરીરમાં મનુષ્ય-શરીર જેવી વાસનાઓ હોતી નથી.દાખલા તરીકે દેવ-શરીરમાં ખાવા-પીવાનું હોતું નથી,તો પછી જે કર્મો ખાવા-પીવાની વૃત્તિ કરે તેવાં ભોગવ્યા વગરનાં પૂર્વ-કર્મો નું શું થાય?
દેવ શરીરમાં એ કર્મો ક્યાં જાય? તેનો ઉત્તર એ છે કે-વાસનાઓ કેવળ "તેમને અનુરૂપ " વાતાવરણમાં જ
વ્યક્ત થઇ શકે છે.

એટલે કે જે વાસનાઓને માટે જે વાતાવરણ યોગ્ય હોય તે જ વાસનાઓ પ્રગટ થવાની.બીજી બાકીની
સંઘરાઈ રહેવાની.આ બતાવે છે કે-વાતાવરણ ના સહયોગ થી આપણે વાસનાઓને દાબી શકીએ.
આમ,વાતાવરણ ને અનુકૂળ હોય તેવાં જ કર્મો પ્રગટ થાય છે,કે જે બતાવે છે કે-વાતાવરણ ની શક્તિ એ ખુદ કર્મ ને પણ નિયંત્રિત કરનારું  બહુ મોટું બળ છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE